2.3 ટ્રિલીયન ખેંચાયા અને ૬ ટ્રિલિયન ઠલવાયા
૨.૩ ટ્રિલીયન ખોંચાયા અને ૬ ટ્રિલિયન બજારમાં ઠલવાયા તે વર્તમાન શેરબજારનું ખરૂં ચિત્ર છે.ડોમેસ્ટીક ઇન્સટીટયુશનલ ઇન્વેસ્ટર તરીકે ઓળખાતા સ્થાનિક રોકાણકારોએ રંગ રાખ્યો છે. અમેેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના આર્થિક સલાહકારો એમ માનતા હતા કે ટેરિફ લાદવાથી ભારતનું અર્થતંત્ર નબળું પડી જશે અને ભારત શરણે આવશે પરંતુ તેમની બાજી ઉંધી પડી હતી. રોકાણકારોએ મ્યુચ્યલ ફંડ અને સીપમાં રોકાણોમાં લીધેલા રસના કારણે સ્થાનિક રોકાણો વધ્યા હતા. નાના રોકાણકારો હવે આઇપીઓમાં પૈસા રોકતા થયા છે. સ્થાનિક રોકાણકારોએ આર્થિક નિષ્ણાતોને માથું ખંજવાળતા કરી દીધા છે કેમકે મંદીની અફવાની તેમની વાતો પોકળ પુરવાર થઇ હતી.

9000 કરોડના આઇપીઓ
અહીં જ્યારે આઇપીઓની વાત નીકળી છે ત્યારે લખવાનું કે ફૂડ અને બિવરેજીસ સેક્ટરની કંપનીઓના ૯૦૦૦ કરોડના આઇપીઓ ટૂંક સમયમાં આવી રહ્યા છે. આઇપીઓ ભરનારાના પૈસા સીધાજ બેંક ખાતામાંથી ચૂકવાતા હોઇ લોકો તેમાં પૈસા રોકતા થયા છે. એક ડઝન જેટલી કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે. મિલ્ક ડેરી પ્રોડક્ટ, આઇસક્રીમ બનાવતી કંપની, હોસ્પિટાલીટી ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ પણ આઇપીઓ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. આઇપીઓ ક્ષેત્રે નાણા રોકવા નથી પડતા તે સિસ્ટમ લોકોને ફાવી ગઇ છે. શેર્સ લાગે તોજ ખાતામાંથી પૈસા કપાતા હોઇ તેમાં રોકાણ કરવાની કે પૈસા પરત ક્યારે આવશે તેની રાહ જોવી પડતી નથી.

વિશ્વબેંક અને ગુગલે હાથ મિલાવ્યા
AI ની ક્ષમતા વાળા ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભા કરવા વિશ્વબેંક અને ગુગલ હાથ મિલાવે તે બહુ ઉપયોગી સાબિત થશે. વિકસીત દેશોમાં ડિજીટલ પ્રોગ્રેસને વધુ અસરકારક બનાવવા ગુગલ ક્લાઉડનું છૈં, જેમીની મોડલ નો ઉપયોગ કરીને હેલ્થ કેર અને ફાર્મીંગ જેવા મહત્વના ક્ષેત્રોમાં ત્વરીત અસરકારક પરિણામો મેળવવા પ્રયાસ કરાશે. ડિજીટલ નેટવર્ક ઉભું કરવા ૪૦ જેટલી લેન્ગવેજ અને ડિજીટલ ટૂલ્સનો ઉપયોગ કરાશે. વિશ્વબેંક ઓછી આવક વાળા દેશોને સહાય પુરી પાડતી હોય છે. આવા દેશો પણ ગુગલ ક્લાઉડની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકસે. ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા શરૂ કરાયેલા પ્રયાસથી નાના દેશોને પણ લાભ થઇ શકે છે.

જ્હોન્સન બેબી પાવડરમાં કેન્સરજન્ય તત્વો
અમેરિકાની મલ્ટીનેશનલ કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન સામે યુકેમાં બહુ મોટો કેસ ચાલે છે. જેમાં કંપનીના બહુ વેચાતા બેબી પાવડર વિવાદમાં આવ્યો છે. કેસ એવો છે કે બેબી પાવડરમાં કેન્સર કરી શકે એવું તત્વ એસ્બેટોસ પાવડર ભેળવેલું હોવાનું જણાયું હતું. કંપની પર આક્ષેપ કરાયો છે કે ૧૯૬૦ના દાયકાથી તે જાણે છેકે પાવડરમાં જે તત્વો મિક્સ કરાય છે તેમાં ટર્મોલાઇટ અને એસિટીનોલાઇટ જેવા તત્વો છે જે એસ્બેટોસ સાથે સંકળાયેલા છે જે કેન્સર નોંતરી શકે છે. ફરિયાદમાં કહ્યું છેકે એસ્બેટોસ ગંભીર બિમારી ખેંચી લાવે છે. કંપનીને ચેતવણી આપી હોવા છતા તેણે આવા તત્વો વાપરવા ચાલુ રાખ્યા હતા અને તેના બેબી પાવડરને પ્યોર અને સેફ ગણાવ્યો હતો. જોકે જ્હોન્સને તેવા આક્ષેપો ફગાવી દીધા છે.

દિલ્હીની પોતાની ટેક્ષી સર્વિસ
દિલ્હીની રાજ્ય સરકાર પોતાની ટેક્ષી સર્વિસ શરૂ કરવા જઇ રહી છે. ઓલા અને ઉબર જેવી સર્વિસનો વિકલ્પ દિલ્હીની સરકાર પુરી પાડશે. દિલ્હીના લોકો ઓલા અને ઉબરથી કંટાળ્યા હતા પરંતુ તેમને કોઇ વિકલ્પ નહોતો મળતો . દિલ્હીની સરકાર જે સર્વીસ શરૂ કરી રહી છે તે સહકારી ધોરણે ચાલશે. દેશમાં દિલ્હી પહેલું એવું રાજ્ય છે કે જેની પોતાની ટેક્ષી સર્વિસ હશે. સહકારી ધોરણે ચાલતી સર્વિસમાં ડ્રાઇવરોએ કોઇને કમિશન આપવાનું નહીં થાય એેટલે તેમના વળતરની માત્રામાં વધારો થશે. મહારાષ્ટ્રમાં ચાલતા સહકાર ટેક્ષી પ્રોજેક્ટ આધારીત દિલ્હી સરકારનો આઇડયા છે.

90ના દાયકાની ફેશન ફરી આવી રહી છે
૧૯૯૦ના દાયકાની ફેશન પાછી ૨૦૨૫માં આવી રહી છે. કારગો પેન્ટ, બોક્સી લેધર જેકેટ વગેરેનો સ્ટોક માર્કેટમાં ધૂમ વેચાઇ રહ્યો છે. માર્કેટના સૂત્રો કહે છેકે જનરેશન ઝેડ તેમના નવા ફેશન ટ્રેન્ડમાં ૧૯૯૦ના દાયકામાં ચાલેલી આઇટમોને અપનાવી રહ્યા છે. આ ફેશન ટ્રેન્ડ બોલીવૂડે નથી અપનાવ્યો પરંતુ હરવા ફરવામાં ટાઇટ ડ્રેસના બદલે થોડા ઢીલા ડ્રેસની ડિમાન્ડ ઉભી થઇ હતી. તૈયાર કપડાંની નામાંકીત બ્રાન્ડ પણ ૯૦ના દાયકાના પેન્ટ અને શર્ટ જેવી ચીજો બજારમાં મુકી રહ્યા છે.


