Get The App

મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચે હવે ટ્રીપલ એન્જીનની વ્હીસલ બિઝનેસનો વ્યાપ અને તકો વધશે

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચે હવે ટ્રીપલ એન્જીનની વ્હીસલ બિઝનેસનો વ્યાપ અને તકો વધશે 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ગુજરાતમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (GIFT City) જ્યારે વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુંબઇમાં.. 

- મુંબઇ-અમદાવાદ વચ્ચેનો હાઇસ્પીડ કોરીડોર હાલમાં કન્સ્ટ્રકશન હેઠળ છે. ૫૦૮ કિલો મીટરનો આ પ્રોજેક્ટ ૨૦૨૮માં પૂરો થશે એમ મનાય છે. ત્યારબાજ બંને રાજ્યો વચ્ચેનું અંતર ઘટી જશે

- મુંબઇના અનેક લોકો સુરત શિફ્ટ થયેલા છે. કેમકે મુંબઇમાં રહેવાનું બહુ મોંઘું બની ગયું છે. જેના કારણે સુરતની મિલ્કતોના ભાવ ઉંચા જઇ રહ્યા છે. બંને રાજ્યોનો વિદેશ વેપાર સૌથી મોટો એવા કોમર્શીયલ પોર્ટ મુન્દ્રા પોર્ટ પરથી વધુ થાય છે 

મુંબઇ કોર્પોરેશનના જંગમાં ભાજપની જીતની સીધી અસર બિઝનેસ પર જોવા મળશે તે નક્કી છે.મહારાષ્ટ્ર અને મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ટ્રીપલ એન્જીનની સરકાર બંને રાજ્યો વચ્ચેના બિઝનેસમાં ઉછાળો લાવી શકે છે. બંને રાજ્ય સાથે સંકળાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજક્ટોને વેગ મળશે. ખાસ કરીને બુલેટ ટ્રેનના પ્રાજેેક્ટ આડે ઉભી કરતી રાજકીય અડચણો ખતમ થઇ જશે. ટેક્ષટાઇલ, ડાયમન્ડ અને ફાર્માસ્યુટીલ ઉદ્યોગોને વિકસવાની નવી તકો ઉભી થશે.

ગુજરાત ઇન્ટરનેશનલ ફાયાનાન્સ ટેક સિટી (GIFT City) વિશ્વ અને ભારતમાં ફાયાનાન્સીયલ સેન્ટર તરીકે નામના મેળવી ચૂક્યું છે જ્યારે વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુંબઇમાં છે. મુબંઇ-અમદાવાદ  કોરીડોર તૈયાર કરવા પાછળનું મુખ્ય કારણ બે રાજ્યો વચ્ચેની આર્થિક તાકાત ને મજબૂત બનાવવાની છે. મુંબઇ-અમદાવાદ વચ્ચનો હાઇસ્પીડ કોરીડોર હાલમાં કન્સટ્રક્શન હેઠળ છે. ૫૦૮ કિલો મીટરનો આ પ્રોજેક્ટ ૨૦૨૮માં પુરો થશે એમ મનાય છે. ત્યારબાજ બંને રાજ્યો વચ્ચેનું અંતર ઘટી જશે. 

મુંબઇના અનેક લોકો સુરત શિફ્ટ થયેલા છે. કેમકે મુંબઇમાં રહેવાનું બહુ મોંઘુ બની ગયું છે. જેના કારણે સુરતની મિલ્કતોના ભાવ ઉંચા જઇ રહ્યા છે. બંને રાજ્યોનો વિદેશ વેપાર સૌથી મોટો એવા કોમર્શીયલ પોર્ટ મુંન્દ્રા પોર્ટ પરથી વધુ થાય છે. ૨૦૨૨-૨૩ના આંકડા મુજબ ગુજરાતમાં આવેલા આ પોર્ટ પરથી અંદાજે ૧૫૫ મિલીયન ટન માલનું વહન થયું હતું. એવીજ રીતે દેશનું સૌથી મોટું કાર્ગો પોર્ટ જવાહરલાલ નહેરૂ પોર્ટ મહારાષ્ટ્રમાં છે. કોઇ પણ બે સેન્ટરો વચ્ચે બિઝનેસ વધારવા પોર્ટ અને ટ્રેન ફેેસિલીટી બહુ મહત્વની બની જાય છે.

ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર અને મુંબઇમાં જે રીતે કોર્પોરેશનની ચૂંટણીઓ વિધાનસભાની જેમ લડાઇ હતી તે જોતાં એમ લાગે છેે કે હવે રાજકીય પક્ષો દરેક ચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી રહી છે. શહેરોમાં કોર્પોરેશનની ચૂંટણીઓ પ્રતિષ્ઠા ભરી બનતી જાય છે. કોર્પોરેશનમાં જંગ જીતાય તો તેના પગલે રાજ્ય પણ જીતી શકાય છે અને રાજ્ય જીતાય તો લોકસભાનો જંગ જીતી શકાય છે એવી માન્યતા રાજકીય પક્ષોમાં પ્રવર્તે તે સ્વભાવિક છે. મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચે હવે ટ્રીપલ એન્જીનની વ્હીસલ બિઝનેસનો વ્યાપ અને તકો વધશે 2 - image

જે રીતે ભાજપે મહારાષ્ટ્રની મોટા ભાગની નામાંકીત કોર્પરેશનામાં વિજય મેળવ્યો છે તે જાતાં એમ લાગે છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના વેપાર વ્યવસાયને વેગ મળશે. મહારાષ્ટ્ર અને ગુજરાતને સ્પીડ સાથે જોડનાર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને વેગ મળશે.

મહારાષ્ટ્રના રાજકારણમાં રહેલા કેટલાક ગુજરાત વિરોધી તત્વો બુલેટ ટ્રેનના યજ્ઞાના હવનમાં હાડકાં નાખતા હતા અને પ્રોજેક્ટનો વિરોધ કરતા હોવાનું જણાયું હતું. પરંતુ મતદારોએ ગુજરાત અને મહારાષ્ટ્રના વિકાસ પર બટન દબાવ્યું હતું. રોજ હજારો લોકો અમદાવાદ અને સુરતથી મુંબઇ બિઝનેસ અર્થે પ્રવાસ કરે છે. વંદેભારત જેવી ટ્રેનની સવલતો ઉભી થતાં લોકો સવારથી સાંજની એક દિવસની મુંબઇની બિઝનેસ ટુર કરતા થઇ ગયા છે.

 મુંબઇમાં રોકાણ કરવું મોંઘુ પડતું હોઇ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો સવારથી સાંજની ટ્રીપ વધુ પસંદ કરે છે. હવે જ્યારે મુંબઇમાં કોર્પોરેશન સ્તરે ભાજપનો ભગવો લહેરાતો થયો છે ત્યારે ગુજરાતના  બિઝનેસ મેન નિશ્ચિંત રહીને મુંબઇ જઇ શકશે અને તેમને મરાઠી મસ્ટવાળા વાઇરસથી ડરવાની જરૂર નહીં રહે.

ગયા શુક્રવારે બપોર સુધીમાં તો ભાજપ છવાઇ ગયું હતું અને મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન પર તેનો કબજો આવી ગયો હતો. તરતજ લોકો મેયર કોણ આવશે તેની ચર્ચા કરવા લાગ્યા હતા. ૨૦૨૨થી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના હવાલો કોઇ રાજકીય પક્ષ પાસે નથી પણ ત્યાં સરકારી વહિવટદાર નિમાયા છે તેમની પાસે છે.

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન પર જેનું શાસન હોય તેને મુંબઇનો બાદશાહ કહેવાતો હતો. કેમકે તેનું વાર્ષિક બજેટ ૭૪,૦૦૦ કરોડ રૂપિયાનું છે. ૭૪,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ એટલો એક મોટા રાજ્યના કુલ બજેટ જેટલું બજેટ. દેશની કોર્પોરેશનોમાં સૌથી વધુ બજેટ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે.

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા હાથમાં હોવી એટલે શહેરના વિકાસમાં લેવામાં આવતા નિર્ણયોમાં વગ ઉભી થવી, મહત્વના નિર્ણયોથી પોતાના પક્ષને કેવી રીતે લાભ અપાવી શકાય તેનું ગણિત ઉપયોગી બની શકે, શહેરોના તમામ નવા પ્રોજક્ટોમાં રાજકીય પક્ષનું જે મહત્વ ઉભું કરીને મતદારોમાં પકડ ઉભી કરી શકવાની તક મેળવી લેવી જેવા મહત્વના પાસાં ઉપયોગી બની શકે છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વેપારના આર્થિક મૂળીયા વર્ષોથી જોડાયેલા છે. ગુજરાતના દરિયા કાંઠાના નગરોમાં ભરૂચ મોખરે હતું. ત્યાંથી વિશ્વભરનો વેપાર વ્યવસાય જોડાયેલા હતા. મુંબઇ પર આર્થિક  રાજધાનીનું લેબલ વાગ્યું છે તો ગુજરાત પર ઔદ્યોગિક રાજધાનીનું લેબલ વાગેલું છે. ૧૯૬૦ના દાયકામાં જ્યારે બંને રાજ્યો અલગ કામ કરતા થયા ત્યારથી તે દેશના આર્થિક નકશા પર પોતાનું મહત્વ ઉભું કરી શક્યા હતા. 

