પ્રોટીન માટેની જાગૃતિ
પ્રોટીન યુક્ત આહાર લેવાની જાગૃતિ જોવા મળી રહી છે. પેકજ ફૂડ બનાવતી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટમાં પ્રોટીનના તત્વો હોવાનું પેકેટ પર લખે છે. લોકો પણ પ્રોડક્ટ ખરીદતા પહેલાં પેકેટ પર લખેલી વિગતો વાંચતા થયા છે અને પ્રોડક્ટમાં પ્રોટીન કેટલું છે તે શોધતા થયા છે. જોકે ઇન્ડિયન માર્કેટ રીસર્ચ બ્યૂરોએ કહ્યું છે કે ભારતના ૭૩ ટકા જેટલા ખોરાકમાં પ્રોટીનની માત્રા નગણ્ય હોય છે. રોજ લેવાતા ખોરાકમાં પ્રોટીન હોવું જરૂરી છે. ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર ગુડ્સ સાથે સંકળાયેલી કંપનીઓ દરેક આઇટમમાં પ્રોટીન હોવાનો આગ્રહ રાખે છે. બર્ગરથી માંડીને ચપાટી સુધીની પ્રોડક્ટમાં પ્રોટીન હોવાનો ઉલ્લેખ કરાય છે. બેંગલુરૂની એક કંપનીએ પ્રોટીન ચપાટી અને પ્રોટીન પરોઠા બજારમાં મુક્યા છે. જાન્યુઆરીથી એક કોફી ચેઇન કંપનીએ ભારતમાં પ્રોટીન કોલ્ડ કોફી શરૂ કરી છે.

કોન્ડોમની અછત અને અખાતી યુદ્ધ
અખાતી યુધ્ધની ઝપટમાં ભારત આવી ગયું છે. રાંધણ ગેસથી માંડીને ઓઇલના ભાવ વધારા વગેરેનો મારો જોવા મળી રહ્યો છે. ભારતની કેટલીક પ્રોડક્ટ પર આડકતરી અસર પડી રહી છે.કોન્ડોમના(નિરોધ)ના ઉત્પાદન પર પણ યુધ્ધની અસર જોવા મળે છે. કોન્ડોમ બનાવતી કંપનીઓ એચએલએલ લાઇફ કેર,મેનકાઇન્ડ ફાર્મા, અને ક્યુપીડ લિમિટેડ જેવી કંપનીઓ સિલીકોન ઓઇલની (પોલીડાઇમિથાઇલ સિલોક્સી પીડીએમએસ) અછત અનુભવી રહી છે. કોન્ડોમની બનાવટમાં લેટેક્સને સ્ટેબીલાઇઝ કરવા એમોનિયા વપરાય છે અને લ્યુબ્રીકન્ટ તરીકે સીલીકોન ઓઇલ વપરાય છે.એમોનિયાના ભાવમાં ૪૦થી ૫૦ ટકાના વધારાની સાથે સિલિકોન ઓઇલના ભાવો પણ વધ્યા છે. ટૂંકમાં આગામી સમયમાં કોન્ડોમની અછત જોવા મળી શકે છે.

જ્યાં માત્ર બિલાડીઓ ...કેટ વિલેજ
તાઇવાનમાં કેટ(બિલાડી) વિલેજ ઉભું કરાયું છે. જેમાં કેટ રેલ્વે સ્ટેશન પર આવકારે પણ છે અને મુલાકાતીઓ સાથે રમે પણ છે અને કોફી હાઉસમાં સાથે પણ આવે છે. તાઇપી નજીક આવેલું આ કેટ વિલેજમાં સેંકડો ફ્રેન્ડલી બિલાડીઓ લહેરથી ફરતી હોય છે. મુલાકાતીઓ તેમની પીઠ થપથપાવી શકે છે અને ખાવાનું પણ આપી શકે છે. એક સમયે કોલસાની ખાણના કામ સાથે સંકળાયેલું ગામ ત્યાંના કેટ લવર્સ લોકોના કારણે જાણીતું બન્યું છે. ડોગના પ્રેમ અને કેટના પ્રેમમાં ઘણુંં અંતર રહેલું છે. જ્યારે તમે કેટ વિલેજના સ્ટેશને ઉતરો ત્યારે બિલાડી તમને આવકારે છે. ચારે બાજુ બિલાડીઓ અને તેના બચ્ચાને જોઇને કેટ લવર્સ ખુશ થઇ જાય છે. ગામની બધી કેટને સ્ટરીલાઇઝ્ડ કરાઇ છે અને વેક્સીનેશન પણ કરાયું છે.

