Get The App

નકલી બિયારણ સામે લાલ આંખ કરવા નવા સીડ બિલની તૈયારી

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
નકલી બિયારણ સામે લાલ આંખ કરવા નવા સીડ બિલની તૈયારી 1 - image

- કોમોડિટી કરંટ

- કેન્દ્રની નવી વિકાસ પોલિસીમાં મસાલા ચીજોને સામેલ કરવા રજૂઆત

ખરીફ સીઝનમાં કુદરતી માવઠાઓ જેવી આપત્તિઓને કારણે ખેત ઉત્પાદન ઉપર માઠી અસર થઈ છે. સરકારે તાજેતરમાં  ટેકાના ભાવોથી ખેડૂતો પાસેથી તેલીબીયાંની ખરીદી માટે પ્રક્રિયા શરૂ કરી છે. સાથે સાથે ટ્રમ્પ ટેરિફની નીતિઓને કારણે ખેત ઉત્પાદનોની નિકાસમાં પણ નોંધપાત્ર અસરોને લીધે વેપાર ધંધા ઉપર અસર વર્તાઈ રહી છે. હવે શરૂ થયેલી રવિ સીઝનમાં તેલીબીયાં, દાળો, મસાલા તથા અનાજમાં ઉત્પાદન વધે તે માટે સરકારે સઘન કાર્યવાહી આરંભી છે. ફ્રોડ કંપનીઓ ખેડૂતોને નકલી તથા જિનેટીકલી મોડીફાઈડ (ય્સ્) બિયારણ પધરાવી જાય નહિ માટે લાલ આંખ કરવા હેતુથી આગામી બજેટમાં સીડ બિલ લાવી રહી છે.

 જેમાં ખેડૂતોને નવા સંશોધિત વિકસીત પ્રમાણિત, સુરક્ષિત અને વ્યાજબી ભાવે બિયારણો મળે તથા વિવિધ પાકોના બીજોનું સંશોધન, પાક ઉત્પાદન ક્ષમતા વધારવા સાથે સાથે નકલી બિયારણોનો ધંધો કરતા તત્વો સામે કાયદા લાવવા જેવા વિષયો સાથે બિલ તૈયાર થઈ રહ્યું છે. હાલમાં આ સંદર્ભે નિષ્ણાતો પાસે સલાહ સૂચન માગવામાં આવી રહ્યા છે. અને સમગ્ર અભ્યાસ બાદ આગામી બજેટમાં સીડ બિલ રજૂ થાય તે દિશામાં સરકાર જઈ રહી છે.

દરમ્યાન અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફના કારણે મસાલા નિકાસ વેપાર ભારે પ્રેસરમાંથી પસાર થઈ રહ્યો છે. ભારતમાંથી વર્ષે દહાડે થતી કુલ મસાલા નિકાસ પૈકી ૧૬ ટકા નિકાસ અમેરિકામાં થાય છે જે સૌથી વધુ આજકાલ પ્રભાવિત છે. આ સંકટને કારણે તાજેતરમાં વર્લ્ડ સ્પાઇસીસ ઓર્ગેનાઇઝેશન (ઉર્જીં) ના ચેરમેન મેનન દ્વારા જાહેર થયેલા નિવેદનમાં જણાવેલ છે કે અમેરિકાના બજારમાં અચાનક વધેલા ટેરિફના કારણે ભારે ઝટકો લાગ્યો છે. વેપારી શિપમેન્ટ અટકી ગયા છે. જો કોઈ નિકાસકાર વધુ ટેરિફ ચૂકવીને પણ શિપમેન્ટ મોકલે અને અચાનક ટેરિફ ઘટવાની જાહેરાત થાય તો મોટું નુકશાન થવાની ભીતિ વેપારી વર્ગમાં છે. હાલમાં જરૂરિયાત પુરતો માલ અમેરિકન વેપારીઓ મંગાવે છે. અમેરિકામાં પાઇપલાઇન ખાલી છે પરંતુ વેપારીઓ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જોકે ઉચા ટેરિફ છતાં ઓગસ્ટ- ૨૦૨૫ સુધીમાં મસાલાની કુલ નિકાસ ગત વર્ષ કરતાં વધુ રહી છે.

અમેરિકાના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં ભારતીય મસાલા બજારનો ડોમેસ્ટિક કારોબાર લગભગ સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ રહ્યો છે. જે કુલ નિકાસ કરતાં ત્રણ ગણો છે. અમેરિકી ટેરિફનો પ્રભાવ કાચા તથા બેઝિક મસાલા ઉપર છે પરંતુ વેલ્યુ એડેડ પ્રોડક્ટસ ઉપર તેની ઝાઝી અસર પડી રહી નથી. જેથી આ બિઝનસ આગામી સમયમાં ખૂબ વધે તેવી શક્યતાઓ વધુ છે. તાજેતરમાં વિશ્વ મસાલા સંગઠન (ઉર્જીં) એ નવી નિકાસ પ્રોત્સાહન સ્કીમમાં મસાલા ઉત્પાદનોને પણ સામેલ કરવા ભારત સરકારને અનુરોધ કર્યો છે. ગયા અઠવાડિયે ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલી નિકાસ સ્કીમમાં મસાલા ચીજોને સામેલ કરવામાં આવે તો ભારતીય નિકાસકારોને ભારે રાહત મળે તેવી સંભાવના ઉર્જીં સંગઠને વ્યક્ત કરી છે. જેના લીધે દક્ષિણ-પૂર્વ એશિયા, આફ્રિકા તથા પૂર્વી યુરોપ દેશોમાં ભારતીય મસાલા નિકાસ વધવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે.

આ સંદર્ભે કોમોડિટી જાણકાર જયવદનભાઈ ગાંધી જણાવી રહ્યા છે કે, ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે નિકાસકારો માટે લીધેલા નિર્ણયો પૈકી નિકાસ સંવર્ધન પ્રોત્સાહન મિશન યોજના માટે લગભગ ૨૫ હજાર કરોડ અને ઋણ ગેરંટી યોજના માટે લગભગ વીસેક હજાર કરોડ રૂપિયાનું બજેટને લીલી ઝંડી આપેલ છે. 

ઉપરોક્ત મિશનમાં કાપડ, ચામડુ, રત્ન-આભૂષણો, એન્જીનીયરીંગ સામાન તથા સમુદ્રી ઉત્પાદનો જેવી ચીજોનો સમાવેશ થયેલ છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી ઉપરોક્ત યોજનાઓમાં મસાલા ચીજોને સામેલ કરવામાં આવે તો નિકાસકારોને વૈશ્વિક હરિફાઈમાં ટકવા માટે મદદ તથા નવા બજારોમાં વિવિધીકરણને પણ સમર્થન મળે તેમ છે. કેન્દ્ર સરકારે લગભગ ૧૦૦ અરબ ડોલર નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે.