- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- એક તરફ યુરોપિયન યુનિયન સાથે ભારતના એફટીએ નો તખ્તો તૈયાર થઇ ગયો છે તો બીજી તરફ પાંચ દિવસ પછી ભારતનું બજેટ બહાર પડશે
- ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર(ય્ભભ) પણ રોજગારી ઉભી કરવામાં મહત્વના બની રહ્યા છે. છેલ્લા અહેવાલ પ્રમાણે વિશ્વની ટોચની ત્રણ કંપનીઓએ ભારતમાં ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર શરૂ કરવા તૈયારી બતાવી છે
- ફ્રાન્સની બહુ નામાંકીત કોસ્મેટીક ફર્મ લોરિયલ ભારતમાં તેનું પહેલું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ૩૫૦૦ કરોડના શરૂઆતના રોકાણ સાથે શરૂ કરશે
એક તરફ યુરોપીયન યુનિયન સાથે ભારતના એફટીએ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)નો તખ્તો તૈયાર થઇ ગયો છે તો બીજી તરફ પાંચ દિવસ પછી ભારતનું બજેટ બહાર પડશે. બજેટમાં દરેક વર્ગને ખુશ કરી શકાતો નથી પરંતુ લોકોના ખિસ્સામાંથી કેવી રીતે પૈસા ખેંચી લેવા તેની સરકારી કુનેહ જોવા મળે છે. વિશ્વમાં ચોથા નંબરનું આર્થિક તંત્ર બનેલું ભારત તેના બજેટમાં પણ નવા ફેરફાર લાવે તે જરૂરી છે. વર્તમાન સરકાર પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં બજેટમાં આમૂલ ફેરફાર કરવાથી તે દુર રહે છે. અન્ય દેશોમાં વૃધ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારત જુવાનીયાઓથી છલકાય છે.
દેશના લોકો, દેશની કંપનીઓ, દેશના શાસકો, દેશના વિપક્ષો એમ દરેક દેશનો વિકાસ અને ગ્રોથ ઇચ્છે છે પરંતુ કેટલાક પરિબળો જેવાંકે, બેરોજગારી, ઓછું વળતર, કંપનીના કાયદાઓ, પ્રાઇવેટ કંપનીઓની મનમાની, નિવૃત્તિ લોકોને મળતા પેન્શન વગેરેનું નિરાકરણ સરકાર લાવી શકતી નથી.
બજેટમાં મુખ્ય બે મુદ્દા પર ભાર મુકવાની જરૂર છે. એક છે રોજગારી ઉભી કરો અને બીજું એ કે નિકાસમાં વધારો કરો. સીધા અને આડકતરા વેરા વગેરે મહત્વના છે પરંતુ જો રોજગારી વઘારાશે તો અનેક સળગતી સમસ્યાનો અંત આવી શકે છે.
દેશના શેરબજારમાંથી વિદેશી રોકાણકારો પીછેહઠ કરી રહ્યા છે પરંતુ અન્ય ક્ષેત્રોમાં વિદેશી રોકાણકારો મોટા પાયે રોકાણ કરવા તત્પર બન્યા છે. તાજેતરમાં સ્વિત્ઝર્ર્લેેન્ડના દાઓસ ખાતે મળેલી વર્લ્ડ ઇકોનોમીક ફોરમમાં ભારત છવાઇ ગયું હતું.
વિકસિત ભારતની દિશામાં આગળ વધવા નાણા પ્રધાન વારંવાર ચિપીયો પછાડતાજ હોય છે પરંતુ તે દિશામાં ભારત મંદ ગતિએ આગળ વધી રહ્યું છે. રોજગારી વધારવા ભારતને એમએસએમઇ સેક્ટરને ટેકો આપીને મહત્વનું પગલું ભર્યું છે તો બીજી તરફ મહિલાઓને વધુ રોજગારી મળેે તેવા પ્રયોસો કર્યા છે. કૃષિક્ષેત્ર કિસાનોને વધુ આવક મળતી રહે તેવા પ્રોજેક્ટ પણ ઉભા કર્યા છે અને તેમના ખાતામાં સીધીજ રાહતો પહોંચે તેવા આયોજનો પણ કર્યા છે.
જે ક્ષેત્રોનો જીડીપીમાં ઓછો ફાળો છે તેમને વધુ કાર્યક્ષમ બનાવ્યા છે. ઉત્પાદનો વધારવા અને મેઇડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટના પગલે વિદેશની કંપનીઓ ભારત તરફ આકર્ષાઇ છે. જે ક્ષેત્રોનો જીડીપીમાં વધુ ફાળો છે તેમને વધુ ઉત્પાદન તૈયાર કરવા માટે પ્રોત્સાહીત કરાશે.
