Get The App

નિકાસ અટકી જતાં કૃષિ માલોના ભરાવાથી બજારો મંદી તરફી

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
નિકાસ અટકી જતાં કૃષિ માલોના ભરાવાથી બજારો મંદી તરફી 1 - image

- કોમોડિટી કરંટ

- મુંદ્રા, ગાંધીધામ તથા મુંબઈ પોર્ટ ઉપર કન્ટેનરોનો ભારે જમાવડો 

પશ્ચિમ એશિયામાં છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલ ભયંકર અશાંતિના પગલે વેપાર બજારોમા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ભારત ઉપર યુદ્ધની પ્રતિકૂળ અસરો વર્તાતા ખાડી દેશોમાં નિકાસ થતા ભારતીય ચોખા, ફળો, શાકભાજી, ખાંડ, મસાલા તથા ઓઇલ સહિત વિવિધ ચીજ-વસ્તુઓના પરિવહન ઉપર અવરોધો ઉભા થતા નિકાસકારો ઉપર આર્થિક બોજો સતત વધી રહ્યો છે. પોર્ટ ઉપર મફત મળતો ડેસ્ટીનેશન પિરીયડ હવે વધી જતાં શિપિંગ લાઇન દ્વારા પરત આવતા કન્ટેનરો છોડાવવા પ્રતિ કન્ટેનર ૫૦૦થી ૨૦૦૦ ડોલરનો જંગી ચાર્જ વસુલાઈ રહ્યો છે. ભારતમાંથી પશ્ચિમ એશિયામાં થતી નિકાસનો હિસ્સો લગભગ ૨૨થી ૨૫ ટકા આસપાસ છે. અત્યારે અસ્થિરતાને કારણે શિપમેન્ટ, પેમેન્ટ તથા વેપાર સંકલનમાં ભારે રૂકાવટ તથા અવરોધો છે અનેક શિપિંગ રૂટો બંધ અથવા ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. કૃષિ પેદાશો ભરેલા હજારો કન્ટેનર અધવચ્ચેથી પરત ફરી રહેતા કોમોડિટી બજારોમાં ભારે અરાજકતા સર્જાઈ છે. જેની અસરથી કોમોડિટી તથા શેરબજારો પણ મંદી તરફ સરકી રહ્યા છે. નિફ્ટી સેન્સેક્સમાં જૂન- ૨૦૨૨ પછી સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે.કોમોડિટી વાયદામાં સોનાના ભાવો પ્રતિ ૧૦ ગ્રામે ૧૫૮૦૦૦ તથા ચાંદી બજાર પણ તૂટીને પ્રતિ કિલોએ રૂા. ૨,૬૦,૦૦૦ના નીચા સ્તરે રહી છે. મેટલમાં એલ્યુમિનિયમ, કોપર, નિકલ, લેડ જેવી તમામ કોમોડિટીમાં પણ બજારો નેગેટીવ અસરોમાં રહી છે. કાચા તેલના ભાવો સ્થાનિક સ્તરે પ્રતિ બેરલે રૂપિયા ૯૦૦૦ની સપાટી તોડી તેજી તરફી છે. વૈશ્વિક સ્તરે પણ ૧૫૦થી ૨૦૦ ડોલર સુધી ઉંચે જઈ શકે તેવી શક્યતાઓ ભરપૂર છે.

ભારતમાંથી મોટા પ્રમાણમાં નિકાસ થતા ચોખાના ઓર્ડરો હવે કેન્સલ થઈ રહેતા જહાજો પરત આવતા મુંદ્રા, ગાંધીધામ, મુંબઈ જેવા પોર્ટ ઉપર કન્ટેનરોનો ભારે જમાવડો થતા કન્ટેનરો મુકવા જગ્યાનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે. આ વર્ષે લગભગ ૩૩૦ લાખ ટન ઉપરાંતનો ચોખાનો વિશાળ સ્ટોક જમા થતા સ્ટોરેજનો પ્રશ્ન પણ શિરદર્દ બની રહ્યો છે.

 ઘઉંમાં પણ વર્ષ ૨૦૨૫- ૨૬ દરમ્યાન ૧૨૦૦ લાખ ટન ઉપરાંતનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થતા બજારમાં ઘઉંની કિંમતો ટેકાના ભાવો ૨૫૮૫ પ્રતિ ક્વિન્ટલ કરતા નીચી ચાલી રહી છે. વ્યાપક ઉત્પાદનને પગલે સરકારે ૨૫ લાખ ટન ઘઉં તથા ૧૦ લાખ ટન ઘઉંની  પ્રોડક્ટોની નિકાસ માટે લીલી ઝંડી આપેલ છે. પરંતુ વૈશ્વિક બજારોમાં ભારતીય ઘઉંના ભાવો ઉંચા હોવા ઉપરાંત હાલમાં અશાંતિના માહોલને કારણે નિકાસમાં અવરોધો ઉભા થાય તેમ છે.

બીજી તરફ મસાલા બજારોમાં પણ નિકાસના કામકાજ ઠપ્પ થઈ રહ્યા છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે, જીરૂ, વરીયાળી, ઇસબગુલ જેવી ચીજોના કન્ટેનરો સસ્તામાં અટકી જતા બજાર ઉપર માઠી અસર વર્તાઈ રહી છે. યુદ્ધના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ અઢીથી ત્રણ ગણો વધારો થઈને ૩૦૦૦થી ૪૦૦૦ ડોલર ઉપર જઈ રહ્યો છે. પશ્ચિમી દેશો તરફનો વેપાર બંધ જેવો છે પરંતુ પૂર્વ તરફના બાંગ્લાદેશ, કોરિયા, ચીન, મલેશિયા, થાઇલેન્ડ, જાપાન જેવા દેશોમાં માલ નિકાસ કરવો હાલમાં ખૂબ મોંઘો તથા ખર્ચાળ છે. ભાડા તથા વીમામાં પણ અસહ્ય વધારો છે. નિકાસ ઠપ્પ થવાને કારણે માલોનો ભરાવો થવાની દહેશતથી વાયદા તથા હાજર બજાર ઉપર મંદીની અસર છે.

ઊંઝા બજારમાં હોળી બાદ જીરાની આવકોનો દોર શરૂ થતા હાલમાં ૪૫ હજાર બોરી દૈનિક આવક છે. નાણાંકીય કટોકટીના કારણે તથા ભાવો પણ અપેક્ષા કરતા નીચા રહેતા વેપારો પેન્ડીંગ રહેવાની સંખ્યા વધુ છે. માર્ચ એન્ડિંગ સુધીમાં જીરાની આવકો ૬૦ હજાર બોરીને પાર થશે તેવી ગણત્રી છે. જીરામાં વધતા ભાવથી સરેરાશ ૫૦૦થી ૬૦૦ રૂપિયાનો પ્રતિ મણે ઘટાડો થયો છે.