Get The App

વિદેશી નિતીઓને કારણે દાળોમાં આત્મનિર્ભરતા મિશનને ફટકો પડવાની દહેશત

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશી નિતીઓને કારણે દાળોમાં આત્મનિર્ભરતા મિશનને ફટકો પડવાની દહેશત 1 - image

- કોમોડિટી કરંટ

- વિવિધ દાળના વાવેતરમાં છેલ્લા ચાર વર્ષમાં ત્રીસેક લાખ હેક્ટરનો ઘટાડો

ઇઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધ વિરામ બાદ સોના-ચાંદીની કિંમતોમાં અચાનક બ્રેક વાગતાં નફારૂપી વેચવાલીનું પ્રેશર વધી ગયું છે. છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદી બજારમાં લાલચોળ તેજીના ભડકાને કારણે ગ્રાહકોમાં ભારે ચિંતાનું મોજું ફેલાયું હતું. લગ્નસરાની સીઝન હવે શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે સોના ચાંદીમાં બજાર ઘટતાં ગ્રાહકોએ રાહતનો દમ ખેંચ્યો છે. વૈશ્વિક સંકટો અને અમેરિકી વ્યાજ દરોમાં ઘટાડો થવાની અપેક્ષાએ સોના-ચાંદીમાં ભાવોએ વિક્રમ શિખરો સર કરી રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. જો કે ભારતમાં દિવાળીના તહેવારોની સીઝનના સમયે બજાર તુટતાં હવે ઘરાકી મજબૂત રહે તેવી સંભાવના છે. સપ્ટેમ્બરમાં ભારતમાં સોના-ચાંદીની આયાત લગભગ બમણી થઈ હોવાના અહેવાલો છે. ટેરિફની અનિશ્ચિતતાને કારણે ભારતીય નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે. સોનાની સમાંતર ચાંદીમાં પણ સ્ભઠ ઉપર ૧.૫૩ લાખ રૂપિયાના ઉંચા સ્તરે રેકોર્ડ થયા બાદ ઘટાડો થતાં નફારૂપી વેચવાલી ઉઠી છે. સ્ભઠ ઉપર હાલમાં ચાંદીના ભાવો ૧.૪૬ થી ૧.૪૮ લાખ રૂપિયાની રેન્જમાં છે. આ ઉપરાંત ગાઝા યુદ્ધ વિરામ બાદ તેલની કિંમતોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. સાથે સાથે અમેરિકાએ ઇરાન ઉપર વધુ પ્રતિબંધો લગાવતાં ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો થવાની દહેશત છે. જેની અસર ચીન તથા ભારત જેવા દેશો ઉપર પડવાની વકી છે.

બીજી તરફ કેન્દ્ર સરકાર દાળોમાં આત્મનિર્ભર બનવા માટે અનેક યોજનાઓ જાહેર કરે છે પરંતુ દાળ સંદર્ભે આયાત નિકાસની વિવાદાસ્પદ નિતીઓને કારણે દાળોમાં આત્મનિર્ભર થવાનો પ્રયાસ નિષ્ફળ રહે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ જણાવેલ છે કે દેશમાં દિનપ્રતિદિન દાળોનો વપરાશ સતત વધી રહ્યો છે. ખેડૂતો ભરપૂર મહેનત કરીને દાળોની ખેતી કર્યા બાદ પોષણક્ષમ ભાવો નહિ મળવાની વ્યાપક રાય છે. જ્યારે જ્યારે ઉત્પાદન વધે છે ત્યારે સરકારી પોલીસીઓને કારણે વિદેશોથી સસ્તા દરે દાળો ભારતમાં ઠલવાય છે. ગત વર્ષે વિદેશી દાળોની આયાત ઉછળીને લગભગ ૭૩ લાખ ટનની સપાટીએ રહી હતી. તુવેર, અડદ, પીળા વટાણાની આયાત ડયુટી મુક્ત કરીને મુદત ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી લંબાવી છે. જ્યારે દેશી ચણા તથા મસુરની આયાત ઉપર માંડ દશેક ટકા આયાત ડયુટી છે. છેલ્લા ચારેક વર્ષોથી દાળોના વાવેતરમાં લગભગ ત્રીસેક લાખ હેક્ટરનો ઘટાડો નોધાયો છે. જે દર્શાવે છે કે ખેડૂતોને હવે દાળોની ખેતીમાં કોઈ નોંધપાત્ર રસ રહ્યો નથી. સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય દાળ મિશન હેઠળ વર્ષ ૨૦૩૦-૩૧ સુધી દાળો ઉત્પાદન ૩૫૦ લાખ ટન સુધી લઈ જવા લક્ષ્યાંક જાહેર કર્યો છે. અને ટેકાના ભાવોમાં પણ વધારો કર્યો છે. દાળોમાં આત્મનિર્ભરતા, પોષણક્ષમ અને ખેડૂતોની આવક વધારવા સહિતના હેતુઓ સાથે દેશના ૪૦૦ ઉપરાંત જિલ્લાઓમાં દાળોની ખેતી વધારવા અભિયાન શરૂ કર્યું છે. સાથે સાથે દાળોના પાક તુવેર, અડદ, મસુરની ટેકાના ભાવે ૧૦૦ ટકા સરકારી ખરીદી ઉપર ભાર મુકીને કેદ્રિય મંત્રીએ વર્ષ ૨૦૨૫-૨૬માં લગભગ ૧૧૪૪૦ કરોડની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી છે. આ મામલે સરકાર કેટલી સફળ રહે છે તેની ઉપર મીટ મંડાઈ છે.

દરમ્યાન દિવાળી બાદ શરૂ થતી રવિ સીઝનમાં આ વર્ષે ચોમાસુ સારુ હોવાથી જીરૂ ઉપરાંત અન્ય રવિ પાકોનું પણ વાવેતર વધે તેવી શક્યતાઓ છે. જેના કારણે જીરૂના વાવેતરમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો થવાની ધારણાઓને કારણે આગામી સમયમાં વાવેતર ઉપર જીરાની તેજી-મંદી આધારીત હોવાની ચર્ચા છે. છેલ્લા બે વર્ષથી જીરા બજારમાં સતત ચાલતી મંદીને કારણે વેપારી વર્ગ આર્થિક સંકળામણ અનુભવી રહ્યો છે. ઘરાકીના અભાવે જીરા ઉપરાંત અન્ય તમામ મસાલા ચીજોમાં મંદીના માહોલના કારણે વેપારોમાં સુસ્તી વર્તાઈ રહી છે.