Get The App

માર્ચ એન્ડીંગ બાદ કૃષિ બજારોમાં આવકોનું વધી રહેલું દબાણ

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
માર્ચ એન્ડીંગ બાદ કૃષિ બજારોમાં આવકોનું વધી રહેલું દબાણ 1 - image

- કોમોડિટી કરંટ

- યુદ્ધના લીધે નિકાસકારોની રાહત યોજનામાં છ માસનો વધારો

હોર્મુઝ અંતરાયોને પગલે વિદેશી વેપાર અસ્તવ્યસ્ત થઈ ગયો છે. ધારણા કરતાં યુદ્ધ લાંબુ ચાલતાં આયાત-નિકાસના તમામ અંદાજો ખોટા પડતાં કોમોડિટી સેક્ટરમાં તેજી-મંદી ઉપર અસર વર્તાઈ રહી છે. કાચા તેલનો ઇસ્યૂ ટોક ઓફ વર્લ્ડ બની ગયો છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીઓની અસરને લીધે દેશમાં પેટ્રોલ-ડિઝલ-સીએનજી સહિતના ભાવોમાં તેજી ઉપર સરકારી બ્રેક હોવાની વેપાર જગતમાં ચર્ચા છે. ખાસ કરીને નિકાસકારો સમક્ષ પહેલાં ઉંચા અમેરિકન ટેરિફ સમસ્યા બાદ તુરંત જ અખાત યુદ્ધને કારણે ભાડા તથા વીમાના પ્રિમીયમથી લઈને લેબર સુધીના તમામ ફેક્ટર્સમાં નોંધપાત્ર વધારો થતાં નિકાસ ઘટી છે. આ સંજોગોમાં નિકાસકારોને રાહત આપવા સરકારે નિકાસકારો માટેની ધ રેમિશન ઓફ ડયુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટસ (ઇર્ંઘ્ઈઁ) યોજનાની મુદત વધુ છ માસ લંબાવીને સપ્ટેમ્બર સુધી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્કીમ સરકારે વર્ષ ૨૦૨૧માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ નિકાસકારોને ૦.૩ ટકાથી લઈને ૩.૯ ટકા જેટલું રિફંડ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે બજેટમાં આ સ્કીમ સંદર્ભે લગભગ ૧૮ હજાર કરોડ રૂપિયા ઉપરાંતની ફાળવણી કરવામાં આવી હતી. અને વર્ષ ૨૦૨૬-૨૭ માટે લગભગ વીસેક હજાર કરોડ ઉપરાંતની ફાળવણી કરવામાં આવે તેવી માંગ હતી. જો કે માર્ચ એન્ડીંગ બાદ હવે યુદ્ધની અસર આયાત-નિકાસ ઉપર કેવી રહી તેની વિગતો આગામી સમયમાં જાહેર થાય ત્યારે અંદાજ આવે એમ છે.

દરમ્યાન માર્ચ એન્ડીંગના અઠવાડિયાના મીની વેકેશન બાદ રાજ્યમાં કૃષિ બજારો ખૂલતાં અનાજ, મસાલા, તેલીબીયાંની ભરપૂર આવકો શરૂ થઈ છે. આ સંદર્ભે કોમોટિડીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે રાજ્યના સૌથી મોટા કૃષિ બજાર ઊંઝામાં જીરાની દૈનિક ૩૫ થી ૪૦ હજાર બોરી આવક સામે વાયદા તથા હાજરમાં બજાર ઉંચા રહ્યા છે. જીરા વાયદામાં ભાવો પ્રતિ ક્વિન્ટલે ૨૨ હજારથી ઉછળીને લગભગ ૨૫૦૦૦ સુધી ઉંચા રહ્યા છે. જ્યારે જીરા હાજરમાં પ્રતિ મણે રૂપિયા ૪૧૦૦ થી ૪૪૦૦ સુધી ક્વોલિટી પ્રમાણેના ભાવો રહ્યા છે. વરીયાળીમાં સૌરાષ્ટ્ર તરફી આવકોના પ્રેસરથી દૈનિક ૮ થી ૧૦ હજાર બોરી આવકો સાથે ભાવો નવા વર્ષે ઉંચા ખુલ્યા છે. હાલમાં ૧૫૦૦ થી ૨૦૦૦ સુધીની રેન્જમાં ઉંચુ બજાર છે. જોકે રાજસ્થાની ગ્રીન બેસ્ટ ક્વોલિટીની બજાર ૨૦૦૦ થી માંડીને ૬૦૦૦ સુધીની રેન્જ બાઉન્ડ છે. જોકે નિકાસ લગભગ બંધ હાલતમાં છે. વરીયાળીનું ઉત્પાદન ઓછું હોવાથી નિકાસની રાહ જોવાઈ રહી છે. વેપારી માનસ તેજી તરફી વધુ જણાઈ રહ્યું છે. ઇસબગુલમાં નિકાસ બંધ હોવાને લીધે લેવાલી સુસ્ત છે. જોકે ઇસબગુલનું ઉત્પાદન સતત ઘટતું જતું હોવા સામે નિકાસ ખુલે તો તેજી તરફી બજાર રહે તેવી ગણતરી છે. ધાણામાં માંગ અને પુરવઠા વચ્ચે અંતર વધુ હોવા સામે હાલમાં સ્થાનિક ડિમાન્ડ પણ સારી હોવાથી ધાણાના સરેરાશ ભાવો ૧૭૦૦ થી ૨૫૦૦ સુધીની ક્વોલિટી પ્રમાણેના રહ્યા છે.

દાળોમાં સ્થાનિક સ્તરે ઓછું ઉત્પાદન સામે વધુ વપરાશ સામે બજારમાં મોંઘવારીનો ઇસ્યુ શિરદર્દ બને નહિ તે માટે સરકારે વિદેશી દાળોની આયાતની મુદત એક વર્ષ વધુ લંબાવીને ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી કરી છે. ચાલુ વર્ષ (એપ્રિલથી જાન્યુઆરી) સુધીમાં તુવેરની આયાતમાં ૧૫ ટકાનો વધારો થઈને લગભગ ૧૩ લાખ ટન અને અડદની આયાત ૩૫ ટકાના વધારા સાથે નવ લાખ ટન થઈ છે. છેલ્લા પાંચેક વર્ષની આયાતમાં સતત વધારો થઈને આયાત લગભગ ૨૩ ટકા સુધી પહોંચી છે. જો કે ઝીરો ડયુટી આયાત છતાં ખેડૂતોને નુકસાન થાય નહિ તે માટે સરકારે વર્ષ ૨૦૨૮-૨૯ સુધી તુવેર, અડદ, મસુર જેવી દાળોની ટેકાના ભાવે ૧૦૦ ટકા ખરીદી કરવાનું જાહેર કરતાં હવે ખેડૂતોની નજર સરકારના પગલાં ઉપર કેન્દ્રિત થઈ છે.