નોન ફાર્મ જોબ એટલેકે કૃષિ સિવાયના ક્ષત્રોમાં ૨૦૩૦ સુધીમાં ૮૦ લાખ જેટલી જોબ દર વર્ષે ઉભી કરવાનો લક્ષ્યાંક રખાયો છે. તે પુરો કરવા સરકાર પ્રયાસ કરે છે પણ તેમાં જોઇતી સફળતા મળી નથી.
નવા ક્ષેત્રો જેવાં કે ડેટા સેન્ટરો, કોડીંગ સેન્ટર,ઇકોમર્સ, ડિજીટલ સિસ્ટમ વગેરેને જોઇતી સ્કીલ્ડ લેબર તૈયાર કરવામાં આવી રહી છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના કારણે તેમજ મશીન લર્નીંગના પગલે જોબમાં કપાત આવશે તેના માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે.
આર્થિક નિષ્ણાતોના મતે બજેટમાં રોજગારી ઉભી કરવી, તેના પગલે ઉત્પાદન વધારવું અને ઉત્પાદનની નિકાસ વધારવા પર ભાર મુકવાની વાત કરી છે. એક તરફ જ્યારે યુરોપના દેશો સાથે ફ્રી ટ્રેડ કરાર હાથવેંતમાં છે અને અમેરિકાના પ્રમુખ કૂણા પડતા ભારત અમેરિકા વચ્ચેના ટ્રેડ કરાર આગળ વધ્યા છે ત્યારે બજેટ પણ રોજગાર ઉભો કરનાર હોવું જોઇએ.
ભારત સામે વૈશ્વિક પડકારો અનેક છે. ભારતની આર્થિક સ્થિતિ મજબૂત હશે તો તે પડકારોને પહોંચી શકશે. ભારતમાં હાઇનેટવર્થ ધરાવતા લોકોની યાદી લાંબી થતી જાય છે. લોકો પ્રવાસના સ્થળો પણ વિદેશના પસંદ કરી રહ્યા છે એમ રહેવાના સ્થળો પણ સિંગાપુરમાં પસંદ કરી રહ્યા છે. જોકે તેના પગલે આર્થિક અસામનતા ઉભી થવાનો ડર વધ્યો છે. પૈસાદાર વધુ પૈસાદાર અને ગરીબ વધુ ગરીબ બને તે ચિંતાનો વિષય છે.
ભારતનું કોર્પોરેટ જગત ઉદ્યોગના વિકાસ સાથે સંમત છે. તેમનો સહકાર મળી રહ્યો છે પરંતુ બજેટમાં તે રાહત માંગે છે. બિઝનેસ કરનારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સરકારની વાતોને અમલમાં મુકવા મથે છે પરંતુ સરકારી કાયદા અને નિયંત્રણો તેમને અટકાવે છે. ઉદ્યોગલક્ષી બજેટ આપવામાં આવે તો પણ તે રોજગારી વધારી શકે છે.
વિશ્વમાં આર્થિક ક્ષેત્રે સતત ડામાડોળ સ્થિતિ જોવા મળે છે. આવા સમયે ભારતે પોતાનું આર્થિક તંત્ર સ્થિર બનાવવાના પ્રયાસ કરવા પડશે. બજેટની દરખાસ્તો એવી હોવી જોઇએ કે જે ભારતને આત્મ નિર્ભર બનાવે અને નિકાસ વધારનારૂં બનાવી શકે.
ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર(ય્ભભ) પણ રોજગારી ઉભી કરવામાં મહત્વના બની રહ્યા છે. છેલ્લા અહેવાલ પ્રમાણે વિશ્વની ટોચની ત્રણ કંપનીઓએ ભારતમાં ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર શરૂ કરવા તૈયારી બતાવી છે. આ કંપનીઓમાં વિડીયો ટેલિફોની ફર્મ ઝૂમ, ટેલિકોમ જાયન્ટ ટી મોબાઇલ અને સાઉથ વેસ્ટ એર લાઇન્સનો સમાવેશ થાય છે. અન્ય નાની કંપનીઓ પણ ભારતમાં જીસીસી શરૂ કરવા પ્લાન કરી રહી છે. જીસીસીનો ફાળો દેશના જીડીપીમાં ૨ ટકા જેટલો છે. ૨૦૩૦ સુધીમાં આ જીસીસી ૨૮ લાખ જેટલી જોબ ઉભી કરી શકે છે.
