Get The App

બજારની વાત .

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

85 વર્ષના વ્યક્તિએ જીવનની 60મી કાર ખરીદી

યુવાનીમાં કારનો શોખ હોય એ સમજી શકાય છે પરંતુ કેરળના ૮૫ વર્ષના નારાયણ પિલ્લાઇએ તેમનો નવી કાર ખરીદવાનો શોખ અકબંધ રાખ્યો છે.તાજેતરમાં તેમણે તેમની 60મી કાર ખરીદી છે. તે બીએમડબલ્યુ ટુ સિરીઝની ગ્રેન કૂપ છે. તે જ્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા ત્યારે તેમની પ્રથમ કાર ઓડી ફોક્સ ખરીદી હતી.ત્યારબાદ તેમણે જીંદગીભર સતત નવી કાર ખરીદવાનો સીલસીલો શરૂ કર્યો હતો. સામાન્ય રીતે લકઝરી કાર ખરીદવી એ સ્ટેટસ સિમ્બોલ સમાન હોય છે. નારાયણ પિલ્લાઇ કાર ખરીદે પણ છે અને તે ચલાવે છે પણ ખરા. પહેલી કાર ઓડી ચલાવ્યા પછી જેમ જેમ તે સમૃદ્ધ થતા ગયા એમ તેમણે નવી લકઝરી કાર ખરીદવાનું શરૂ કર્યું હતું. તેને બરાબર ફેરવીને પછી ક્યાંતો એક્સચેન્જ ઓફરમાં કે જુની કાર વેચીને તે નવી લકઝરી કાર ખરીદતા હતા. ૮૫ વર્ર્ષના યવાનને સેલ્યૂટ..

બજારની વાત                          . 2 - image

કઝાકિસ્તાન ભારતીયેાની પસંદ

2022માં કઝાકિસ્તાનમાં 14 દિવસ વિઝા ફ્રીની સિસ્ટમ શરૂ કરવાના પગલે ત્યાં ભારતના પ્રવાસીઓનો  જમેલો શરૂ થયો છે. ૨૦૨૩માં કઝાકિસ્તાનમાં ૫૦,૦૦૦ ભારતીયો મુલાકાતે ગયા હતા. તેની પાછળનું મુખ્ય કારણ ત્યાંનુ કુદરતી સોંદર્ય, ત્યાંની સંસકૃતિનું આકર્ષણ તેમજ આસાન ફ્લાઇટ કનેક્શન છે. કઝાકિસ્તાનની સરકારનું સ્લોગન પણ લોકોને પસંદ છે. કઝાકિસ્તાન બોર્ન બોલ્ડ..જેના કારણે લોકો આ દેશ તરફ આકર્ષાયા છે. નવી દિલ્હીથી માત્ર ત્રણ કલાક ફ્લાઇટમાં લાગે છે. તેનું અલમેટી સિટી આધુનિક સિટી જેવું છે. ભારતના લોકોને નવા પ્રદેશો ખૂંદવા ગમે છે જેમાં હવે કઝાકિસ્તાનનો સમાવેશ થયો છે.

બજારની વાત                          . 3 - image

ડિસેમ્બરમાં 20,000 કરોડના IPO

ડિસેમ્બરની આડે અઠવાડીયું રહ્યું છે. તાજેતરના કેટલાક આઇપીઓેએ વળતર બાબતે અનેકને નિરાશ કર્યા છે છતાં આઇપીઓ ભરવાનો ક્રેઝ લોકોમાં અકબંધ છે. ડિસેમ્બરમાં  ૨૦,૦૦૦ કરોડના આઇપીઓ આવી રહ્યા છે. આઇપીઓ ભરવામાં કોઇ પૈસા રોકાતા નથી. જેટલા શેર્સ લાગે એટલાજ પૈસા ખાતામાંથી કપાતા હોઇ લોકો તે તરફ વળેલા રહે છે. દશ જેટલી કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે. જેમાં હોસ્પિટલ ચેઇન ઓપરેટરથી માંડીને ફાયનાન્સીયલ કંપનીનો સમાવેશ થાય છે. બિહારની ચૂંટણીમાં સત્તાધારી પક્ષની જીતના પગલે લોકો રોકાણ કરવામાં રસ લઇ રહ્યા છે. સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા કેટલાક આઇપીઓ ગયા મહિને રોકાણકારોને નિરાશ કર્યા હતા.

બજારની વાત                          . 4 - image

AI આધારીત મિશન મોસમ

આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ (AI) આધારીત હવામાનની આગાહી કરતી સિસ્ટમને મિશન મોસમ નામ અપાયું છે. તાજેતરના વરસાદને કમોસમી માવઠાએ ખેતીને ખુબ નુકશાન પહોંચાડયું છે. જે વરસાદની સચોટ માહિતી મળે તો કિસાન પોતાનો લણેલો પાક બચાવી શકે. ખેતરમાં તૈયાર પડેલો પાક કમોસમી વરસાદના કારણે ધોવાઇ ગયો હતો.  AI ના કારણે મિશન મૌસમથી સચોટ માહિતી મળી શકે તેવા પ્રયાસ કરવામાં આવશે. AI અને મશીન લર્નીંગ બંનેનો ઉપયોગ કરાશે. તેમાં વેધર મેનેજમેન્ટ ટેકનોલેજીનો ઉપયોગ કરવામાં આવશે. એક તરફ ક્લાઇમેટ ચેન્જની સમસ્યા આડે આવી રહી છે તો બીજી તરફ હવામાંનું પ્રદૂષણ પણ સચોટ આગાહીની આડે આવે છે.

બજારની વાત                          . 5 - image

પાકિસ્તાનના ભિખારીએ 20,000ને જમાડયા

પાકિસ્તાનના એક ભિખારી કુટુંબે ૩૮ લાખ રૂપિયા ખર્ચીને ૨૦,૦૦૦ લોકોને જમાડવાની ઘટનાએ ચકચાર જમાવી છે. પાકિસ્તાનના ગુજરાનવાલા ખાતે એક ભિખારી કટુંબના દાદીનું અવસાન થયું હતું. દાદીના અવસાનના ૪૦માં દિવસે તેમને શ્રધ્ધાંજલિ રૂપે ૨૦,૦૦૦ લોકોને જમાડવામાં આવ્યા હતા. સોશ્યલ નેટવર્ક પર આ ધટનાની ટીકા પણ થઇ છે. કેટલાકે લખ્યું છેકે જીંદગીભર ભીખ માંગીને ભેગી કરેલી રકમ જમવાના જલસામાં વાપરવાની જરૂર શી હતી તો કેટલાકે તેમને ભિખારી દાનવીર તરીકે ઓળખાવતા હતા. પાકિસ્તાનમાં કાળઝાળ મોંધવારી છે ત્યારે લોકોને તો જમવાની મઝા પડી ગઇ હતી.

બજારની વાત                          . 6 - image

રીયલ્ટી કંપનીઓ 35,000 કરોડનું વેચાણ કર્યું

ભારતની ૨૬ જેટલી મુખ્ય રીયલ્ટી કંપનીઓએ સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં ૩૫,૦૦૦ કરોડ જેટલી રેકોર્ડ સંપત્તિનું વેચાણ કર્યું છે. જેમાં ગોદરેજ પ્રોપર્ટીએ સૌથી વધુ વેચાણ કર્યું છે. સૌથી વધુ બુકીંગ રેસીડેન્સ માટે થયા છે. ગોદરેજે જુલાઇથી સપ્ટેમ્બરના ગાળામાં ૫,૧૯૮ કરોડના ફ્લેટોનું વેચાણ કર્યું છે. મુંબઇ સ્થિત લોધા બ્રાન્ડ હેઠળ મેક્રોટેક ડેવલોપર્સે ૪૨૯૦ કરોડની કિંમતનું વેચાણ કર્યું છે જ્યારે દિલ્હી-એનસીઆર સ્થિત મેક્સ એસ્ટેટે ૪,૧૦૦ કરોડનું વેચાણ કર્યું છે. બેંગલુરૂ સ્થિત પ્રેસ્ટિજ એસ્ટેટે ૪૦૨૨ તો દિલ્હીના સિગ્નેચર ગ્લોબલે ૨૭૮૦ અને રીયલ્ટી ક્ષેત્રે માર્કેટ કેપની દ્રષ્ટીએ સૌથી મોટી ગણાતી ડીએલએફે ૬૯૨ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે.