Get The App

નેટફ્લિક્સ સ્ટ્રીમીંગ ક્ષેત્રે નંબર વન બોલીવૂડની ઉંઘ હરામ મનમાની કરવાનો છૂટો દોર મળી જશે

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
નેટફ્લિક્સ સ્ટ્રીમીંગ ક્ષેત્રે નંબર વન બોલીવૂડની ઉંઘ હરામ મનમાની કરવાનો છૂટો દોર મળી જશે 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- વિશ્વમાં સ્ટ્રીમીંગ સર્વિસ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતી નેટફ્લિક્સે ૮૨.૭ અબજ અમેરિકી ડોલરમાં વોર્નર બ્રધર્સ ખરીદી 

- અહીં ઉલ્લેખનીય છે કે ફિલ્મ જગતમાં સ્ટ્રીમીંગ સર્વિસના કારણે સિનેમા થિયેટરોમાં ફિલ્મ જોવા જનારાની સંખ્યા ઘટવા લાગી હતી.હવે કંપનીના સીઇઓે કહે છે કે અમે થિયેટરોના બદલે ઘેર ઘેર જોવા મળે તેવું આયોજન કરવાના છે

- ભારતના મલ્ટીપ્લેક્સ ઓસોસીયેશને નેટફ્લિક્સે કરેલા સોદા બાબતે વાંધો ઉઠાવીને કહ્યું છે કે આ સોદાથી બોલીવૂડને બહુ મોટું નુકશાન થઇ શકે છે. ભારતના ફિલ્મ ઉદ્યોગની ઇકો સિસ્ટમ નબળી પડી શકે છે તેથી રેવન્યૂને પણ ફટકો પડશે.

 વિશ્વમાં સ્ટ્રીમીંગ સર્વિસ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતી નેટફ્લિક્સે ૮૨.૭ અબજ અમેરિકી ડોલરમાં વોર્નર બ્રધર્સ ખરીદી લીધાની વાત વહેતી થઇ છે ત્યારથી મનોરંજન ક્ષેત્રે સંકળાયેલા ખાસ કરીને બોલીવૂડ સાથે સંકળાયેલા લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે. માત્ર ફિલ્મ ઉદ્યોગ નહીં પણ અમેેરિકાની સરકારે પણ ફિલ્મ ઉદ્યોગ સામેના સંભવિત ખતરા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. નેટફ્લિક્સે કરેલા સોદાની વિગતો બહાર આવતાંજ પેરમાઉન્ટ, સ્કાયડાન્સે પડદા પાછળ રહીને સોદામાં પંચર મારવાની કોશિષ કરી હતી. જેમાં કંપનીના બોર્ડનો સંપર્ક નહોતો કરાયો પણ શેર હોલ્ડર્સને વધુ લાભ કરી આપવાની લાલચ અપાઇ હતી.

મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા અને તેમાં રોકાણ કરનારાઓએ પણ કહ્યું છે કે આ સોદાથી નેટફ્લિક્સની મનોરંજન ઉદ્યોગ પર પકડ વધશે અને તને મનમાની કરવાનો છૂટો દોર મળી જશે.

નેટફ્લિક્સ ઘણા સમયથી સ્ટ્રીમીંગ માર્કેટ પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરતું હતું. જ્યારે ૨૦૨૨માં એમેઝોને એમજીએમ સર્વિસ ખરીદી ત્યારથી તેણે પ્રયાસો તેજ બનાવ્યા હતા અને વોર્નર બ્રધર્સ ખરીદી લીધું હતું. વોર્નર બ્રધર્સ ખરીદવાથી નેટફ્લિક્સને અનેક લાભ થવાના છે તેમાં વોર્નર બ્રધર્સ પાસેનું ૧૦૦ વર્ષનું કલેક્શન વાપરવા મળશે. જે વાપરવા લાયસન્સ લેેવું પડતું હતું તે હવે મફતમાં ઉપયોગમાં લઇ શકાશે. 

