યુકેની મોટી હોસ્પિટલ ચેન ભારતની કંપનીએ ખરીદી
ભારતની નારાયણ હેલ્થે યુકેની પ્રેકટીસ પ્લસ ગૃપની હોસ્પિટલો ૨૨૦૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરીને હેલ્થ સેક્ટરમાં ચકચાર ઉભી કરી છે. નારાયણ હેલ્થે પ્રેકટીસ પ્લસ ગૃપની હોસ્પિટલોનો ૧૦૦ ટકા હિસ્સો ખરીદીને તેના પર વર્ચસ્વ જમાવી દીધું છે. પ્રેકટીસ પ્લસ ગૃપની યુકેમાં સાત હોસ્પિટલો , ત્રણ સર્જીકલ સેન્ટર, બે અરજન્ટ ટ્રીટમેન્ટ સેન્ટર, ત્રણ ડાયગ્નોસ્ટિક સેન્ટર, ૩૩૦ બેડની ક્ષમતા વાળી આંખની હોસ્પિટલ છે. ભારતમાં નારાયણ હોસ્પિટલે હેલ્થ કેર ક્ષેત્રે પ્રશંસા મેળવી છે. યુકેના હેલ્થ કેર માર્કેટમાં પ્રવેશથી નારાયણ હેલ્થકેર વૈશ્વિક હેલ્થકેરના તખ્તા પર પહોંચી ગયું છે.

પ્રદૂષણ... સિનીયરોને દિલ્હી છોડવા સલાહ
દિલ્હીમાં હવાના પ્રદૂષણની માત્રા સતત વધી રહી છે. કૃત્રિમ વરસાદનો પ્રયોગ નિષ્ફળ ગયો છે. સરકારે કૃત્રિમ વરસાદ પર બહુ મદાર રાખ્યો હતો પરંતુ તેમાં સફળ થયા નહોતા. હવામાં પ્રદૂષણની માત્રા વધતાં દિલ્હીના લોકા શ્વસન તંત્ર સાથે સંકળાયેલા રોગોથી પીડાઇ રહ્યા છે. દિલ્હીના ફેફસાના ડોક્ટરોને ત્યાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. દિલ્હીના ફેફસાના એક ડોકટરે હ્ય્દય રોગ અને સ્ટ્રોક જેવી બિમારીથી પીડાત સિનિયર સિટિઝનોને સલાહ આપી છે કે હાલનાં પ્રદૂષણનો સામનો કરવો બહુ આસાન નથી અટલે જો શક્ય હોય તેા ૬ થી ૮ અઠવાડિયા દિલ્હીની બહાર રહેવા જવાની સલાહ આપી છે. હવાનું પ્રદૂષણ આરોગ્ય માટે ગંભીર ખતરા સમાન હોય છે.

પ્રોટીનની સૌથી વધુ ડિમાન્ડ
જ્યારે એક એવો સર્વે કરાયો કે તમારા ભોજનમાં શું ખૂટતું હોય એવું તમને લાગે છે? તરત જવાબ મળ્યો હતો કે પ્રોટીન. જીમમાં જનારા વધુ પ્રોટીન મેળવવા પ્રયાસ કરે છે. લોકો પણ જાગૃત થયા છે અને પોતાના ડાયટમાં કેટલું પ્રોટીન છે તે ચકાસતા હોય છે. લોકો પોતાના શરીરની જરૂરીયાત અંગે કેટલા જાગૃત છે તે જણાઇ રહ્યું છે. પ્રોટીન પુરૂં પાડવાની રેસમાં બિવરેજીસ ઉદ્યોગ પણ જોડાયો છે. પ્રોટીનની ડિમાન્ડ જોઇને હેલ્થી ફૂડ સ્ટાર્ટઅપ પણ શરૂ થયા છે. યોગા બાર,ટ્રૂવી,ધ હોલ ટ્રૂથ, સુપર યુ, પ્રોટીન શેપ વગેરે પણ શરૂ થયા છે. ડીશમાં પ્રોટીનથી સમૃધ્ધ ઇડલી, બિસ્કીટ, ડેરી પ્રોડક્ટ બ્રેડ, આઇસક્રીમ વગેરે વેચાવા લાગ્યા છે. સ્વીગી પ્રોટીન ડીશ રાખે છે તો મેગી નૂડલ્સ પણ પ્રોટીનવાળા મળવા લાગ્યા છે.

ECMS હેઠળ નવા સાત પ્રોજક્ટ
ઇલેકટ્રોનીક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ સ્કીમ (ECMS) હેઠળ સરકારે ૫૫૩૨ કરોડ રૂપિયાના સાત પ્રોજક્ટ મંજૂર કર્યા છે. આ સાત માંથી પાંચ પ્રોજક્ટ તો તમિળનાડુમાં ઉભા કરાશે જ્યારે બાકીના બે મધ્યપ્રદેશ અને આંધ્ર પ્રદેશના ફાળે ગયા છે. આ સાત પ્રોજક્ટથી ૫૦૦૦ જેટલી જોબ ઉભી થવાની ધારણા છે. પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ, કોપર ક્લેટ લેેમિનેટ્સ, કેમેરા મોડયુલ્સ, પોલી પ્રોપેલીન ફિલ્મસ વગેરેનું ઉત્પાદન કરાશે. મહત્વની વાત એ છેકે ભારતમાં ઉત્પાદન થશે એટલે ભારતના આયાત બીલમાં વર્ષે ૧૮થી ૨૦,૦૦૦ કરોડનો ધટાડો થઇ શકશે.

ચીનથી રેર અર્થ મેગનેટ મંગાવવા ત્રણ કંપનીઓની મંજૂરી
ભારતની ત્રણ કંપનીઓને ચીનથી રેર અર્થ મેગનેટ આયાત કરવાનું લાઇસન્સ મળ્યું છે. કોન્ટીનેન્ટલ ઇન્ડિયા, હિટાચી અને જય ઉશીન નામની કંપનીઓને આયાત કરવાની મંજૂરી અપાઇ છે. ઇલેકટ્રોનિક વ્હીકલ,વિન્ડ ટર્બાઇન થી માંડીને સ્માર્ટફોન સુધીના ઉત્પાદન માટે રેર અર્થ મેગ્નેટ બહુ મહત્વનું બની રહ્યું છે. રેર અર્થના મટીરીયલ પર ચીનનું પ્રભુત્વ છે. શરત એવી છે કે ચીનથી મંગાવેલું મટીરીયલ અમેરિકા મોકલી શકાય નહીં. હવે જ્યારે રેર અર્થ મટીરીયલ આયાત કરાશે ત્યારે કારનું ઉત્પાદન કરતી કંપનીઓ રાહતનો શ્વાસ લેશે. ભારત પોતાના રેર અર્થ મટીરીયલ સપ્લાયની ઇકો સિસ્ટમ ઉભી કરીને ચીનની મોનોપોલી તોડવા મથી રહ્યું છે.
ક્રિપ્ટોના રોકાણમાં અમદાવાદ મોખરે
ભારતમાં ક્રિપ્ટો કરંસીને માન્યતા નથી અપાઇ છતાં ક્રિપ્ટોના વ્યવહારો જોવા મળી રહ્યા છે. ભારતમાં ક્રિપ્ટો એેક્સચેન્જ પણ ખુલ્યા છે. જનરેશન ઝેડ તરીકે ઓળખાતું ૧૮ થી ૨૫ વર્ષની વયનું જૂથ આજકાલ ક્રિપ્ટોમાં રોકાણ કરતું થયું છે અને તેમાં રસ બતાવતું મોટું ગૃપ બની ગયું છે. દિલ્હી, મુંબઇ,બેંગલુરૂ, હૈદ્રાબાદ, જયપુર અને કોલક્તાના યુવાનો ક્રિપ્ટોમાં રોકાણ કરી રહ્યા છે. દરેક ખૂણે ઇન્ટરનેટ, પ્રાદેશિક ભાષામાં ક્રિપ્ટોના ડીલીંગની એપ વગેરેના કારણે યુવાનો રોકાણ તરફ વળ્યા છે. ભારતમાં ક્રિપ્ટોમાં રોકાણ કરતા શહેરોમાં અમદાવાદ મોખરે છે.


