- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- ભારતે સાયલન્ટ રહીને સર્વમ AI મુકીને ગુગલના જેમિની અને ઓપન એઆઇના ચેટ જીપીટીને પડકાર્યા છે
- ભારત સરકાર AI મદદથી વધુ સારૂં વિશ્વ બનાવવાની વાતો કરે છે પરંતુ સમિટમાં આવી રહેલા ટેકનોલોજી નિષ્ણાતોની નજર પોતાની કંપનીને AI ની રેસમાં ટોપ પર રાખવામાં છે
- ઇન્ટરનેટ ટેકનોલોજીની રેસમાં બસ ચૂકી જનાર ભારત AI ક્ષેત્રે પાછળ રહી જવા તૈયાર નહોતું. ભારતે ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધા છે
- વિશ્વમાંની AIની રેસ બહુ મહત્વની અને પડકાર ભરેલી બની છે. સર્વમ AI સાથે ભારત વિશ્વમાં AIની રેસમાં ટોપના દેશો સાથે સ્પર્ધા કરી રહ્યું છે તે ગૌરવની વાત છે
વિશ્વમાં આર્ર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ પર વ્યૂહાત્મક રીતે કબજો જમાવવા ભારત આગળ વધી રહ્યું છે. ભારતે સાયલન્ટ રહીને સર્વમ AI મુકીને ગુગલના જેમિની અને ઓપન એઆઇના ચેટ જીપીટીને પડકાર્યા છે. ભારતની ભાષાઓ માટે જેમિની અને ચેટ જીપીટી હવામાં ગાળીબાર સમાન સાબિત થયા છે ત્યારે ભારતનું સર્વમ AI ભારતના લોકોની જરૂરીયાત પુરી કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. ભારતની ભાષાઓમાં જેમિની અને ચેટજીપીટી ઉપયોગમાં લેનારા લોકો ગોથાં ખાય એવા પરિણામો મળતા હતા જ્યારે સર્વમ AIએ ભારતની ગુજરાતી સહીતની મહત્વની તમામ ભાષાઓ સમાવીને AI ક્ષેત્રે ડંકો વગાડયો છે.
એક તરફ ભારતનું સર્વમ ગાજી રહ્યું છે તો બીજી તરફ આજથી ૨૦ ફેબુ્રઆરી સુધી ચાલનાર ગ્લોબર ઇમ્પેક્ટ ઇન્ડિયા AI સમિટમાં ભાગ લેવા વિશ્વભરની AI કંપનીઓના વડા આવી ગયા છે. ગુગલના સુંદર પીચાઇથી માંડીને એન્થ્રોપીકના ડારિયો સુધીના ટોચના લોકો સમિટ્માં ભાગ લઇ રહ્યા છે.
દરેકને બિઝનેસ વધારવામાં અને પોતાની AI ક્ષેત્રે સિધ્ધિ વર્ણવામાં રસ છે. વિશ્વમાંની AIની રેસ બહુ મહત્વની અને પડકાર ભરેલી બની છે. સર્વમ AI સાથે ભારત વિશ્વમાં AIની રેસમાં ટોપના દેશો સાથે સ્પર્ધા કરી રહ્યું છે તે ગૌરવની વાત છે.
આ મહિનાની શરૂઆતમાં ભારતના બજેટમાં ડેટા સેન્ટર ઉભા કરવા માંગતી વિદેશની કંપનીઓને ટેક્ષ હોલીડેની જાહેરાત કરી છે એેટલેકે ૨૦૪૭ સુધી કોઇ ટેક્ષ ભરવાનો નહીં રહે.
ભારતમાં યોજાઇ રહેલી AI સમિટને ૧૯મીએ વડાપ્રધાન સંબોધવાના છે. સિલિકોન વેલી સાથે સંકળાયેલા તમામ મોટા માથાં ભારતમાં આવી ગયા છે. વિશ્વમાંAI ક્ષેત્રે શું ચાલે છે તે સમજશે અને તેની ચર્ચા કરશે. કેટલાંક લોકો AIથી લોકોને ડરાવે છે. ભારતની ૬૦ ટકા જેટલી કંપનીઓ આનો ઉપયોગ કરી રહી છે પરંતુ વિદેશની કંપનીઓ જે રીતે સ્ટાફ પર કાતર ફેરવી રહી છે એવું ભારતીય કંપનીઓ કરતી નથી.