જ્યારે વોર્નર બ્રધર્સ ખરીદી લેવાઇ હોય ત્યારે તેની સાથે સંકળાયેલા લાયસન્સ, કોપીરાઇટ વગેરે પણ નેટફ્લિકસ પાસે આવી જવાના છે.

ભારતના મલ્ટીપ્લેક્સ ઓસોસીયેશને નેટફ્લિક્સે કરેલા સોદા બાબતે વાંધો ઉઠાવીને કહ્યું છે કે આ સોદાથી બોલીવૂડને બહુ મોટું નુકશાન થઇ શકે છે. એમેઝોને જ્યારે એમજીએમ સ્ટુડીયો ૮.૫ અબજ ડોલરમાં ખરીદ્યો ત્યારે મલ્ટીપ્લેકસ એસોસીયેશને બહુ વાંધો નહોતો ઉઠાવ્યો કેમકે એમેઝોન દર વર્ષે ભારતમાં ત્રણથી ચાર ફિલ્મો બતાવવાની હતી.

 જોકે નેટફ્લિકસ વોર્નર બ્રધર્સનો ડિસ્કવરી સ્ટુડીયો ખરીદવાની વાત કરતાંજ બોલીવૂડ અને મલ્ટીપ્લેક્સ એસોસીયેશનેને જોખમનો સંકેત મળી ગયો છે. મનોરંજન ક્ષેત્રે તાજેતરમાં થયેલા મર્જરની વાત કરીયે તો તેમાં લાઇનર ટીવી નેટવર્ક અને ડિસ્કવરી પ્લસ-ડિસ્કવરી ગ્લોબલ સહીતના મર્જરોનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં ડિઝનીએ ૭૧ અબજ ડોલરમાં સેન્ચ્યુરી ફોક્સ ખરીદીને મનોરંજન ઉદ્યોગનું ધ્યાન ખેંચ્યું હતું.

 થિયેટર વ્યવસાય મંદી તરફ વળેલો છે. આ સ્થિતિમાં હોલિવૂડનો મોટો સ્ટુડીયો જ્યારે સ્ટ્રીમીંગ સર્વિસ ખરીદે ત્યારે બોલીવૂડમાં સ્પર્ધાની સાથે આર્થિક જોખમ ઉભું થઇ શકે છે.

મલ્ટી પ્લેકસ એસોસીયેશનના હોદ્દેદારો કહે છે કે  ભારતની ફિલ્મો દેશની સાંસ્કૃતિક વિચારધારાને આગળ વધારતી આવી છે. ભારતનો સિનેમાં ઉધ્યોગ માત્ર મનોરંજન નથી આપતા પણ તે પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, થિયેટર વગેરે બિઝનેસને પણ પ્રોત્સાહીત કરે છે.

મલ્ટી પ્લેકસ એસોસીયેશને કહ્યું છે કે જો નેટફ્લિક્સનો સોદો અમલમાં આવશે તો બે રીતે નુશાન થશે. એક તો ઉચ્ચ ટેકનોલોજી સાથેની ફિલ્મો નહીં બની શકે અને બીજું એ કે ભારતના ફિલમ ઉદ્યોગની ઇકો સિસ્ટમ નબળી પડી શકે છે તેથી રેવન્યૂને પણ ફટકો પડશે.

અહીં ઉલ્લેખનીય છે કે ફિલ્મ જગતમાં સ્ટ્રીમીંગ સર્વિસના કારણે સિનેમા થિયેટરોમાં ફિલ્મ જોવા જનારાની સંખ્યા ઘટવા લાગી હતી. કોવિડના સમયમાં બોક્સ ઓફિસને ૨૫ ટકા જેટલો ફટકો પડયો હતો. એક સમય હતો કે જ્યારે નેટફ્લિક્સ ઓેસ્કાર એવોર્ડ જીતેલી કે અન્ય નામાંકીત એવોર્ડ જીતેલી ફિલ્મોજ બતાવતું હતું પરંતુ હવે કંપનીના સીઇઓે કહે છે કે અમે થિયેટરોના બદલે ઘેર ઘેર જોવા મળે તેવું આયોજન કરવાના છે.

