- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- ચાંદીના ઈટીએફમાં આ વર્ષે ૧૮ કરોડ ૭૦ લાખ ઔંશનો ઈન્ફલો નોંધાયોઃ ચાંદીના વાર્ષિક ભાવ ૮૦ ટકા જ્યારે સોનાના ૫૬થી ૫૭ ટકા વધ્યા
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. કિંમતી ધાતુઓમાં ઉછાળા આવતા રહ્યા હતા પરંતુ આવા ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી વધ્યા ભાવથી ઘટતા પણ જોવા મળ્યા હતા.
વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં તાજેતરમાં બેતરફી ખાસ્સી ઉછળકુદ દેખાઈ હતી અને તેના પગલે ઘરઆંગણાના ઝવેરીબજારોમાં પણ સોના- ચાંદીના ભાવમાં ખાસ્સી ચડઉતર તાજેતરમાં જોવા મળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારની વધઘટ તથા કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરની ચડઉતરના પગલે દેશમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં ચડઉતર થતી રહી હતી અને તેની અસરે બજાર ભાવમાં પણ તાજેતરમાં ખાસ્સી ઉછળકુદ દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ વધી ઉંચામાં ૪૧૦૦ ડોલરની ઉપર ગયા પછી ભાવ ફરી ઘટી ૪૧૦૦ ડોલરની અંદર ઉતરતા પણ જોવા મળ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ઉંચામાં બાવન ડોલરની સપાટી વટાવી ગયા પછી ભાવ ફરી પ્રત્યાઘાતી ઘટી ૫૨ડોલરની અંદર ઉતરી ગયાના વાવડ તાજેતરમાં મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૬૦૦૦ આસપાસ તથા અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૫૭૦૦૦ આસપાસ બેતરફી વધઘટે ફરતા રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૨૨૦૦૦ આસપાસ તથા ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૫૪૦૦૦ આસપાસ બેતરફી ઉછળકુદ વચ્ચે ફરતા રહ્યા હતા.
વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં બેતરફી વધઘટના પગલે વૈશ્વિક સોનામાં પણ ભાવ ઝોલા ખાતા જોવા મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાઈ ૧૦૦ની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ મળ્યા હતા.
અમેરિકામાં ફેડરલ રિઝર્વની આગળ ઉપર મળનારી મિટિંગમાં કદાચ વ્યાજના દરમાં વધુ ઘટાડો કરવામાં નહિં આવે એવી શક્યતા બતાવાતી થતાં તેના પગલે વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધી ૧૦૦ની સપાટી કુદાવી ગયાના સમાચાર દરીયાપારથી મળ્યા હતા. આના પગલે વૈશ્વિક સોનાના ભાવ ઉંચેથી નીચા ઉતરી ઔંશના ફરી ૪૧૦૦ ડોલરની સપાટીની અંદર ઉતરતા જોવા મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ે સોના પાછળ ચાંદી ઉપરાંત પ્લેટીનમ તથા પેલેડીયમના જેવી અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ બેતરફી વધઘટ તાજેતરમાં દેખાઈ હતી. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૦૦થી ૧૬૦૦ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ઔંશના ૧૩૦૦થી ૧૪૦૦ ડોલર વચ્ચે અથડાતા રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં પણ આના પગલે બેતરફી ચડઉતર વચ્ચે ટનના ભાવ ૧૦૭૦૦થી ૧૦૯૦૦ ડોલર વચ્ચે ત્રણ મહિનાના વાયદાના ભાવ ફરતા રહ્યા હતા.
વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં પણ આવી ચાલ વચ્ચે આવતા ઉછાળા ઉભરા જેવા સાબીત થતા જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૬૩થી ૬૪ ડોલર વચ્ચે તથા યુએસ ક્રૂડના ભાવ ૫૯થી ૬૦ ડોલર વચ્ચે ફરતા રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, અમેરિકામાં તાજેતરમાં સરકારી શટડાઉન પુરું થતાં ત્યાંના અર્થતંત્ર વિષયક વિવિધ ડેટાઓ હવે બહાર આવી રહ્યાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં એક મહિનામાં મોટી અફડાતફડી દેખાઈ છે. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ નીચામાં ૪૬ ડોલરથી કરીને ઉંચામાં ભાવ ૫૪ ડોલર સુધી ટ્રેડ થતા દેખાયા છે. ચાંદીની ગણના કિંમતી ધાતુ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ ધાતુ તરીકે પણ થવા માંડી છે અને તેના પગલે અમેરિકામાંથી બહાર આવતા વિવિધ ડેટાઓની ઈમ્પેક્ટ સોનાની સરખામણીએ ચાંદીના ભાવ પર વિશેષ જોવા મળે છે એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ઓક્ટોબરમાં એક તબક્કે ચાંદીના ભાવ બે સપ્તાહમાં ૧૫થી ૧૬ ટકા તૂટી ગયા હતા અને ત્યારબાદ ભાવ ફરી બાઉન્સ બેક થતા પણ જોવા મળ્યા હતા. વૈશ્વિક સ્તરે ચાંદીમાં તાજેતરમાં ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ધીમી પડી હતી જ્યારે સામે ઈન્વેસ્ટમેન્ટ ડિમાન્ડમાં વૃધ્ધિ થયાના વાવડ પણ મળ્યા હતા. ચાંદીમાં વૈશ્વિક સ્તરે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફમાં આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં ઈન્ફલોમાં આશરે ૧૮ કરોડ ૭૦ લાખ ઔંશની વૃધ્ધિ નોંધાઈ હોવાના સમાચાર મળ્યા હતા. ચાંદીના ભાવ આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં આશરે ૮૦ ટકા જેટલા વધી ગયા છે. આની સામે સોનાના ભાવમાં આવી વૃધ્ધિની ટકાવારી ૫૬થી ૫૭ ટકા તથા પ્લેટીનમમાં આશરે ૭૪થી ૭૫ ટકાની નોંધાઈ છે.
સોલાર, ઈલેકટ્રોનિક્સ તથા ઈલેકટ્રીક વાહનો ઈવીઝમાં ચાંદીનો વપરાશ તાજેતરમાં વધતો જોવા મળ્યો છે. ચાંદીમાં ઔદ્યોગિક માગ આ વર્ષે ૬૬૫૦ લાખ ઔંશ રહેવાનો અંદાજ બતાવાયો છે.


