- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- સોના- ચાંદીની ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃધ્ધિ: સોનામાં હવે રૂ.દોઢ લાખ તથા ચાંદીમાં રૂ.બે લાખ પર બજારની નજર
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં દિવાળી પૂર્વેના સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં નવા ઉંચા ભાવ મોસમી માગને અસર પડી હતી તથા નવા વેપારો પણ ધીમા પડી ગયા હતા. ઝવેરીબજારોના જાણકારોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં કિંમતી ધાતુઓમાં ઐતિહાસિક તેજી આગળ વધતાં ઘરઆંગણે આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં ઝડપી વૃધ્ધિ થઈ છે તથા તેના પગલે દેશના ઝવેરીબજારોમાં દિવાળીના દિવસોમાં તોફાની તેજી વેગળી આગળ વધતાં નવા રેકોર્ડ ઉંચા ભાવને બજાર આંબી જતાં બજારના જૂના તથા પીઢ ઝવેરીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. ઝવેરીબજારોમાં આવી તોફાની તેજી આ પૂર્વે ક્યારે પણ જોવા મળી નથી અને તેના કારણે બજારોમાં ચહલપહલ પણ પાંખી પડી ગઈ હતી. તહેવારોમાં શુકન પુરતી માગ અમુક દુકાનોમાં દેખાઈ હતી અને આવી માગને બાદ કરતાં બજારમાં નવી ખરીદીમાં સાવચેતીનો સૂર સંભળાયો હતો.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૦૧૭થી ૪૦૧૮ ડોલરવાળા એકધારા આગળ વધી ઉંચામાં ભાવ તાજેતરમાં ૪૩૦૦ની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૪૩૭૫થી ૪૩૮૦ ડોલર સુધી પહોંચી જતાં ખેલાડીઓ અવાક બની ગયા હતા. અમેરિકામાં તાજેતરમાં શટડાઉનની સ્થિતિ વચ્ચે ત્યાંના આર્થિક આંકડાઓની બજારમાં ગેરહાજરી જોવા મળી હતી. ઉપરાંત ત્યાં હવે આ મહિનાના અંત ભાગમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો કરાશે એવા સંકેતો વહેતા થતાં વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ તાજેતરમાં દબાણ હેઠળ જોવા મળ્યો હતો અને તેના પગલે વિશ્વબજારમાં સોનામાં ફંડોની ખરીદી સતત ચાલુ રહી હતી. સટ્ટારૂપી તત્ત્વો પણ વિશ્વબજારમાં એકટીવ રહ્યા હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદી તથા પ્લેટીનમ અને પેલેડીયમના ભાવ પણ ખાસ્સા વધી ગયા હતા. ચાંદીના ભાવમાં નવો રેકોર્ડ સર્જાતાં ૧૯૮૦ની ટોચને બજાર કુદાવી ગઈ હતી. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ તેજીનો ચરુ ઉકળતો રહ્યો હતો.
અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ વધી ઉંચામાં ૧૦ ગ્રામના રૂ.૧૩૧૫૦૦ સુધી પહોંચી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધુ ઉછળી કિલોના રૂ.૧૮૦૦૦૦ની સપાટીને આંબી જતાં બજારમાં વ્યાપક ચકચાર જાગી હતી. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૦.૧૪થી ૫૦.૧૫ ડોલરવાળા ઉછળતા રહી ઉંચામાં ભાવ ૫૪ ડોલર પાર કરી ૫૪.૩૫થી ૫૪.૪૦ ડોલર સુધી પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા. ચાંદીમાં તાજેતરમાં ઘરઆંગણે તથા દરીયાપારના બજારોમાં હાજર માલની અછત સર્જાઈ હતી અને તેના કારણે તેજી વેગીલી જોવા મળી હતી. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૫૯૭થી ૧૫૯૮ ડોલરવાળા વધતા રહી ઉંચામાં ભાવ ૧૭૦૦ ડોલર પાર કરી ૧૭૨૫થી ૧૭૩૦ ડોલર સુધી પહોંચી ગયા હતા. પેલેડીયમના વૈશ્વિક ભાવ ૧૪૦૫થી ૧૪૦૬ ડોલરવાળા વધુ વધી ઉંચામાં ૧૬૦૦ ડોલર વટાવી ભાવ ૧૬૩૦થી ૧૬૩૫ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
જોકે તાજેતરમાં મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં ટોચ પરથી ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો તથા ઈમ્પોર્ટરો માટે સરકારે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૮૮.૭૦ નક્કી કર્યા હતા. દરમિયાન, દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી નક્કી કરવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં પણ સરકારે તાજેતરમાં દિવાળી ટાંણે વૃધ્ધિ કરતાં કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી જતાં તેની અસર પણ ઝવેરીબજારમાં જોવા મળી હતી. આવી ટેરીફ વેલ્યુ સોનામાં ૧૦ ગ્રામની ડોલરના સંદર્ભમાં ૧૨૩૧ ડોલરથી વધારી સરકારે ૧૩૨૭ ડોલર કરી છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૧૫૧૫થી વધારી સરકારે ૧૬૬૩ ડોલર કર્યાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા. આના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃધ્ધિ થઈ હોવાનું બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં તાજેતરમાં ચાંદીના ભાવમાં તોફાની ઉછળકુદ જોવા મળી હતી. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર એક તબક્કે ઉછળી ઉંચામાં ૧૭૮૦૦૦ની સપાટી વટાવી ગયા હતા અને ત્યારબાદ હાજર માલની અછત હળવી થતાં તથા સપ્લાય વધતાં ભાવ ટોચ પરથી ઝડપી રૂ.૧૦ હજાર ગબડી રૂ.૧૬૮૦૦૦ આસપાસ બોલાતા થતાં ગ્રાહકો પણ મુંઝવણ અનુભવતા જણાયા હતા. મુંબઈ બુલીયન બજારમાં જીએસટી સાથેન ાભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં તાજેતરમાં સોનાના ભાવ જીએસટી વગર ઉંચામાં રૂ.૧૨૭૦૦૦ની ઉપર ગયા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ઝવેરીબજારમાં ચાંદીના સ્પોટ ભાવમાં તાજેતરમાં પ્રિમિયમો વધી ગયા હતા તે ઝડપી નીચા આવ્યા હતા. અમેરિકામાં તથા ચીન વચ્ચે વેપાર વિષયક તણાવ વધતાં તેની અસર પણ વૈશ્વિક ઝવેરીબજારોમાં દેખાઈ હતી તથા વિશેષરૂપે તેના પગલે સોનામાં સેફ- હેવન સ્વરૂપની ખરીદી વધી હતી. સોનાના ભાવ આ વર્ષે આશરે ૬૦ ટકા વધ્યા છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની સોનામાં ખરીદી વધી છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડો ઈટીએફમાં પણ ઈન્ફલો વધ્યો છે. લંડન બજારમાં ચાંદીની અછત સર્જાતાં તાજેતરમાં ન્યુયોર્કથી લંડન તરફ આશરે ૧૫૦ લાખ ઔંશ ચાંદી રવાના કરાયાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. ચીન દ્વારા અમેરીકન ટ્રેઝરી વેંચીને સોનું ખરીદવાનો વ્યુહ અપનાવાયો છે તથા વૈશ્વિક સ્તરે ડોલરનું પ્રભુત્વ ઘટાડવા ચીન પ્રયત્નો કરી રહ્યું છે. દરમિયાન જે.પી. મોર્ગનના જણાવ્યા મુજબ ફોરેન ઈન્વેસ્ટરોના હસ્તકમાં રહેલી અમેરિકન એસેટ્સ પૈકી માત્ર અડધો ટકો આવી એસેટસ ગોલ્ડ બજાર તરફ વાળવામાં આવે તો પણ સોનાના વૈશ્વિક ભાવ ઉછળી ૬૦૦૦ ડોલર સુધી પહોંચી શકે તેમ છે. સોનાના ભાવ આ વર્ષે ૬૦ ટકા વધ્યા છે ત્યારે ચાંદી તથા પ્લેટીનમ અને પેલેડીયમના ભાવ આ વર્ષે ૭૫થી ૮૫ ટકા ઉછળ્યા છે. અમેરિકામાં ૨૦૦૮માં મોટી મંદી તથા શેરબજારો તૂટયા હતા તે વખતના ગાળામાં કિંમતી ધાતુઓ ઝડપી ઉછળી હતી તથા કોવીડ વખતના ગાળામાં પણ તેજી દેખાઈ હતી પરંતુ આ વખતની તેજી એ અગાઉના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે.