જોકે વિદેશની કંપનીઓ કહે છે કે ભારતમાં પણ જોબ પર કાતર ફરી વળે તે દિવસો બહુ દુર નથી. ઇન્ટરનેટ ટેકનોલોજીમાં અગ્રેસર રહેવાની બસ ભારત ચૂકી ગયું હતું. ઇન્ટરનેટ બ્રાઉઝરના ઉપયોગ માટે ભારતના કરોડો વપરાશકારોને ગુગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ પર ભરોસો રાખવો પડે છે. બંને અમેરિકી કંપની છે. ભારતે ઇન્ટરનેટ બ્રાઉઝર બનાવવાના કોઇ પ્રયાસો નહોતા કર્યા એવું નથી પરંતુ અમેરિકાની કંપનીઓએ લોકોના માટે બ્રાઉઝરની સર્વિસ મફત મુકીને વપરાશકારોને આકર્ષ્યા હતા.
ઇન્ટરનેટ ટેકનોલોજીની રેસમાં બસ ચૂકી જનાર ભારત AI ક્ષેત્રે પાછળ રહી જવા તૈયાર નહોતું. ભારતે ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધા છે. માર્ચ ૨૦૨૪માં AI મિશન માટે ભારતે ૧૦,૩૭૧.૯૦ કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા તેની પાછળનું મુખ્ય કારણ AI ઇકો સિસ્ટમ ઉભી કરવાનું હતું.
સોશ્યલ સેક્ટર જેવાં કે હેલ્થ કેર, કૃષિ અને વહિવટી ક્ષેત્રે મદદમાં આવે તે રીતે AI સ્ટાર્ટઅપ તૈયાર થાય તેવા પ્રયાસોમાં ઇકો સિસ્ટમ બહુ મહત્વની બની શકે છે.
જે લોકો ભારતની સમિટમાં વિશ્વના ટોચના લોકો આવી રહ્યા છે તેમાં ગુગલના સુંદર પિચાઇ, ઓપન એઆઇના સીઇઓ સામ અલ્ટમેન,એનવિડિયાના સીઇઓ જેનસન હુઆંગ, એન્થ્રોપીકના સીઇઓ ડેરિયો અમોદેઇ,ગુગલના ડીપમાઇન્ડના સીઇઓ ડેમીસ હસબીસ,માઇક્રોસોફ્ટના પ્રસિડેન્ટ બ્રાડ સ્મિથ, મેટાના વડા એઆઇ સાયન્ટીસ્ટ એલેકઝાંડર વેન્ગ, ક્યુઅલકોમના સીઇઓ ક્રિસ્ટીનો એમોન વગેરેનો સમાવેશ થાય છે.
વિશ્વની ટોચની કંપનીના આ વડાઓ ભારતના વડાપ્રધાનને સાંભળવા આવ્યા છે એવું નથી પણ તે પોતાની કંપનીનું માર્કેટીંગ પણ કરશે અને ભારત સાથે બિઝનેસ કરવા પણ પ્રયાસ કરશે. ટોચની AI કંપનીના વડાઓને એક તખ્તા પર આવવાનો મોકો પણ મળ્યો છે તેનો તે ઉપયોગ કરશે.
વિશ્વની ટોચની AI કંપનીઓના વડા ભારત આવવા અને AI નો તખ્તો ગજવવા એટલા માટે આવી રહ્યા છે કે દરેકની નજરમાં બિઝનેસ છે. AI કંપનીઓ જ્યારે અબજો ડોલર પોતાની પ્રોડક્ટ પાછળ રોકી રહ્યા છે ત્યારે તેનું માર્કેટીંગ પણ મહત્વનું બની જાય છે. દિલ્હી આવેલી કંપનીઓ ભારતમાં પોતાના બિઝનેસનો વ્યાપ વધારવા માંગે છે.
