ભારતની પહેલી ઇલેકટ્રીક એર ટેક્ષી e200x
ભારતની પહેલી ઇલેકટ્રીક એર ટેક્ષી e200x બનાવવા ભારતની ઇ પ્લેન કંપની એનવિડિયા કંપની સાથે ભાગીદારી કરશે. ભારતની પહેલી ઇલેકટ્રીક એર ટેક્ષીના પ્લેટફોર્મ માટેની એપ પણ તૈયાર કરાશે. ઠંડી તેમજ ગરમ હવામાનમાં તેમજ સખત પવનમાં તે કેવી રીતે ટકી શકે તેનું ટેસ્ટીંગ અને સંશોધન કરવામાં આવશે. ડિજીટલ ટ્વિન્સ મશીન માટે એનવિડિયાની ટેકનોલોજી કામે લગાડાશે. આસામાન્ય હવામાનમાં તેના સેન્સર ટકી શકે તે માટેનું પણ સંશોધન હાથ ધરાશે. એનવિડિયા સાથે જોડાણ કરવાથી ડિજીટલ અને ફિઝિકલ સિસ્ટમ વચ્ચનો ફર્ક જાણી શકાશે. ભારતની પહેલી એર ટેક્ષી માટેની તૈયારી ચાલી રહી છે. ઇલેકટ્રીક એર ટેક્ષી પર્યાવરણને બચાવશે અને હેવી ટ્રાફિકમાં લોકોનો સમય પણ બચાવશે.

બે વર્ષમાં 4000 બેડરૂમ
બેંગલુરૂના માર્કેટમાં ટ્રૂલીવ કંપનીનો પ્રવેશ થઇ રહ્યો છે. આ કંપની લોકોની જરૂરિયાત પ્રમાણેની રહેવાની સ્પેસ તૈયાર કરીને ભાડે આપે છે. બેંગલુરૂમાં તે વ્હાઇટ ફિલ્ડ પ્રોપર્ટી કંપની સાથે હાથ મિલાવીને આગામી બે વર્ષમાં ૪૦૦૦ બેડ તૈયાર કરશે અને પછી તે ટાર્ગેટ ૨૦૨૯ સુધીમાં ૧૫,૦૦૦ પર લઇ જવાનો પ્લાન છે. કંપની એક વ્યક્તિને, બે વ્યક્તિને અને ત્રણ વ્યક્તિને રહેવા માટે ભાડાથી જગ્યા આપે છે. બેંગલુરૂમાં આ રીતે ભાડા મકાન લેનારાની સંખ્યા વધતી જાય છે. જે રૂમ ભાડે અપાય છે તેમાં તમામ આધુનિક સુવિધાઓ હોય છે. ભાડે લેનાર એપ મારફતે પોતાની જરૂરીયાત વધારી શકે છે.

આંધ્ર પ્રદેશમાં 8000 કરોડનો લિથિયમ પ્લાન્ટ
રીન્યૂએબલ એન્જીન્યરીંગ સાથે સંકળાયેલી કંપની વારી એન્જીન્યરીંગ આંધ્ર પ્રદેશમાં ૮૦૦૦ કરોડ રૂપિયા રોકીને લિથિયમ-આયર્ન ફેક્ટરી ગીગા ફેકટરી ઉભી કરી રહ્યું છે. એનકાપલ્લી જીલ્લાના રામબીલી ગામમાં તૈયાર થનારા પ્રોજેક્ટથી ૩૦૦૦ લોકોને જોબ મળશે. જે ભારતમાં સૌથી મોટી લિથિયમ આયર્ન બેટરી જીગા ફેક્ટરી બનશે. તે સેલ મેન્યુફેક્ચરીંગ, બેટરી પેક અને બેટરીની એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વિકસાવશે. તેની ક્ષમતા 16GWhની (ગીગા વોટ અવર) હશે. આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાને પ્રોડક્ટને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. ક્લીન એનર્જીના કોન્સેપ્ટને કંપની વેગવંતો બનાવી શકે છે. રીન્યૂએબલ એનર્જી નો પ્રસાર કરવા માટે બેટરીનું ઉત્પાદન મહત્વનું બની જાય છે જેથી આ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકાશે.