હની મૂન નહીં બડી મૂન
તાજેતરમાં જેમના ધામધૂમથી લગ્ન થયા તે સેલિબ્રિટી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના પરંપરાગત હનીમૂનની જગ્યાએ બડીમૂનની ઉજવણી કરી હતી. હનીમૂનમાં પોતાની સાથે મિત્રોને લઇ જવાની વાત થોડી નવી લાગે છે. તેને બડીમૂન કહે છે. આ એક નવો કોન્સેપ્ટ છે. તે પશ્ચિમના દેશોમાંથી આવેલો કોન્સેપ્ટ છે. બનીમૂન કપલ પોતાના મિત્રો સાથે થાઇલેન્ડ ગયું હતું. તેમણે લગ્ન પરંપરાગત વિધિ કરીને કર્યા હતા
પરંતુ હનીમૂનને પશ્ચિમી સ્ટાઇલમાં ઉજવ્યું હતું. બડીમૂનનો ટ્રાવેલ ટ્રેન્ડ નવો છે. અંગત મિત્રોને પણ સાથે લઇ જવાના, બધા સાથે ફરવાનું, રમવાનું અને જલસા કરવાના. એકલા જવું તેના કરતાં બડીમૂનમાં વધુ આનંદ મળતો હોય છે.

પહેલાં કુટુંબ પછી પૈસો
આઇઆઇટી ભણેલા ૨૬ વર્ષના અમન ગોયેલે પોતાનું સ્ટાર્ટઅપ લાખો રૂપિયામાં વેચી કાઢીને શાંત ફેમિલી લાઇફ જીવવાનું નક્કી કર્યું હતું. જ્યાં લોકો પૈસા કમાવવા માટે કુટુંબને સેકન્ડ પ્રેફરન્સ આપતા હોય છે ત્યાં અમન ગોયેલે પહેલા કુટુંબને ગણ્યું હતું. તેની પસંદગીના બહુ પ્રત્યાધાત પડયા હતા. કેટલાકે લખ્યું છે કે તો પછી સ્ટાર્ટઅપના બદલે નોકરી પસંદ કરવી હતી ને. કેટલાકે લખ્યું છે કે એકવાર બિઝનેસ શરૂ કર્યા પછી સ્પર્ધામાં ઉભા રહેવા માટે પણ મહેનત કરવી પડે છે અને સમય આપવો પડે છે. સામાન્ય રીતે પૈસાની પાછળ પડવામાં શાંત જીંદગીને ગુમાવે છે, તેની જીંદગી દોડધામ કરવામાં ડૂબતી હોય છે. હકીકત એ છેકે કુટુંબની સાથે પર્સનલ હેલ્થને પણ ગંભીરતાથી લેવી જોઇએ અને પૈસા કમાવવની એક લિમિટ બાંધવી જોઇએ.

લીલા નાળીયેરમાં યુરીન
જે લોકો નાના બાળકો સાથે પ્રવાસ કરતા હોય છે તે લોકો બાળકની દરેક કુદરતી જરૂરીયાતને સમજતા હોય છે. બાળકને ક્યારે યુરીન જવું છે કે ક્યારે તેને પોટી આવે છે તે તેની મમ્મી બાળકના હાવભાવ પરથી જાણી લે છે. ઇન્ટરનેટ પર એક વિડિયો બહુ જોવાય છે. જેમાં એક મમ્મીએ તેના સંતાનની યુરીન કરવાની માંગને સ્વિકારીને નજીક પડેલા એક વપરાયેલા લીલા નાળીયેરના કાણામાં યુરીન કરાવ્યું હતું.
લીલું નાળીયેર વેસ્ટમાં પડયું હતું. યુરીનથી ભરાયેલા નાળીયેરને પછી મમ્મીએ બહાર ફંગોળી દીધું હતું. જાહેરમાં યુરીન કરાવીને ગંદકી કરવાના બદલે મમ્મી એ આઈડયા કર્યો હતો. ઇન્ટરનેટ પર વિડિયો મુકનાર બાળકના પિતાજ હતા. કેટલાકે સિવીક સેન્સની વાત કરી હતી પરંતુ મોટાભાગના લોકોએ મમ્મીની સમયસૂચકતાને વખાણી હતી.