ભારતનું બજાર બહુ મોટું અને વિકસતા બજારની યાદીમાં આવે છે. ભારતની કંપનીઓમાં AI ટૂલ્સ વાપરનારની સંખ્યા વધી છે.
જ્યારે ઓફિસોમાં AI ટૂલ્સનો ઉપયોગ વધવા લાગશે એટલે વ્હાઇટ કોલર જોબ સામે જોખમ ઉભું થશે તે પણ નક્કી સમજવામાં આવે છે.
ભારતના બજાર પર દરેક કંપનીઓની નજર છે. એન્થ્રોપીકે ભારતમાં કામકાજનો હવાલો ઇરીના ઘોષને સોંપ્યો છે. ઇરીના ઘોષ માઇક્રોસોફ્ટના ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તે ૨૪ વર્ષથી માઇક્રોસોફ્ટ સાથે જોડાયેલા હતા. તેમને મોટી ટેકનોલોજી કંપનીના સંચાલનનો અનુભવ હોઇ તેમને એન્થ્રોપીકના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે.
ભારતનું AI ક્ષેત્રે મજબૂત પાસું સર્વમ છે. ભારત સરકારની AI મદદથી વધુ સારૂં વિશ્વ બનાવવાની વાતો કરે છે પરંતુ સમિટમાં આવી રહેલા ટેકનોલોજી નિષ્ણાતોની નજર પોતાની કંપનીને AI ની રેસમાં ટોપ પર રાખવામાં છે. AI ક્ષેત્રે ભારતના નવા સ્ટાર્ટઅપ હજુ બજારમાં આવવાની રાહ જોઇને બેઠા છે.
ભારતના શેરબજારની આઇટી કંપનીઓમાં એન્થ્રોપીક AIનો ગભરાટ છેલ્લા ચાર સેશનમાં જોવા મળી રહ્યો છે. આઇટી કંપનીઓ માને છે કે આના કારણે પ્રોફીટ પર માર પડશે અને નોકરીઓ કપાશે. નફાનું ધોરણ ઘટે તે કોઇને પસંદ નથી હોતું પરંતુ જ્યારે ટીસીએસ, ઇન્ફોસિસ જેવી કંપનીઓના છ લાખ કરોડ રૂપિયા હોમાઇ જાય ત્યારે તે ચિંતાનો વિષય બને છે.
કહે છે કે AIની શેરબજાર પર અસર જેવા પાસાની પણ સમિટમાં ચર્ચા થશે અને શેરબજારને AI કેવી રીતે ઉપયોગી બનશે તેની પણ ચર્ચા કરાશે.૪૫ દેશોના પ્રતિનિધિઓ અને અનેક વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પોતાના સાહસોને વિશ્વ સમક્ષ મુકશે ત્યારે તેની સમિક્ષા પણ થશે તે નક્કી છે.
ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિનિ વૈશ્નવ અનેક વાર કહી ચૂક્યા છે કે ભારત પાસે ક્ષેત્ર સાથે સંકળાયેલા બ્રેન છે જે ટૂંકમાં અનેક નવા સંશોધનો બહાર પાડશે. ભારતે વિશ્વની ટેકનોલોજી જાયન્ટ કંપનીઓમાં સંદેશ વહેતો કર્યો છે કે આપણે સાથે મળીને વિશ્વને ઉપયોગી ક્ષેત્ર બનાવી શકીયે.આ સમિટમાં ૭૦૦થી વધુ સેશન યોજાવાના છે. દરેકમાં ભારતના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. જેમાં સેફ્ટી, ગવર્નેસ, ડેટા પ્રોટેક્શન વગેરે મહત્વના મુદ્દે ચર્ચા કરાશે. માટે જવાબદારીના શપથ લેવાનું ખાસ સેશન છે જેમાં દરેક કંપનીના ટોચના લોકો હાજર રહીને શપથ લેશે કે અમે માધ્યમનો દુરૂપયોગ નહીં થવા દઇએ.


