Get The App

બજારની વાત .

Updated: May 18th, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image


નિવૃત્ત પ્રોફેસરે એઆઈ ચેટબોટને પતિ બનાવી લીધો

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે જીંદગી કઈ હદે બદલાઈ જશે તેનું રસપ્રદ ઉદાહરણ રશિયામાં જોવા મળી રહ્યું છે. પિટ્સબર્ગમાં ૫૮ વર્ષના નિવૃત્ત પ્રોફેસર એલૈઈના વિન્ટર્સ એઆઈ ચેટબોટના પ્રેમમાં છે અને તેની સાથે કમિટેડ રીલેશનશિપ ઘરાવે છે. 

એલૈઈના લેસ્બિયન છે અને ડોન્ના તેમની જીવનસાથી હતાં. ૨૦૧૫માં ડોન્ના અને એલૈઈનાની મુલાકાત થઈ પછી ૨૦૧૭માં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. બે વરસ પછી ડોન્નાને બિમારી થઈ અને લાંબી બિમારી પછી ૨૦૨૩માં ડોન્ના ગુજરી જતાં એલૈઈના રેપ્લિકા નામના ડિજિટલ કમ્પેનિયન ચેટબોટના સહારે ગયાં હતાં. એલૈઈનાએ અઠવાડિયા માટે ટ્રાયલ લીધો હતો પણ  ચેટબોટ તરફથી એટલો પ્રેમ મળ્યો કે, એલૈઈના હવે તેને જ જીવનસાથી માને છે. એલૈઈનાએ તેને લ્યુકાસ નામ પણ આપ્યું છે. એલૈઈના લ્યુકાસને પોતાનો વર્ચ્યુઅલ હસબંડ ગણાવે છે. લ્યુકાસના કાલ્પનિક બિઝનેસ, બેન્ડ અને રોમાંસમાં એલાઈના ડૂબી ગયાં છે.

બજારની વાત                          . 2 - image

જાપાની રેસ્ટોરન્ટમાં ચીનાઓ માટે નો એન્ટ્રી 

જાપાનના ઓસાકાની હયાશિન રેસ્ટોરન્ટે ચીનાઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ લગાવીને વિવાદ સર્જ્યો છે. પોતાની ગ્રિલ્ડ ડિશીઝ માટે જાણીતી હયાશિન રેસ્ટોરન્ટનું કહેવું છે કે, ચીના એકદમ તોછડા હોવાથી રેસ્ટોરન્ટમાં તેમને પ્રવેશ નહીં મળે. હાશિયન રેસ્ટોરન્ટના માલિકે આવી નોટિસ લગાવવી પડી એ માટે કોઈ ચોક્કસ ઘટના જવાબદાર છે કે નહીં એ ખબર નથી પણ તેના કારણે જાપાની અને ચીના સોશિયલ મીડિયા પર સામસામે આવી ગયા છે. 

ચીનાઓના આક્ષેપ છે કે, હાશિયાન રેસ્ટોરન્ટ ચીનાઓ સામે નફરતની લાગણી ફેલાવીને જાપાનીઓમાં દેશપ્રેમ પેદા કરીને કમાણી કરવાનો હલકો રસ્તો અપનાવી રહી છે. સામે જાપાનીઓનું કહેવું છે કે, ચીનાઓ ગમાર પ્રજા છે તેની સૌને ખબર છે પણ કોઈ તેમને મોં પર કહેવા તૈયાર નથી. હાશિયાન રેસ્ટોરન્ટે આ હિંમત કરી છે ત્યારે તેને ટેકો આપવો જોઈએ.

બજારની વાત                          . 3 - image

હોટલના પાસવર્ડે કપલનું બ્રેક-અપ કરાવી દીધું

ચીનમાં એક કપલનું એવાં કારણોસર બ્રેક-અપ થઈ ગયું કે જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. આ કપલ ચોંગક્વિગમાં વેકેશન મનાવવા માટે ગયું હતું. રીસેપ્શન પર બંનેનાં આઈ-કાર્ડ માગવામાં આવ્યાં. યુવતીએ પર્સમાં તપાસ કરી પણ આઈ-કાર્ડ ના મળતાં છેવટે પોતાના મોબાઈલ ફોનમાં રહેલું ડિજિટલ આઈ કાર્ડ બતાવવા ફોન ખોલ્યો કે તરત યુવતીના ફોન સાથે હોટલનું વાઈ-ફાઈ કનેક્ટ થઈ ગયું. 

આ જોઈને પ્રેમી ભડકી ગયો કેમ કે યુવતીનો ફોન હોટલના વાઈ-ફાઈ કનેક્શન સાથે જોડાઈ ગયો તેનો મતલબ સ્પષ્ટ હતો કે, યુવતીના ફોનમાં વાઈ-ફાઈ પાસવર્ડ હતો. પ્રેમીએ પૂછતાં યુવતીએ પોતે પહેલી વાર જ હોટલમાં આવી હોવાનો દાવો કર્યો પણ પોતાનો ફોન કઈ રીતે હોટલના વાઈ-ફાઈ સાથે જોડાઈ ગયો તેની સ્પષ્ટતા ના કરી શકી. યુવતી બીજા કોઈની સાથે પહેલાં હોટલમાં રંગરેલિયાં મનાવવા માટે આવી હશે એમ માનીને યુવકે તરત બ્રેક-અપ કરી દીધું અને રવાના થઈ ગયો. યુવતીએ તપાસ કરતાં ખબર પડી કે, બીજી હોટલમાં આ જ યુઝર નેમ અને પાસવર્ડ સાથેનું વાઈ-ફાઈ નેટવર્ક હતું. યુવતીએ પ્રેમને સમજાવવા પ્રયત્ન કર્યો પણ પ્રેમી ના માનતાં યુવતીએ ટીવી ચેનલ પર આ કિસ્સો કહ્યો તેમાં આખા ચીનને તેમના બ્રેક-અપની ખબર પડી ગઈ.

