કોમોડિટી કરંટ
પાંચ લાખ ટન ઘઉંની નિકાસને હંગામી લીલી ઝંડી
આજકાલ વૈશ્વિક અશાંત માહોલને કારણે બુલિયન તથા મેટલ કોમોડિટીના સોનુ, ચાંદી તથા તાંબુ (કોપર) બજારોમાં લાલચોળ તેજીના ભડકા છે. ઉપરોક્ત કોમોડિટીઝ ઉપર આજકાલ કોઇનો પણ કંટ્રોલ રહ્યો નથી. ટ્રમ્પ ટેરિફ અને ચીનના પડકારને લીધે ભારતીય કોમોડિટી સેકટરની નિકાસ રફતાર ધીમી પડી છે. તાજેતરમાં ઇરાન સાથે કારોબાર કરનાર દેશ ઉપર અમેરિકાએ ૨૫ ટકા વધારાના ટેરિફની ધમકી આપી છે. આ અગાઉ રશિયા સાથે કારોબાર કરનાર દેશ ઉપર ૫૦૦ ટકા ટેરિફની ચેતવણી આપેલ છે. બંને દેશો રશિયા તથા ઇરાન સાથે ભારતનો કારોબાર સારા પ્રમાણમાં છે. ભારતીય ઉત્પાદનો ઉપર અમેરિકાનો ૫૦ ટકા ટેરિફ પહેલેથી લાગેલ છે. ટ્રમ્પ ટેરિફના કારણે ભારતીય ઉત્પાદનોની નિકાસને ભારે ધક્કો લાગી શકે છે. હાલમાં ઇરાનના ચાબહાર બંદરથી આયાત-નિકાસ બંધ કરેલ છે. પરંતુ અબ્બાસ પોર્ટના માધ્યમથી કારોબાર ચાલુ રહેવા છતાં ભારતીય સુકા મેવાની ખાસ કરીને પિસ્તા, ખજૂર, કેસર, બાદામ જેવા ઉત્પાદનોની નિકાસ કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. સાથે સાથે ઇરાની ચલણ રિયાલના ઐતિહાસિક પતનને કારણે ભારતની ચા, બાસમતી ચોખા, ફાર્મા તથા ખાંડની નિકાસમાં પણ મડાગાંઠ સર્જાઇ છે. જેના લીધે નિકાસકારોને કરોડોના નુકસાનની ભીતિ સર્જાઈ છે. વર્ષ ૨૦૨૫માં ભારતીય ખાંડની ઇરાનમાં નિકાસ ૩૨ લાખ ડોલરથી વધીને ૨૪૦ લાખ ડોલર અસામાન્ય વધારો થયો પરંતુ હવે ટેરિફ તથા પેમેન્ટની અડચણોને કારણે નિકાસકારોના જીવ તાળવે ચોટયા છે. ઇરાની ચલણના પતનને કારણે લગભગ ૧૫૦૦થી ૨૦૦૦ કરોડના કન્સાઇન્મેન્ટ હાલમાં પાઈપ લાઈનમાં ફસાયા હોવાની ચર્ચા ચગડોળે છે. લગભગ દશેક દિવસથી ઇરાની ખરીદદારો સાથેના સંપર્કો તૂટી જતાં વેપારો પ્રભાવિત થઇ રહ્યા છે.
બીજી તરફ ચીન પણ હવે ભારતીય કૃષિ મસાલા જીરૂ અને મરચાની ખેતીમાં અસામાન્ય વધારો કરી વૈશ્વિક વેપારમાં હરિફાઈમાં આવી જતાં ભારતીય નિકાસને પણ ફટકો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે વર્ષથી ચીને જીરૂ તથા મરચાંનું ઉત્પાદન વધારી ભારત કરતાં સસ્તા ભાવે વૈશ્વિક બજારમાં ઉતરતાં ભારતીય કારોબારને અસર પડી છે. ટૂંકમાં વૈશ્વિક સ્તરે બદલાતા રાજકીય સમીકરણો અને ચીનના વધતા દબદબાને કારણે ભારતીય નિકાસકારોને વૈશ્વિક સ્તરે બજારમાં ટકવા મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.
દરમ્યાન ઘઉંની નિકાસ ઉપર સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રતિબંધ લાદેલ છે. પરંતુ ફ્લોર મિલર્સ તથા પ્રોસેસરોની માગણીઓ અન્વયે તાજેતરમાં સરકારે પાંચ લાખ ટન ઘઉંની નિકાસને લીલી ઝંડી આપેલ છે. હાલમાં સરકારે ઘઉંનો પર્યાપ્ત માત્રામાં સ્ટોક ઉપલબ્ધ હોવા સામે રવિ સીઝનમાં નવું ઉત્પાદન પણ બમ્પર થવાની અપેક્ષા હોવાથી સરકારે નિકાસકારોને કેટલીક શરતોને આધિન પાંચ લાખ ટન ઘઉંની નિકાસને મંજુરી આપેલ છે.
હાલમાં રવિ સીઝનમાં હવે ખેડૂતોને માવઠાની ભીતિ સતાવી રહી છે. જો પાકને પ્રતિકૂળ હવામાન થશે તો જીરૂ સહિત રવિ પાકોને છેલ્લા તબક્કામાં નુકશાન થવાની શક્યતા વર્તાઇ રહી છે. મોટે ભાગે ચાલુ માસના અંત સુધીમાં પાકોનું ઉત્પાદન આવકો શરૂ થવાની ગણત્રી છે. જો કે ઊભા બજારમાં નવા જીરૂની પરચુરણ આવકોના શ્રીગણેશ થયા છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે ઊંઝા બજારમાં નવા જીરૂની સૌરાષ્ટ્રમાંથી પાંચેક હજાર બોરીની આવકો સાથે નવા મુહર્તના સોદામાં જીરાનો સાતેક હજાર રૂપિયાનો ભાવ પડયો છે. વરીયાળીની નવી આવકો પણ ગુજરાત તથા રાજસ્થાનમાંથી શરૂ થઇ રહી છે. જીરાની લોકલ તથા વિદેશી માંગ સામે પુરવઠો પર્યાપ્ત માત્રામાં હોવાથી તેજીનો કોઈ સપોર્ટ નથી. ગત સીઝનનો પંદરેક લાખ બોરી કેરી ફોરવર્ડ સ્ટોક સામે નવું ઉત્પાદન ૯૦થી ૯૨ લાખ બોરી જીરૂ ઉત્પાદન થવાની ધારણાઓ છે.