ભારતના સિનેમાં થિયેટરોને જે વાતનો ડર હતો તે હવે વધુ વિસ્તર્યો છે કેમકે નેટફિલ્કસ જાહેરાતોની આવક વધારવા દરેક પ્રકારની ફિલ્મો પહેલા પોતાની સર્વિસ પર દર્શાવશે જેના કારણે થિયેટરોમાં જનારાની સંખ્યા ઘટી જશે તે વાતમાં બેમત નથી. બહુ વખણાયેલી ફિલ્મો કદાચ થિયેટરોમાં જોવા મળશે પરંતુ મધ્યમ કદની ફિલ્મો તો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર જોવા મળશે.

કમનસીબી તો જુઓ, વોર્નર બ્રધર્સ પાસે જ્યારે રેયન કૂગલર્સની સિનર્સ અને થોમસ એન્ડરસનની વન બેટલ આફ્ટર અનધર જેવી ફિલ્મો છે ત્યારે તેણે નેટફ્લિક્સ સાથે સોદો કરી નાખ્યો છે. હવે આ ફિલ્મો પર હક નેટફ્લિક્સનો થઇ ગયો છે. કંપનીના સીઇઓ કહે છેકે અમે લોકોને ગમે તેવું કરીશું અને તેમને ગમતું આપીને ઉપયોગી પણ બનીશું.

મનોરંજનની દુનિયાના પાયામાં ખૂટતી મહત્વની વિગતો માત્ર વોર્નર બ્રધર્સજ આપી શકે છે તે નેટફ્લિક્સ સમજી ગયું હતું. વોર્નર બ્રધર્સ ખરીદવાનું તેનું પગલું વ્યૂહાત્મક સાબિત થઇ રહ્યું છે. ક્રિયેટીવ વર્ક સહિતના ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઇકો સિસ્ટમ આગામી વર્ષોમાં બદલાઇ શકે છે. 

બોલીવૂડમાં જોવા મળતા ફફડાટ પાછળ ઉઠાંતરી પર બ્રેક મારવી પડશે અને કોપીરાઇટની સમસ્યા વધુ ભડકે બળશે. જ્યારે નેટફ્લિક્સ ઘેર ઘેર ફિલ્મો પહોંચાડશે ત્યારે થિયેટરોને લોકો ભૂલી જશે તે નક્કી છે. તેેને આડકતરી અસર કહી શકાય. નવી ફિલ્મ સીધીજ લોકોને ઘરમાં જોવા મળશે ત્યારે થિયેટરોમાં ફિલ્મ ક્યારે આવશે અને  ક્યારે ઉતરી જશે તેની કોઇ નોંધ પણ નહીં લે.

વોર્નર બ્રધર્સના પ્રતિસ્પર્ધી મનાતા પેરામાઉન્ટે ગયા ઓેક્ટોબરમાં કંપનીને તેના કેબલ નેટવર્ક સાથે ખરીદવાની ઓફર કરી હતી પરંતુ વેાર્નર બ્રધર્સે તે ઓફર ફગાવી દીધી હતી.

નેટફ્લિક્સના સોદાના કારણે એવો હાઉ ઉભોે થયો છેકે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પણ વિગતો મેળવી રહ્યા છે. કહે છેકે વ્હાઇટ હાઉસ પેરામાઉન્ટની તરફેણ કરે છે પરંતુ નેટફ્લિક્સ ફાવી ગયું છે. સીએનએનનો ટ્રમ્પ જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. તેના એન્કરને સ્ટુપીડ પણ કહી ચૂક્યા છે આ સંજોગોમાં તે માને છેકે નેટફ્લિકસ જેવા પણ તેમની પાછળ પડી શકે છે. ટ્રમ્પ જાહેરમાં નેટફ્લિક્સનો કોઇ વિરોધ નોંધાવી શક્યા નથી પરંતુ પોતે પેરામાઉન્ટની તરફેણ કરી રહ્યા છે એમ કહે છે. નેટફ્લિક્સે હોલીવૂડ અને બોલીવૂડ એમ બંનેમાં સન્નાટો ઉભો કર્યો છે. બોલીવૂડને વધુ અસર થઇ શકે છે.

