Get The App

સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી : ટૂંકાગાળામાં અકલ્પનીય ઉછાળાથી ઝવેરી બજારમાં વ્યાપક ચકચાર

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી : ટૂંકાગાળામાં અકલ્પનીય ઉછાળાથી ઝવેરી બજારમાં વ્યાપક ચકચાર 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- હાજર ચાંદી રૂ.૧૯૫૦૦૦ જ્યારે વાયદો વધી રૂ.બે લાખ બોલાયોઃ સોનામાં રૂ.૧૩૭૦૦૦નો નવો રેકોર્ડઃચાંદીમાં સપ્લાયડેફીસીટ વધી ૮૨ કરોડ ઔંશ થઈ

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં વિશેષરૂપે ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં નવા ઉંચા ભાવ દેખાતાં ચાંદી બજાર ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી અને સોનાના ભાવ ચાંદીની તેજીને અનુસરતા જોવા મળ્યા હતા. આ વખતે ઝવેરીબજારમાં તેજીની આગેવાની જાણે ચાંદીએ લીધી હોય એવો માહોલ સર્જાયો હતો. મુંબઈ બુલીયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૧ લાખ ૭૯ હજારથી ઉછળતા રહી ઉંચામાં રૂ.૧ લાખ ૯૫ હજારની સપાટીને પાર કરી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા છે. ચાંદીના ભાવમાં ટૂંકા ગાળામાં નોંધાયેલો આવો જબરદસ્ત ઉછાળો આ પૂર્વે ક્યારેય જોવા મળ્યો નથી એવું બજારના પીઢ આગેવાનો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં તાજેતરમાં ચાંદીના ભાવ પાંચ દિવસમાં ઝડપી રૂ.૧૬ હજાર વધી ગયા હતા. ઝવેરીબજારના જાણકારોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં તેજીનો નવો રેકોર્ડ થતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ થતી ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી ઉંચકાઈ હતી અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં આ સફેદ કિંમતી ધાતુના ભાવમાં લાલચોળ તેજી જોવા મળી હતી.  દરમિયાન મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઝડપી વધી ઉંચામાં રૂ.૯૦.૫૦ઉપર  નવી ઉંચી સપાટીએ પહોંચતાં ઝવેરીબજારોમાં રૂપિયાના કડાકાની અસર ચાંદીના ભાવમાં તેજીને પીઠબળ આપનારી પુરવાર થઈ હોવાનું બજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું. ચાંદી પાછળ સોનાના ભાવ પણ ઉંચા જતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૮.૩૦થી ૫૮.૩૫ ડોલરવાળા ઝડપી વધી ઉંચામાં પ્રથમ તબક્કે ૬૦ ડોલરની સપાટી વટાવી ગયા પછી ભાવ વધુ વધી ૬૧ ડોલર તથા ત્યારબાદ જોતજોતામાં ભાવ ૬૨ ડોલરની સપાટી પણ પાર કરી ઉંચામાં ભાવ ૬૪.૫૫થી ૬૪.૬૦ ડોલર સુધી પહોંચ્યા હતા.  વિશ્વબજારમાં ચાંદીના ઔંશદીઠ ભાવ અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત જ ૬૦ ડોલર ઉપર ગયા છે અને ૬૦ ડોલરની સપાટી વટાવ્યા પછી પણ તેજી અટકી નથી અને ચાંદીના ભાવ વધુ વધી ૬૫ ડોલર નજીક પહોંચી જતાં બજારના તટસ્થ જાણકારો પણ અચંબામાં પડી ગયા હતા. વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ ચાંદીમાં તાજેતરમાં ફિઝીકલ શોર્ટેજથી સ્થિતિ જોવા મળી છે.

સિલ્વર સામે ક્રૂડ ઓઈલનો બજાર માટે સુચક મનાતો રેશિયો વધ્યો છે. આ રેશિયો મુજબ હવે એક ઔંશ ચાંદી સામે મેળવી શકાતા ક્રૂડઓઈલનું પ્રમાણ વર્લ્ડ વોર- ટુ પછીથી ગણતા અત્યાર સુધીના ગાળામાં સૌથી વધુ થયાના સમાચાર મળ્યા છે. આ વર્ષના આરંભથી ગણતાં અત્યાર સુધીના ગાળામાં ચાંદીના ભાવમાં આશરે ૧૧૦ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. ચાંદીમાં સપ્લાય ડેફીસીટ સામે વિવિધ ક્ષેત્રોની ઔદ્યોગિક માગ પણ વધતી દેખાઈ છે. સોલાર ક્ષેત્રમાં તથા ઈલેકટ્રીકલ વેહિકલ્સ ક્ષેત્રમાં તેમજ આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ ક્ષેત્રમાં પણ ચાંદીની માગ વધી હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. આ ઉપરાંત સેમી- કન્કડકટર તથા ડિફેન્સ ક્ષેત્રમાં પણ ચાંદીની માગ વધી છે.

 ચાંદીના ભાવમાં અત્યારનો માહોલ તથા ડિમાન્ડ સપ્લાયની સ્થિતિ જોતાં ૨૦૨૬ના નવા વર્ષમાં ચાંદીમાં તેજી આગળ વધશે તથા કદાચ માર્ચ- ૨૦૨૬ સુધીમાં વૈશ્વિક ચાંદીના ભાવ વધુ ઉછળી ઔંશદીઠ ૧૦૦ ડોલરની સપાટીને આંબી જવાની ગણતરી બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે. ચાંદીના ભાવ વિશ્વબજારમાં ઔંશદીઠ ૬૩ ડોલર નજીક પહોંચતાં ઘરઆંગણે ચાંદીના ભાવ કિલોના રૂ.૧ લાખ ૯૦ હજાર નજીક પહોંચી ગયા છે એ જોતાં વૈશ્વિક ચાંદીના ભાવ જો ઉંચામાં ૧૦૦ ડોલર થશે તો ઘરઆંગણે ચાંદીના ભાવ ઉંચામાં રૂપિયા બે લાખની ઉપર જઈ કદાચ ત્રણ લાખ રૂપિયાને પણ ંબી જાય તો નવાઈ નહિં એવું બજારનો અમુક વર્ગ ગણતરી બતાવી રહ્યો છે. ઓપશન્સ બજારમાં તાજેતરમાં ચાંદીના ટ્રેડમાં તેજીને પસંદ કરનારા વર્ગના સોદા વધ્યા છે. વૈશ્વિક ધોરણે ચાંદીમાં સપ્લાય ડેફીસીટનું પ્રમાણ વધી ૮૨ કરોડ ઔંશની ઉપર ગયું છે.

દરમિયાન, અમેરિકામાં તાજેતરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધુ ઘટાડો કરવામાં આવતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ દબાણ હેઠળ રહ્યાના સમાચાર મળ્યા હતા તથા તેના પગલે વિશ્વબજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધતાં વૈશ્વિક સોનાના ભાવ પણ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૧૯૭ વાળા વધી તાજેતરમાં ઉંચામાં ૪૩૪૦ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૧૩૭૦૦૦ નજીક ફરી ક્વોટ થતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી ઉંચામાં ઔંશના ૧૭૦૦ ડોલર ઉપર તથા પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૧૫૦૦ ડોલર ઉપર ગયાના નિર્દેશો પણ મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ઉછળી ટનના  ૧૧૮૦૦ ડોલર થતાં કોપરના ભાવમાં પણ તેજીનો નવો રેકોર્ડ થયો હતો તથા તેના પગલે પણ ચાંદીની રેકોર્ડ તેજીને નવું કારણ મળ્યું હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા.