ફ્રાન્સની બ્રેન કેન્સરની દવાને ક્લીનીકલ માટે પરવાનગી
ફ્રાન્સની દવાઓ બનાવતી કંપની સર્વર તેના ક્લીનીકલ ટ્રાયલના પ્લાન માટે ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓ સાથે ટાઈઅપ કરી શકે છે. કંપનીની દવા વોરાસીડેનિબના ક્લીનીકલ ટ્રાયલ માટે ભારતની ડ્રગ રેગ્યુલેટરીએ તેને મંજૂરી પણ આપી છે. વોરાસીડેનિબ એ બ્રેન કેન્સર સામે ઉપયોગમાં લેવાય છે. તે ગળવાની દવા છે અને ૧૨ વર્ષની ઉપરના તેમજ પુખ્ત વયના લોકોને આપી શકાય છે. કોઈ પણ કંપનીની દવાના ક્લીનીકલ ટ્રાયલ માટે ડ્રગ રેગ્યુલેટરીની પરવાનગી લેવી પડે છે. કંપનીને યુરોપના માર્કેટ માટે પરવાનગી મળ્યા બાદ અમેરિકાએ પણ પરવાનગી આપી હતી. તેના એક વર્ષ બાદ હવે કંપની ભારતમાં પણ ક્લીનીકલ ટ્રાયલ માટે પરવાનગી મેળવી શકી છે.

એપલનો નવો સ્ટોર.... એપલ નોઈડા
ગયા અઠવાડીયા એપલે તેનો નવો સ્ટોર નોઈડામાં ખુલ્લો મુક્યો છે. તેનું નામ એપલ નોઈડા અપાયું છે. તે ડીએલએફ મોલ ખાતે આવેલો છે. દિલ્હીમાં એપલનો આ બીજો સ્ટોર છે. પહેલો દિલ્હી-એનસીઆર વિસ્તારમાં છે. એપલના સ્ટોર્સમાં કંપની આઈફોનના લેટેસ્ટ મોડલ ઉપરાંત અન્ય પ્રોડક્ટ પણ મુકે છે. ૧૧ ડિસેમ્બરે તે સ્ટોર બપોરે ખુલ્લો મુકાયા પછી હવે તે સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. નોઈડાના સ્ટોર્સમાં એપલની ટેકનોલોજીના જાણકાર એવા ૮૦ લોકોની ટીમ ગ્રાહકોને સપોર્ટ કરશે. અન્ય એપલ સ્ટોરની જેમ નોઈડાનો સ્ટોર પણ ૧૦૦ ટકા રીન્યુએબપલ એનર્જી હેઠળ કામ કરશે. બેંગલુરૂ અને પૂણે ખાતે એપલ સ્ટોર ઉભા કર્યા બાદ તેણે નોઈડા પર પણ પસંદગી ઉતારી હતી.

હાઈડ્રોજન સંશોધનમાં ભારત મોખરે
ક્લીન એનર્જી માટેના ભારતના પ્રયાસોને પૂણેના વિજ્ઞાાનીઓના સંશોધનથી વેગ મળી શકે છે. ભારતના હાઈડ્રોજનને અન્યત્ર મોકલવામાં જે ગંભીર સમસ્યાઓ નડતી હતી તેને પૂણેની એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીના રીસર્ચરોએ આસાન બનાવી દેતું સંશોધન કર્યું છે. આ સંશોધન હેઠળ લીકવીડ હાઈડ્રોજન કરીયરને સ્ટોર કરી શકાશે તેમજ તે અન્ય સ્થળે પણ લઈ જઈ શકાશે. જેમાં તે સળગી ના ઉઠે તેમજ પ્રવાહી બનીને વિસ્ફોટ ના બની શકે તેનો પણ સમાવેશ થાય છે. તેના માટે કોઈ પ્રેશરનો ઉપયોગ પણ નહીં કરાય અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ બહુ નહીં આવે તેવું સંશોધન છે. આ સંશોધન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જેના કારણે હાઈડ્રોજનના સંશોધનમાં ભારત મોખરે રહી શકે છે.

AI નો પરપોટો... એનવિડીયાને હિસ્સો વેચાયો
આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો પરપોટો ફૂટી રહ્યો છે તેવી અફવાને સમર્થન ત્યારે મળ્યું હતું કે જ્યારે સોફ્ટબેંકે તેનો એનવીડીયા કંપનીમાંનો ૫.૮ અબજ ડોલરનો હીસ્સો વેચી દીધો હતો. એનવીડીયા AI સાથે સંકળાયેલી છે. એનવીડીયા કંપની વિશ્વની નામાંકીત ચીપ મેકર્સ કંપની છે. સોફ્ટ બેંક ગુ્રપ એનવીડીયાનો હિસ્સો વેચે ત્યારે AI ક્ષેત્રે ભરોસો ઓછો હોવાનું દેખાઈ રહ્યું છે.AI ક્ષેત્રે એનવીડીયા લીડર છે. તાજેતરમાં તેની માર્કેટ કેપ પાંચ ટ્રિલીયનને વટાવી ગઈ છે. આવી સમૃદ્ધ કંપનીમાંનો પોતાનો હીસ્સો વેચીને સોફ્ટ બેંકે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જે AI ક્ષેત્રે ભડકો થવાની શક્યતા દર્શાવે છે.

યુવાધન પૈસા ક્યાં વાપરે છે... એક સર્વે
ભારતના યુવાધનનો હાથ ખર્ચ કરવાની બાબતમાં થોડો છૂટો છે એમ કહેવાય છે. પરંતુ મહત્વની વાત એ જાણવાની છે કે તે લોકો પૈસા ક્યાં વાપરે છે ? આ લોકો માત્ર કપડાં કે નવા ગેઝેટ્સ પાછળ પૈસા નથી વાપરતા પણ ૩૦ વર્ષની અંદરના યુવાનો જે ખર્ચ કરે છે તેના સર્વેના અનુસાર આ લોકો જોઈતી ચીજો જ ખરીદે છે. મેટ્રો સીટી અને નાના શહેરોના યુવાનોની ખરીદીનો આઈડીયા એક સરખો જોવા મળે છે. આ લોકો મોટાભાગે યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરે છે. તેમના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પૈકી ૭૮ ટકા તો ૨૦૦ રૂપિયાની અંદરના હોય છે. યુવાનોની મોટાભાગની ખરીદી સાંજના ૭ થી ૮ દરમ્યાનની હોય છે. આ લોકો આડેધડ પૈસા વાપરે છે તે વાતમાં બહુ દમ નથી.

ડિસમિસ કોન્સ્ટેબલ પાસે કરોડોની સંપત્તિ
બાળકો માટે જીવલેણ સાબિત થયેલું કોડીન તત્વવાળું કફ સિરપનું નેટવર્ક પકડવા ઉત્તરપ્રદેશની પોલીસે દરોડા પાડવાનું શરૂ કર્યું ત્યારે તેમા એક ડિસમિસ થયેલો કોન્સ્ટેબલ પણ સપડાયો હતો. તેના લખનૌના ઘેર રેડ પડાઈ ત્યારે તેનું ઘર એક મહેલ સમાન જોવા મળ્યું હતું. તે ડિસમિસ થયેલો છે. આલોક પ્રતાપસિંહ નામના આ કોન્સ્ટેબલનો બંગલો ૭૦૦૦ સ્ક્વેર ફૂટમાં પથરાયેલો છે. તેની સામે મની લોન્ડરીંગનો કેસ કરાયો છે. તેને પોલાસ રિમાન્ડ પણ લેવાયો છે. કફ સિરપનું નેટવર્ક શોધતાં શોધતાં મની લોન્ડરીંગનું નેટવર્ક હાથ લાગેલું છે. તપાસ અધિકારીઓએ કહ્યું હતું કે આ બંગલો કરોડો રૂપિયાનો છે. બંગલાનું બાંધકામ પાંચ કરોડનું હશે અને જેમાં વિશાળ જમીનની કિંમતનો સમાવેશ નથી કરાયો.


