Get The App

સોના-ચાંદીમાં ભાવ વધ્યા પછી ઝડપી ગબડતાં માંગનો આશાવાદ વધ્યા

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં ભાવ વધ્યા પછી ઝડપી ગબડતાં માંગનો આશાવાદ વધ્યા 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૪૨૪૦ ડોલર થયા પછી ગબડી નીચામાં ૪૦૫૦ ડોલર સુધી ઉતરી  ગયાના નિર્દેશો!

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં નવેસરથી તેજીનો ચમકારો જોવા મળ્યો હતો.અને ત્યારબાદ સપ્તાહના ઉત્તરાર્ધમાં ભાવ ફરી ઉંધા માથે પટકાયા હતા.  

દેશમાં હવે લગ્નસરા શરૂ થઈ છે ત્યારે ઝવેરીબજારમાં ફરી તેજીનું તોફાન શરૂ થતાં મોસમી માગ પર અસર પડવાની ભીતી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. જો કે ભાવ ઉંચેથી ઘટતાં માગ માટે ફરી આશાવાદ સર્જાયો હતો. 

અમદાવાદ ઝવેરીબજારમાં તાજેતરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૨૩૯૦૦થી વધી રૂ.૧૩૦૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૨૪૨૦૦ વાળા ઉછળી રૂ.૧૩૧૦૦૦ સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. 

દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦૦૦થી ઝડપી ઉછળી રૂ.૧૬૬૦૦૦ સુધી પહોંચી ગયાપછી તૂટી ગયા હતા તથા સોનાના ભાવ પણ ઉંચેથી ઝડપી ઘટયા હતા.   વિશ્વબજારમાં સોનાના ભાવ જે તાજેતરમાં ઔંશના ૪૦૦૦ ડોલર આસપાસ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા તે ઝડપી ઉછળી પ્રથમ તબક્કે ૪૧૦૦ ડોલરની સપાટી પાર કર્યા પછી વધુ વધી ઉંચામાં ૪૨૦૦ ડોલરની સપાટી કુદાવી ભાવ ઉંચામાં રૂ.૪૨૪૦ ડોલર સુધી પહોંચી ગયા હતા. 

જોકે ત્યારબાદ સોનાના વૈશ્વિક ભાવ ફરી ઘટી નીચામાં ૪૦૫૦ ડોલર સુધી ટ્રેડ થતા પણ તાજેતરમાં દેખાયા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં થતી વધઘટના પગલે વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવમાં બેતરફી ઉછળકુદ તાજેતરમાં જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૯૯થી ૧૦૦ની સપાટી વચ્ચે ફરતો રહ્યાના વાવડ મળ્યા હતા. 

દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઝડપી વધી ગયા હતા તથા વૈશ્વિક ચાંદીના ભાવ ઉંચામાં રેકોર્ડ સપાટી નજીક પહોંચતાં દેશના ઝવેરીબજારોમાં સોના- ચાંદીના ભાવમાં તેજી આગળ ઘટતી જોવા મળી હતી. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૪૮.૩૦થી ૪૮.૩૫ ડોલરવાળા ઝડપી ઉછળી ઉંચામાં ભાવ ૫૪ ડોલરની સપાટી ઝડપથી વટાવી ઉંચામાં ભાવ ૫૪.૩૯થી ૫૪.૪૦ ડોલરની રેકોર્ડ સપાટી નજીક પહોંચી ગયા હતા તથા ત્યારબાદ ભાવ ૫૦.૪૫ ડોલર આસપાસ બોલાઈ રહ્યાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાંથી મળેલા સમાચાર મુજબ અમેરિકાની સરકારે ચાંદી, યુરેનીયમ તથા કોપરને મહત્ત્વની યાદી- ક્રિટીકલ મેટલ્સની યાદીમાં સામિલ કર્યાના વાવડ મળ્યા હતા. ઈલેકટ્રીક વાહનો, સોલાર પાવર તથા સ્વચ્છ ઉર્જા માટે સપ્લાય જાળવી રાખવા અમેરીકન સરકારે આવો નિર્ણય કર્યાનું વિશ્વબજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

અમેરિકાની સરકારના આ પગલાથી વિશ્વબજારમાં તેજીને પીઠબળ મળ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૪૬થી ૧૫૪૭ વાળા વધી ઉંચામાં ભાવ ૧૬૩૦થી ૧૬૩૫ થઈ ગયા હતા અન ે ત્યારબાદ ભાવ ફરી ઘટી ૧૫૩૫  ડોલર નીચામાં રહ્યા હતા. વૈશ્વિક પેલેડીયમના ભાવ ૧૩૮૦થી ૧૩૮૫ વાળા ઉંચામાં ભાવ ૧૫૦૦ ડોલર નજીક પહોંચ્યા પછી ભાવ નીચામાં રૂ.૧૩૮૫ ડોલર સુધી બોલાયા હતા. 

કિંમતી ધાતુઓના ભાવમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. કોપરના ભાવ પણ આંચકા પચાવી ફરી ઉંચા જતા દેખાયા હતા. વિશ્વબજારમાં જોકે ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. ક્રૂડના ભાવમાં આવતા ઉછાળા ઉભરા જેવા સાબીત થયા હતા. આમ છતા સોનાના ભાવની તેજી આગળ વધી હતી. અગાઉ જ્યારે ક્રૂડતેલના ભાવ ઘટતા હતા ત્યારે વૈશ્વિક સોનાના ભાવ પણ નીચા ઉતરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે તથા સમીકરણો પણ બદલાતા રહ્યા છે.

મુંબઈ  બુલીયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ઉંચામાં ૯૯૫ના રૂ.૧૨૬૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૬૫૦૦ સુધી પહોંચ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી  વગર ઉંચામાં રૂ.૧૬૩૦૦૦ની ઉપર ગયા હતા. 

જો કે  ત્યારબાદ ભાવ તૂટયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈના અમુક વિસ્તારોમાં દાણચોરીના સોનાનું મેલ્ટીંગ કરવાની પ્રક્રિયા પર સત્તાવાળાની નજર પડતાં આવી પ્રક્રિયા કરતા વર્ગ પર સરકારની તવાઈ વધી હોવાનું બજારના જાણકારો બતાવી રહ્યા હતા. 

મેરિકામાં સરકારના શટડાઉનની મડાગાંઠ ઉકેલવામાં આવતાં હવે પછી અમેરિકાના અર્થતત્ર વિષયક વિવિધ આંકડાઓ ફરી મળતા થવાની આશા વધી છે અને તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી હતી.

 અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ- બાઈંગ ફરી શરૂ કરવામાં આવશે એવા સંકેતો વહેતા થયા હતા. અમેરિકામાં ડિસેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર બજારની નજર રહી છે. ત્યાં આ મિટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો કરવામાં આવશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા ગયા છે તથા તેની અસર પણ ઝવેરીબજાર પર તેજીની જોવા મળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.