- કોમોડિટી કરંટ
- અમેરિકી GM મકાઈ સોયાબીનને એન્ટ્રી નહિ આપવા ભારત સરકાર મક્કમ
આજકાલ બાંગ્લાદેશની અત્યંત ભયાનક સ્થિતિને કારણે ભારતીય નિકાસકારો ચોખાની બાંગ્લાદેશમાં થતી નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાની અપીલ કરી રહ્યા છે. સાથે સાથે બાંગ્લાદેશના આયાત ટેન્ડરનો પણ બહિષ્કાર કરવાની સલાહ આપવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ અસામાન્ય હોવાની સાથે સાથે કાયદો વ્યવસ્થા પણ ખાડે ગઈ હોવાથી બાંગ્લાદેશ સાથે વેપાર પણ ખૂબ જોખમી બની રહ્યો છે. નિકાસકારોના મતે બાંગ્લાદેશમાં છેલ્લા બે વર્ષો દરમ્યાન ભારતમાંથી દસેક લાખ ટન ચોખાની આયાત કરી છે. જે પ્રતિદિન સતત તુટી રહી છે. બાંગ્લાદેશે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ઓછામાં આછા નવેક લાખ ટનની આસપાસ ચોખાની આયાતનો પ્લાન કર્યો હોવાની ચર્ચા વેપાર જગતમાં પ્રવર્તી રહી છે. બાંગ્લાદેશ માટે ભારતીય બજાર સૌથી સસ્તુ અને સુગમ પણ છે. પાકિસ્તાન, વિયેટનામ, થાઈલેન્ડ જેવા દેશોમાંથી ચોખાની આયાત બાંગ્લાદેશ માટે સૌથી મોંઘી અને સમય બંને રીતે ખર્ચાળ પુરવાર થાય છે. જોકે ભારતીય ગેરબાસમતીનું સૌથી મોટું બજાર આફ્રિકા છે. જેના લીધે ભારચીય ચોખા નિકાસકારોને બાંગ્લાદેશનો વેપાર ઓછો થાય તો પણ ખાસ ફરક પડતો નથી પરંતુ સામે બાંગ્લાદેશને મોટો નોંધપાત્ર ફરક પડી શકે છે. બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી સ્ફોટક બની રહી છે કે ચોખાના શિપમેન્ટ પણ જોખમી બની શકે છે. આ ઉપરાંત નિકાસકારોએ રોષ પણ ઠાલવી રહ્યા છે કે એક તરફ બાંગ્લાદેશે કાપડનું રો મટિરિયલની ભારત તરફ નિકાસ ઉપર પ્રતિબંધ લાદતાં ભારતીય મિલરોએ કાપડ, બેગ, કોથળા જેવી વસ્તુઓના ઉત્પાદન ઉપર મજબૂરીથી કાપ મુકવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં થતી ભારતીય વસ્તઓની નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાનું જોખમ લેવું પડે તે અનિવાર્ય રહ્યું છે. જો સરકાર સમયસર પગલાં નહિ લે તો નિકાસકારોએ સ્વયંભૂ નિકાસ બહિષ્કાર કરવો અથવા ચીજવસ્તુઓના ભાવો વધારી રોષ વ્યક્ત કરવાની હિમાયત થઈ રહી છે. જોકે બંને દેશોએ નાગરિકોના સામસામે વિઝા આપવાનું બંધ કરેલ છે ત્યારે નિકાસ ઉપર પણ સત્વરે પ્રતિબંધ લાદવાની ગંભીરતા દાખવે તે જરૂરી બન્યું છે.
બીજી તરફ અમેરિકી સરકાર તેના જિનેટીકલ મોડિફાઈડ (GM) સોયાબીન તથા મકાઈ ભારતમાં ઘુસાડવા માટે ઘણા સમયથી એડીચોટીનું જોર લગાવી રહી છે. તાજેતરમાં ચીન સાથે વેપારમાં અમેરિકાને અપેક્ષિત સફળતા નહિ મળતાં હવે પોતાના સોયાબીન તથા મકાઈના (GM) ઉત્પાદનો વેચાણ કરવા માટે અન્ય વૈકલ્પિક બજારો શોધી રહી છે ત્યારે ચીન પછી સૌથી મોટું ગ્રાહકો ધરાવતું ભારતીય બજાર ઉપર અમેરિકાનો ડોળો છવાયો છે. જોકે બંને વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરારો ઉપર ઉપરોક્ત સોયાબિન-મકાઈના વેપાર માટે આજદિન સુધી કોઈ સમજૂતી થઈ નથી. અમેરિકાના GM ઉત્પાદનો ખૂબ સસ્તા છે. જો ભારતીય બજારોમાં તેનો પગપેસારો થાય તો ભારતીય પાકોના ઉત્પાદનમાં મોટી નેગેટીવ અસરો પડવાની ભીતિ વ્યાપક છે. આ સંદર્ભે કોમોટિડીના જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે ભારતમાં મકાઈ, સોયાબીન સહિત વિવિધ કૃષિ ઉત્પાદનો સતત વધી રહ્યા છે. ભારતમાં વર્ષે દહાડે ૧૩૦ લાખ ટનથી વધુ સોયાબીન તથા ૪૨૦ લાખ ટનથી વધુ મકાઈનું સ્થાનિક સ્તરે ઉત્પાદન થવાની સામે અન્ય વિવિધ દેશોમાંથી પણ જરૂરિયાત પ્રમાણે સોયાબીનની આયાત થઈ રહી છે ત્યારે અમેરિકી GM મકાઈ તથા સોયાબીનની હાલમાં કોઈ આવશ્યકતા નહિ હોવાથી ભારત આ બાબતે મક્કમ ચાલ રહી રહ્યું છે.
હાલમાં ભારતમાંથી બાંગ્લાદેશમાં ચોખા ઉપરાંત મકાઈ, મસાલા, સોયાબીન તથા ખાંડ જેવા કેટલીય ચીજોની નિકાસ થાય છે. ભારતીય ઘઉંની પણ મોટે પાયે નિકાસ થતી હતી પરંતુ ભારત સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ લાદતાં હાલમાં ઘઉંનો વેપાર બંધ છે.