ગયા ડિસેમ્બરમાં હૈદ્રાબાદ ખાતે અમેરિકાના ટેક્સાસ ખાતે હેડ ઓફિસ ધરાવતી ફાયનાન્સીયલ સર્વિસ કંપની ચાર્લ્સ સ્કેબેએ અને નવેમ્બરમાં ઇન્વેસ્ટમેન્ટ કંપની વેનગાર્ડે ભારતમાં પહલું જીસીસી ઉભું કર્યું હતું. અમેરિકાની અન્ય કંપનીઓ જેવીકે મેક ડોનાલ્ડ અને કોસ્ટકો પણ હૈદ્રાબાદમાં જીસીસી ખોલી ચૂક્યા છે.
વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે ફ્રાન્સની બહુ નામાંકીત કોસ્મેટીક ફર્મ લોરિયલ ભારતમાં તેનું પહેલું ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર ૩૫૦૦ કરોડના શરૂઆતના રોકાણ સાથે શરૂ કરશે. એવીજ રીતે નેધરલેન્ડ સ્થિત લીકર બનાવતી હેઇનકેઇન કંપની ગયા વર્ષે હૈદ્રાબાદમાં જીસીસી સેન્ટર ઉભું કરી ચૂકી છે.
અહેવાલો અનુસાર જીસીસીના રોકાણો હવે મુબઇ, બેંગલૂરૂ,ચેન્નાઇ, પૂણે અને દિલ્હીમાં ઉભા થઇ રહ્યા છે.કર્ણાટકના ઉદ્યોગ પ્રધાને કહ્યું છે કે ફિનીશ ટેલિકોમ અને નેાકિયા કોર્પોરેશન તેમના રાજ્યમાં જીસીસી સેન્ટર ઉભું કરવા રસ બતાવી ચૂક્યા છે. દાવોસ ખાતે તેલંગાના સરકારે કહ્યું હતું કે એફએમસીજી કંપની યુનિલીવરે જીસીસી સેન્ટર ઉભું કરવા તૈયારી બતાવી છે.
એક અંદાજ અનુસાર ભારતમાં ૧૮૦૦ જેટલા જીસીસીના પગલે ૨૧ લાખ લોકોને રોજગારી મળી રહી છે. અહીં જીસીસીના પગલે ઉભી થયેલી રોજગારી મહત્વની છે. આગામી બજેટ પણ રોજગાર લક્ષી હોવાની પુરી સંભાવના છે.
નિષ્ણાતો માને છે કે પાંચ દિવસ પછી અપાનારા સામાન્ય બજેટમાં ભારતનો ઉદ્યોગનો ગ્રોથ અને વિકસિત ભારતની દિશામાં કદમ તેમજ સમાજમાં ઉભી થઇ રહેલી આર્થિક અસામનતાનું સોલ્યુશન જોવા મળી શકે છે. ભારત ભલે ચોથા નંબરનું અર્થતંત્ર બન્યું હોય પરંતુ પાયામાં થવું જોઇએ એટલું પરિવર્તન જોવા મળતું નથી. ગામડાના અર્થતંત્રમાં ખરીદી વધી હોવાનું જોવા મળે છે. જ્યારે શહેરના લોકો ઇ કોમર્સ પર ખરીદી કરીને સ્થાનિક કરિયાણાના વેપારીઓને નુકશાન કરી રહ્યા છે. શહેરના લોકોના માથે માસિક હપ્તાનું ભારણ વધુ હોય છે.
કૃષિક્ષેત્રે કિસાનોની આવક બમણી કરવાનું સરકારનું પ્રોમીસ હજુ પેન્ડીંગ છે. કહે છેકે કૃષિ ક્ષેત્રે સરકાર વધુ ધ્યાન આપી રહી છે અને તેની અસર બજેટમાં જોવા મળશે. નાણાપ્રધાન જો ચીલાચાલુ બજેટ આપશે તો તે મંદીને અને નિરાશાને વેગ આપશે. હાલમાં રોજીંદી ચીજોના ભાવ વધેલા છે.
બજેટની ખાસિયત એ છે કે દેશમાં પહેલીવાર રવિવારે બજેટ અપાશે. નિર્મલા સીતારામન સતત નવમું બજેટ આપનાર પ્રથમ મહિલા નાણા પ્રધાન બનશે.પહેલીવાર નોર્થ બ્લોકના બદલે નવા કર્તવ્યભવન પરથી બજેટ અપાશે.


