Get The App

મગફળીમાં કમ સે કમ ભાવ ફરક પણ ખેડૂતોને મળે તેવી વ્યાપક માંગ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
મગફળીમાં કમ સે કમ ભાવ ફરક પણ ખેડૂતોને મળે તેવી વ્યાપક માંગ 1 - image

- કોમોડિટી કરંટ

- ચાર રાજ્યોમાં દાળો તથા તેલિબીયાંનો પાક ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્રની લીલી ઝંડી

ગુજરાતમાં ખરીફ સીઝનનો પાક હાથ ઉપર આવે તે સમયે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાંથી કોળિયો ઝૂંટવી લીધો છે. દિવાળી પહેલા પંદરેક દિવસમાં માંડ ૧૦થી ૧૫ ટકા ખેડૂતોએ કોરી મગફળી હાથવગી કરી છે. જ્યારે મગફળીનો મોટા ભાગનો પાક ખેતરોમાં પડી રહેતા વરસાદને કારણે ખેડૂતોને મગફળીમાં નુકસાન થવામાં કંઈ બાકી નહિ રહ્યું હોવાના અહેવાલો છે. બીજી તરફ ટેકાના ભાવો કરતાં પણ મગફળીની નીચી બજારને કારણે ખેડૂતોને નફાને બદલે નુકસાન ભાગે આવ્યું છે. મગફળી લઈ લીધા બાદ સરકારી ટેકાના ભાવે ખેડૂતો વેચાણ કરવા જાય ત્યારે ક્વોલીટી ગુણવત્તાનો ઇશ્યૂ ઉભા થશે તે નક્કી છે. અને છેલ્લે ફરી વિવાદ વકરશે તેવી ભીતિ પણ છે આ સંદર્ભે ખેડૂત વર્ગમાં એક વાત એવી ચાલી છે કે નોંધણી કરાવેલ ખેડૂતોના ખાતામાં સરકારે ભાવ ફરકના રૂપિયા નાખી દેવામાં આવે તો સમગ્ર ઇસ્યૂમાં ખેડૂતોને રાહત મળે તેવી વાત છે.

રાજ્ય સરકારના અહેવાલો પ્રમાણે ચાલુ ખરીફ સીઝન વર્ષ ૨૦૨૫- ૨૬ દરમ્યાન રાજ્યમાં મગફળીનાં ં ઉત્પાદનમાં વધારો થઈને લગભગ ૪૬ લાખ ટન આસપાસ થવાની ધારણા છે. જો કે હવે માવઠાને કારણે વાસ્તવિક ઉત્પાદન કેટલું રહે છે તે હાલમાં તપાસનો વિષય છે. ખરીફ સીઝનની શરૂઆતમાં મગફળીનું વાવેતરમાં વધારો નોંધાયો હતો પરંતુ સીઝનના અંતે કુદરતી પરિબળોને કારણે મગફળીનું ચિત્ર બદલાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે ચાલુ ખરીફ સીઝન માટે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૭૩૬૩ જાહેર કર્યો છે. જ્યારે સારી ગુણવત્તા અને તંદુરસ્ત મગફળીના બજાર ભાવ પ્રતિ ક્વિન્ટલે રૂા. ૩૬૦૦થી ૪૫૦૦ની રેન્જમાં ચાલી રહ્યા છે. જે ટેકાના ભાવો કરતા નીચા હોવાથી સરકારે હવે ટેકાના ભાવે માલોની ખરીદી કરે અથવા ભાવ ફરક ખેડૂતોને આપે તો નુકસાનમાંથી ખેડૂત વર્ગ બહાર આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં તમામ ખેડૂત વર્ગની નજર સરકાર ઉપર કેન્દ્રિત થઈ છે.

રાજ્યમાં મગફળીની સાથે સાથે એરંડાનું વાવેતર પણ નોંધપાત્ર થયું છે. લગભગ દશેક ટકાના વધારા સાથે રાજ્યમાં ૧૩થી ૧૪ લાખ ટન એરંડાનું ઉત્પાદન થવાની ધારણા છે જ્યારે કપાસનું ઉત્પાદન તૂટશે તેવી વકી છે. સોયાબીનનું ઉત્પાદન પણ ઘટીને ૪થી ૪.૫ લાખ ટનની આસપાસ થવાનો અંદાજ છે.

તાજેતરમાં કેન્દ્ર રકારે દેશના ચાર રાજ્યો તેલંગણા, ઓરિસ્સા, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં દાળો તથા તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીની યોજનાને લીલી ઝંડી આપી છે. લગભગ પંદરેક હજાર કરોડ રૂપિયાની ફાળવણી ખરીફ સીઝનના પાકો દાળો તથા તેલીબીયાની ખરીદી માટે જાહેર કરી છે. હાલમાં તમામ દાળો તથા તેલીબીયાની બજાર ટેકાના ભાવો કરતા નીચી ચાલી રહી છે. ખરીફ સીઝનમાં દાળોનું વધુ ઉત્પાદન ધરાવતા મહારાષ્ટ્રમાં વરસાદી માવઠાઓને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે દાળોમાં ખાસ કરીને તુવેરના પાકને ભારે નુકસાન થવાની વકી છે જેના લીધે તુવેરના સપ્લાય ઉપર અસર પડે તો તુવેરની આવકોમાં અવરોધ ઉભો થાય તેમ છે. જો કે, મ્યાનમાર તથા આફ્રિકી દેશો તાન્જાનિયા, મોજામ્બિક જેવા દેશોમાંથી સસ્તાભાવે આયાત ચાલુ હોવાને કારણે દાળોની બજારમાં કોઈ મોટી વધઘટ થવાની સંભાવના ઓછી હોવાની વકી છે. આફ્રિકી દેશોમાંથી તુવેર દાળની નિકાસ પ્રતિ ટને લગભગ ૪૮ હજારની આસપાસ થતી હોવાથી પુષ્કળ માલ ભારતમાં ઠલવાઈ રહ્યો છે. ભારત સરકારે તુવેરના ટેકાના ભાવો એંશી હજાર પ્રતિ ટન જાહેર કર્યા છે.

 વિદેશી માલો ઉપર આયાત ડયુટી પણ નહિ હોવાથી મોટી માત્રામાં દાળનો માલ ભારતમાં આગામી સમયમાં ઠલવાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં સરકારના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી દાળો તથા તેલિબીયાની ખરીદી કરે છે કે કેમ? તે પ્રશ્ન હાલમાં ચર્ચાસ્પદ છે અને રાજકીય ગલિયારામાં પણ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદ કરવા માટે ભારે પ્રેશર ઉભું થઈ રહ્યું હોવાની સ્થિતિ હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ જણાવેલ છે.