- નેટફ્લિકસ ભારતના થિયેટરો સામે જોખમ ઉભું કરશે

નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ હસ્તગત કર્યું તેની સાથે ભારતને શું લેવાદેવા તે પ્રશ્ન વાચકોના મનમાં ઉદ્ભવે તે સ્વભાવિક છે. ભારતના ફિલ્મ ઉદ્યોગના સ્ટ્રીમીંગનું કનેક્શન સામે નવેસરથી તાકાતવંત થયેલી નેટફ્લિકસના કારણે જોખમ ઉભું થઇ શકે છે. નેટફ્લિકસે વોર્નર બ્રધર્સ ખરીદ્યા બાદ તેની આવક ૭૦ અબજ ડોલરને પાર જઇ શકે છે. ગઇ ૮ ડિસેમ્બરે પેરામાઉન્ટે વોર્નર બ્રઘર્સ ખરીદવા ૧૦૮ અબજ ડોલરની બોલી કરી હતી પરંતુ તે ખાનગી રખાતાં તેના કેન્સલેશનની કોઇ માહિતી મળી નહોતી.

જો પેરામાઉન્ટ અને વોર્નર બ્રધર્સ વચ્ચે સોદો થાત તો તેની આવક ૭૯ અબજ ડોલર થઇ શકત જ્યારે વોર્નર અને નેટફ્લિક્સની કંબાઇન આવક ૭૦ અબજ ડોલરને વટાવી શકે છે. એક અંદાજ અનુસાર યુટયુબની આવક ૬૧ અબજ ડોલરની છે જ્યારે વોલ્ટ ડિઝનીની આવક ૫૮ અબજ ડોલર જેટલી છે.

નેટફ્લિકસ અને વોર્નર બ્રધર્સનો સોદો ખાસ કરીને અમેરિકા અને હોલિવૂડ વચ્ચેનો છે.આ સોદાની ભારતમાં વપરાતા નેટફ્લિકસ પર કોઇ ખાસ અસર કરશે તેમ લાગતું નથી. પરંતુ જોતે ભારતમાં વધુ ફિલ્મો તેના સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર બતાવશે તો ભારતના થિયેટરો પર તેની સીધી અસર પડી શકે છે.

ભારતમાં વપરાતા જીયો સ્ટાર અને એમેઝોન પર આગામી બે વર્ષમાં નેટફ્લિકસ અને વોર્નર વચ્ચેનો સોદો સીધી અસર કરી શકે છે. 

ભારતના માર્કેટમાં આગામી બે વર્ષમાં ત્રણ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ જોવા મળશે જેમાં નેટફ્લિકસ, એમેેઝોન અને પ્રાઇમ વિડીયોનો સમાવેશ થશે. પીવીઆર પિક્ચરના સીઇઓ અને મલ્ટીપ્લેક્સ એસોસીયેશનના પ્રમુખે ગઇ ૫ ડિસેમ્બરે એક અખબારી યાદીમાં કહ્યું હતું કે નેટફ્લિક્સ વારંવાર કહી ચૂક્યું છેકે અમેે નવી ફિલ્મને પહેલા સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર અને પછી સિનેમાં થિયેટરોમાં મોકલવા માંગીએ છીએ. નેટફ્લિકસ એ વાતનો પણ આગ્રહ રાખે છે કે નવી ફિલ્મ પહેલાં અમારા સબસ્ક્રાઇબરો પાસે પહોંચવી જોઇએ.