- કોમોડિટી કરંટ
- વર્ષાન્તે ચાંદીમાં 100 ટકા અને સોનામાં 53 ટકા રિટર્ન સાથે લાલચોળ તેજીનો માહોલ
કોમોડિટીના બુલિયન સેક્ટરમાં સોનું અને ચાંદીએ વર્ષ ૨૦૨૫ની ઈયર ઓફ કોમોડિટીઝ બની રોકાણકારોને સૌથી વધુ રિટર્ન આપેલ છે. સોના-ચાંદીમાં છવાયેલી આગ ઝરતી તેજીએ ઈતિહાસ રચ્યો છે. ખાસ કરીને ચાંદીનું પ્રદર્શન વર્ષ-૨૦૨૫માં અસાધારણ રહ્યું છે. છેલ્લા અગિયાર માસમાં ચાંદીની કિમતો લગભગ બમણી થઈ છે. જ્યારે સોનાની કિમતો ૬૦ ટકા ઉછળી છે. છેલ્લા ૧૦ દિવસમાં MCX ઉપર ચાંદીની કિમતોમાં ૨૦ ટકાના વધારા સાથે રૂપિયા ૧૮૫૦૦૦ પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે. વૈશ્વિક સ્તરે પણ ચાંદી બજાર ૫૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી કુદાવી હાલમાં ૫૫ થી ૫૬ ડોલરની આસપાસ હાઈલેવલે રહી છે. ચાંદીની સુરક્ષિત રોકાણનો વિકલ્પની સાથે સતત વધતી ઔદ્યોગિક ખપતની સામે સપ્લાયમાં સતત થઈ રહેલો ઘટાડો તેજીના ઉછાળા પાછળ જવાબદાર હોવાનું ચર્ચાસ્પદ રહ્યું છે. ચાંદીના સૌથી વધુ ઉત્પાદક ચીનમાં વર્ષ ૨૦૧૫ બાદ હાલમાં સ્ટોક નીચા સ્તરે રહ્યો છે. લંડનના વોલેટમાં પણ ચાંદીના હાજર તથા ફ્યુચર (વાયદા) બજારમાં ભાવોનો તફાવત ઓછો થઈ રહ્યો છે. જો આજ સ્થિતિ રહે તો વર્ષ ૨૦૧૫ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ચાંદી બજાર બે લાખની સપાટી કુદાવે તેવી વકી છે. ચાંદીમાં તેજીની રફતાર જોતાં વર્ષ ૨૦૨૬માં બજાર સવા બે લાખની સપાટી કુદાવે તો પણ નવાઈ નથી. આજકાલ અમેરિકામાં વ્યાજદરો ઘટવાની અપેક્ષાની સાથે સાથે ચાંદીનો બજારમાં ઘટી રહેલો સપ્લાય, ઉંચા ટેરિફ અને ચાંદી સમર્થિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) પણ ભારે માત્રામાં થઈ રહેલું રોકાણ જોતાં ચાંદી બજાર હજુ પણ નવા રેકોર્ડ ઉભા કરી ઈતિહાસ સર્જી શકે છે.
ચાંદીની સમાંતર સોનામાં પણ સતત તેજીના કારણે વર્ષ ૨૦૨૫માં કિંમતોમાં ૫૩ ટકાનો ઉછાળો નોંધાયો છે. USA તરફથી ટેરિફનું ટેન્શન, વૈશ્વિક રાજકીય અશાંતિને લીધે સોનામાં સતત લેવાલીને કારણે સોનું આજકાલ રોકાણકારોની પહેલી પસંદગી બની ગઈ હોવાનું જણાવી કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ વધુમાં દર્શાવ્યું છે કે સોનામાં અવારનવાર કરેક્શન થવાની સંભાવના સામે સરેરાશ તેજી આગામી વર્ષ પણ સતત રહેશે તેવી ધારણાઓ તેજ છે. ભારત સહિત મોટા ભાગની દેશોની સેન્ટ્રલ બેંકોએ તેમજ મોટા ગજાના આર્થિક સંસ્થાકીય રોકાણકારો તથા ખેલાડીઓ પણ સોનામાં લોન્ગ ટર્મ રોકાણ ઠાલવી રહ્યા હોવાથી સોનાના ભાવો આગામી વર્ષે અદ્વિતીય તેજી સાથે નવી ઉંચાઈઓ સર કરે તેમ છે.
દરમ્યાન ગયા અઠવાડિયે ભારત-રશિયા વચ્ચે થયેલી વેપાર સમજૂતીઓને કારણે ભારતીય કૃષિ ઉત્પાદકો માટે રશિયન બજારના દરવાજા ખૂલતાં નિકાસ વધવાની તકો ઉજળી બની છે. ભારતની ઘણી કૃષિ પેદાશો રશિયામાં નહિ હોવાથી આ દિશામાં મહત્વપૂર્ણ કરારો થતાં ભારતીય નિકાસકારોનો જૂસ્સો બેવડાયો છે. અમેરિકા તથા યુરોપના બજારો સામે રશિયન બજાર પણ અત્યંત વિશાળ છે. રશિયામાંથી ઘઉં, મકાઈ, જવ, મટર, મસુર, કાબુલી ચણા, સુરજમુખી તેલ, રેપસીડ તેલ, જેવી કૃષિ ચીજોની મોટી માત્રા આયતા થાય છે. પરંતુ ચોખા, મગફળી, ખાંડ, ડેરી ઉત્પાદનો તથા સમુદ્રી ખાદ્ય પદાર્થોની રશિયામાં અછત હોવાથી ઉપરોક્ત ચીજોની રશિયાના બજારોમાં નિકાસ માટે સૌથી મોટો વિકલ્પ હવે ખુલી રહ્યો છે. ભારતમાંથી મસાલા તથા મસાલાના ઉત્પાદનો, સુકા મેવો જેવી ચીજોની પણ નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે રશિયન વેપારીઓને પહેલાં ભારતની હલકી ક્વોલીટીની ચીજોની ખરીદીમાં બહુ રસ નહોતો પરંતુ બંને દેશો વચ્ચે સંબંધ હવે ખૂબ મજબૂત થતાં વેપાર વધશે તેવી ધારણાઓ તેજ છે. છેલ્લા કેટલાક સમયથી રશિયામાં ભારતીય મસાલા હળદર, જીરૂ, ઈલાયચી, મરી વગેરેની માંગ સતત વધી રહી છે. ભારતીય મસાલાનો સ્વાદ રશિયનો વધુ પસંદ આવી રહ્યો હોવાથી આગામી સમયમાં બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર એગ્રીમેન્ટ (FTA) અન્વયે એક્સપોર્ટ ગ્રોથ સકારાત્મક દિશામાં વધુ વિકાસ પામે તેવી અપેક્ષા છે. રશિયન બજારોમાં જૈવિક તથા ઉચી ગુણવત્તા ધરાવતા કૃષિ ઉત્પાદનોની માંગ પણ સતત વધી રહી છે. ભારતીય નિકાસકારો માટે રશિયન બજારોમાં છવાઈ જવાનો સુંદર મોકો આજકાલ સોપડી રહ્યો છે.