AI જીનીયસ રણવીર સચદેવા
તાજેતરમાં દિલ્હી ખાતેની AI ઇમ્પેક્ટ સમિટમાં સૌથી નાની ઉંમરના સ્પીકરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. માત્ર ૮ વર્ષનો રણવીર સચદેવાએ કીનોટ સંબોધન કર્યું હતું અને તેમાં AI લીટરસી, AI મોડલ અને જીડીપીમાં યોગદાન જેવા મુદ્દાનો પણ સંબોધનમાં સમાવેશ કર્યો હતો. તેણે પત્રકારોને કહ્યું હતું કે પ્રાચીન સંસ્કૃતિને નવી ટેકનોલોજી સાથે મેળવવાનો મારો પ્રયાસ છે. માત્ર સમિટમાં નહીં પણ રણવીર સચવેદાએ ટેડેક્સ, આઇઆઇટી દિલ્હીના તખ્તા પરથી પણ સંબોધન કર્યા છે. ૨૦૧૭માં જન્મેલા રણવીર સચદેવાએ જ્યારે વિશ્વના ટોચના નિષ્ણાતોને સંબોધન કર્યું ત્યારે તેને દરેકે ઉભા થઇને વધાવી લીધું હતું.

મોડલ ભાવિતાના નામનો ઉલ્લેખ
મુંબઇની મુલાકાતે આવેલા ફ્રાન્સના પ્રમુખ મેક્રેાને તેમના સંબોધનમાં ૨૬ વર્ષની આર્કિટેક અને મોડલ ભાવિતા માંડવાના નામનો ઉલ્લેખ કરીને તને બહુમાન આપ્યું હતું. ઇન્ડિયા-ફ્રાન્સ ઇનોવેશન ફોરમમાં ત્રણ દિવસ માટે ભાગ લેવા આવ્યા હતા. તેમણે આઇબીએમ થી માઇક્રોસોફ્ટ સુધીના ઇન્ડિયન સીઇઓના નામ લઇને પ્રશંસા કરી હતી. તેમણે ફ્રેન્ચ લકઝરી ફેશન હાઉસના સીઇઓ મીરા નાયરનો પણ સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. એટલુંજ નહીં પણ તેમણે ૨૬ વર્ષની મોડલ ભાવિતાના નામનો પણ ઉલ્લેખ કરતાં તે ન્યૂઝ બની ગયા હતા. દરેક ભાવિતાને ઓળખવા માંગતા હતા. ફ્રાન્સના પ્રમુખ આ રીતે સંબોધનમાં લોકોના નામ સમાવે ત્યારે તે પ્રોત્સાહીત થતા હોય છે.

કિપ્ટોમાં પણ SIP
ભારતમાં ક્રિપ્ટો કરંસી પર પ્રતિબંધ છે છતાં ક્રિપ્ટો કરંસી ખરીદનારા પણ છે અને તે કરંસીથી વ્યવહાર કરનારા પણ છે. જે લોકો મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરે છે તે SIP થી માહિતગાર છે. SIP એટલે સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. ક્રિપ્ટો કરંસી જોખમી હોવા છતાં તેમાં SIP નો પ્લાન મુકાઇ રહ્યો છે તે આશ્ચર્ય જનક કહી શકાય. મ્યુચ્યલ ફંડની જેમ ક્રિપ્ટોમાં પણ કામ કરશે. જેમાં ચોક્કસ રકમ ચોક્કસ સમયમાં મુકવાની હોય છે. ક્રિપ્ટો કરંસીને ભારતમાં માન્યતા આપવા નાણાપ્રધાન તૈયાર નથી. ૧લી ફેબુ્રઆરીએ આપેલા બજેટમાં પણ ક્રિપ્ટોને માન્યતા આપવાનો કોઇ ઉલ્લેખ નથી કરાયો.