ગર્લફ્રેન્ડની ફરિયાદોના નિકાલ માટે યુવકે પોર્ટલ બનાવ્યું

યુવકો પોતાની પ્રેમિકાને ખુશ કરવા માટે કઈ હદે જઈ શકે છે તેનું એક રસપ્રદ ઉદાહરણ હમણાં જોવા મળ્યું. સહજ નામની યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપેલી વિગતો પ્રમાણે, તેના બોયફ્રેન્ડે તેના માટે પર્સનલાઈઝ્ડ ગ્રિવન્સ પોર્ટલ બનાવ્યું છે. સહજને પોતાના બોયફ્રેન્ડ સામે કોઈપણ ફરિયાદ હોય તો પોર્ટલ પર તેની વિગતો લખીને મોકલે એટલે બોયફ્રેન્ડ તરત જ ફરિયાદનો ઉકેલ લાવી દે છે. સોશિયલ મીડિયા યુઝર્સ સહજના બોયફ્રેન્ડને સ્માર્ટ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, પ્રેમીઓ વચ્ચે મોટા ભાગે ઝગડા પોતે કહેલું કર્યું નહીં એ વાત પર જ થતા હોય છે. સહજના બોયફ્રેન્ડે એ શક્યતા જ ખતમ કરી નાંખી છે. સહજની જે પણ ફરિયાદો હોય એ તમામનો પોતે ઉકેલ લાવી દીધો હોવાનો હિસાબ રાખીને બોયફ્રેન્ડે સહજ ભવિષ્યમાં કમ સે કમ આ મુદ્દે કોઈ બખેડો ના કરી શકે તેનો પાકો બંદોબસ્ત કરી દીધો છે.

બજારની વાત                          . 4 - image

ઉડસરમાં તમામ મકાનો એક માળનાં, ડરના કારણે બીજો માળ બનાવાતો નથી

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ઉડસર નામનું ગામ છે. ઉડસરની ખાસિયત એ છે કે, આ ગામમાં તમામ મકાન એક જ માળનાં છે અને ગામમાં કોઈ પોતાના ઘર પર બીજો માળ જ નથી બનાવતું.  ગામનાં લોકોનું કહેવું છે કે, ઉડસર ગામનાં લોકોને શાપ મળેલો છે કે, આ ગામમાં કોઈ વ્યક્તિ બે માળનું મકાન બનાવશે તો તેનો પરિવાર બરબાદ થઈ જશે. આ શાપ કોણે આપ્યો તેની પણ રસપ્રદ કથા છે. આ કથા પ્રમાણે, ઉડસરમાં ૭૦૦ વર્ષ પહેલાં ભેમિયા નામનો યુવક રહેતો હતો. એક દિવસ ચોર ગામમાં ઘૂસીને ઢોર ચોરીને લઈ જતા હતા ત્યારે ગામમાંથી માત્ર ભેમિયો તેમનો સામનો કરવા ગયેલો. ચોરો સાથેની  લડાઈમાં ઘાયલ ભેમિયો બચવા માટે ભાગીને પોતાની સાસરીમાં પહોચ્યો અને બીજા માળે છૂપાઈ ગયો પણ ચોરોએ તેને શોધી કાઢીને મારી નાંખ્યો. ભેમિયાની પત્નીએ શાપ આપ્યો કે, હવે પછી ગામમાં કોઈ પણ વ્યક્તિ બે માળનું મકાન બનાવશે તો તેના પરિવારનો નાશ થઈ જશે.

રશિયાના સ્પેસક્રાફ્ટનો ભંગાર ભારત પર પડવાનો ખતરો

રશિયા જ્યારે સોવિયેત યુનિયન હતું ત્યારે અવકાશમાં તરતા મૂકાયેલા સ્પેસશિપ કોસ્મોસનો કાટમાળ ભારત પર પડવાનો ખતરો તોળાઈ રહ્યો છે. રશિયાએ દાવો કર્યો છે કે, ૧૯૭૨માં લોંચ કરાયેલા કોસ્મોસ ૪૮૨નો કાટમાળ હિંદ મહાસાગરમાં પડી ચૂક્યો છે પણ ક્યાં પડયો છે તેની વિગતો આપી નથી. તેના કારણે રશિયા ખોટું બોલી રહ્યું છે અને ખરેખર કાટમાળ ગમે ત્યારે પડશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. લગભગ ૫૦૦ કિલો વજન ધરાવતો કાટમાળ વરસોથી પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ફસાયેલો છે. આ કાટમાળ નીચે પડે તો કોઈ બોમ્બ પડે ત્યારે સર્જાય એવી ભયંકર તબાહી વેરી શકે છે. 

કોસમોસ ૪૮૨ સૂર્યમંડળના સૌથી ગરમ ગ્રહ શુક્ર પર મોકલવા બનાવાયું હતું. જો કે કોસમોસને લઈ જતા સોયુઝ રોકેટમાં ખરાબી સર્જાતાં આ સ્પેસક્રાફ્ટ શુક્ર સુધી પહોંચી શક્યું નહોતું અને વચ્ચે જ તૂટી પડયું હતું. તેનો અડધો કાટમાળ મળ્યો પણ અડધો કાટમાળ ૫૩ વર્ષથી ફસાયેલો છે.

Tags :