દેશની આ સૌથી પૈસાદાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લું બજેટ ૪ ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ પાસ કરાયું હતું જે ૭૪,૪૨૭ કરોડનું હતું. જે અગાઉના બજેટ કરતાં ૧૪ ટકા વધારે હતું. બજેટનો ઉપયોગ વિવિધ વિકાસના કામોમાં થતો હોય છે. જ્યાં કરોડોનું બજેેટ હોય ત્યાં આવક પણ વધુ હોય છે. મુંબઇમાં મકાનોની લે વેચ અને નવા મકાનો ખરીદવા જેવા મુદ્દે કોર્પોરેશને તગડી ફી મળતી હોય છે. તેજ તેની મુખ્ય આવક હોય છે.

મુંબઇ કોર્પોરેશનનું જંગી એવું ૭૪,૦૦૦ના કરોડ આગળ નાના રાજ્યો પણ ઝાંખા પડે છે. જેમકે અરૂણાચલ પ્રદેશ(૩૯૮૪૨કરોડ),ગોવા (૨૮૧૬૨), હિમાચલ પ્રદેશ (૫૮૫૧૪ કરોડ), મણિપુર (૩૦,૦૦૦ કરોડ), મેઘાલય(૩૦,૦૦૦ કરોડ),  સિક્કિમ (૧૬૧૯૬ કરોડ) ના બજેટ મુંબઇ કોર્પોરેશનના૭૪,૦૦૦ કરોડના બજેટ કરતાં પણ ઓછું બજેટ છે.

દેશના જીડીપીમાં સૌથી વધુ ૧૩.૩ ટકા જેટલો ફાળો મહારાષ્ટ્રનો છે જ્યારે ગુજરાતનો ફાળો ૮.૧ ટકા છે આમ બંને રાજ્યોનો  જીડીપીમાં કંબાઇન ફાળો ૨૧.૪ ટકા જેટલો થાય છે.

કોર્પોરેશન ગમે તેટલી પૈસાદાર હોય પણ તેના વહિવટદારો પણ વિકાસ પર વધુ ધ્યાન આપે તેવા હોવા જોઇએ. જ્યારે કેન્દ્ર, રાજ્ય અને કોર્પોરેશનમાં ભાજપની સરકાર હોય ત્યારે તેને ટ્રીપલ એન્જીનની સરકાર કહી શકાય જે નવા ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં બહુ મદદરૂ બની શકશે.

મુંબઇ કોર્પોરેશનમાં ભાજપનો વિજય ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના બિઝનેસનો વ્યાપ વધારશે.

- દેશની ટોપ 10 પૈસાદાર મ્યુનિસિપલ કોર્પોરેશનો..

૧....બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન....૭૪,૦૦૦ કરોડ

૨....બૃહદ બેંગલુરૂ મહાનગર પાલિકા.......૧૯,૯૩૦ કરોડ

૩....મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી ....૧૬,૫૩૦ કરોડ

૪....અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન......૧૫,૫૦૨ કરોડ

૫....પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન .............૧૨,૬૧૮ કરોડ

૬.....ગ્રેટર હૈદ્રાબાદ કોર્પોરેશન.............૧૧,૪૬૦ કરોડ

૭.....સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન...........૧૦,૦૦૦ કરોડ

૮.....ગ્રેટર ચેન્નાઇ કોર્પોરેશન...............૮,૪૦૦ કરોડ

૯.... કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન.........૫,૧૬૬ કરોડ

૧૦...ગ્રેટર વિશાખા પટનમ મ્યુનિ.કોર્પોરેશન ..૪૭૬૨ કરોડ

  ઉપરોકત આંકડા દર્શાવે છે કે મોટા શહેરો અને નાના શહેરો વચ્ચેના બજેટમાં મોટો તફાવત રહેલો છે. બેંગલુરૂ કરતાં મુંબઇ કોર્પોરેશનનું બજેટ ચાર ગણું વધારે છે જ્યારે અમદાવાદ કરતાં પાચ ગણું વઘારે છે.