Get The App

સોના- ચાંદીમાં બેતરફી ઉછળકુદ : લગ્નસરાની માગ અપેક્ષાથી ધીમી : વાર્ષિક તેજીમાં 46 વર્ષનો રેકોર્ડ તૂટયો

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
સોના- ચાંદીમાં બેતરફી ઉછળકુદ : લગ્નસરાની માગ અપેક્ષાથી ધીમી : વાર્ષિક તેજીમાં 46 વર્ષનો રેકોર્ડ તૂટયો 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર વધતાં કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃધ્ધિઃ અમેરિકામાં વ્યાજ દરમાં વધુ ઘટાડાની પ્રબળ શક્યતા

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બેતરફી ઉછળકુદ બતાવી રહ્યા હતા તથા તેના પગલે ઘરઆંગણે પણ સોના- ચાંદીના ભાવમાં ચડઉતર થતી જોવા મળી હતી. 

દરમિયાન, દેશમાં લગ્નસરાની મોસમ હવે શરૂ થઈ ગઈ છે છતાં ઝવેરીબજારોમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચા હોતાં લગ્નસરાની માગ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધપાત્ર ઓછી રહી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ઘરમાં પડેલા જૂના દાગીનાને નવા દાગીનાના સ્વરૂપમાં બદલાવી પ્રસંગ સાચવી લેવાની વૃત્તી પણ ઝવેરીબજારમાં આવતા લગ્નસરાના મોસમી ગ્રાહકોમાં જોવા મળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૨૪૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૪૩૦૦ આસપાસ બેતરફી વધઘટ વચ્ચે અથડાતા રહ્યા હતા.  અમદવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦૦૦ આસપાસ અથડાતા રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૩૯૭૦થી ૩૯૭૫ ડોલર તથા ઉચામાં ૪૦૨૦ તથા ૪૦૨૫ ડોલર વચ્ચે બેતરફી ઉછળકુદ વચ્ચે ફરતા રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં તાજેતરમાં સોનામાં ઉછાળા ઉભરા જેવા નિવડતા જોવા મળ્યા છે. જોકે વૈશ્વિક સોનામાં ૪૦૦૦ ડોલરની અંદર ભાવ ગયા પછી ઘટયા મથાળે આંચકા પચાવી બજાર ફરી ઉંચકાતી પણ દેખાઈ છે. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં થતી વધઘટના વિશ્વબજારમાં સોનાના ભાવ અનુસરતા દેખાયા છે. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ તાજેતરમાં ઘટયા પછી ફરી ઉંચકાઈ ૧૦૦ની સપાટી વટાવી જતાં ડોલર ઈન્ડેક્સમાં ત્રણ મહિનાની ટોચ જોવા મળી છે. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૦ની અંદર ઉતરે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી આવતી દેખાઈ છે તથા ડોલર ઈન્ડેક્સ ૧૦૦ની ઉપર જાય ત્યારે વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો ફરી વેંચતા પણ દેખાયા છે.

દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ બેતરફી ચડઉતર જોવા મળી છે. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ નીચામાં ૪૭.૯૫થી ૪૮ ડોલર તથા ઉંચામાં ૪૮.૭૦થી ૪૮.૭૫ ડોલર વચ્ચે ફરતા રહ્યા છે. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ઉંચામાં ૧૫૭૦થી ૧૫૭૫ ડોલર તથા નીચામાં ૧૫૨૦થી ૧૫૨૫ ડોલર વચ્ચે અથડાતા રહ્યાના સમાચાર મળ્યા હતા. 

વૈશ્વિક પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૪૩૫થી ૧૪૪૦ ડોલર તથા નીચામાં ૧૩૬૫થી ૧૩૭૦ ડોલર વચ્ચે રહ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ ટનના ત્રણ મહિનાના વાયદાના ઉંચામાં ૧૧ હજાર ડોલર તથા નીચામાં ૧૦૫૦૦ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ બેતરફી ચાલ જોવા મળી હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૬૪ ડોલર આસપાસ તથા યુએસ ક્રૂડના ભાવ ૬૦ ડોલર આસપાસ બેતરફી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળ્યા છે.

દરમિયાન, તાજેતરમાં સરકારે ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દરમાં વૃધ્ધિ કર્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ વૃધ્ધિ થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. 

અમેરિકામાં તાજેતરમાં ઓક્ટોબરમાં કર્મચારીઓ તથા કામદારોની હકાલપટ્ટી- લેઓફમાં નોંધપાત્ર વૃધ્ધિ નોંધાઈ છે સામે ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના એડીપીના આંકડા જોકે અપેક્ષાથા સારા આવ્યાના સમાચાર પણ મળ્યા હતા. અમેરિકામાં કન્ઝયુમર સેન્ટીમેન્ટનો ઈન્ડેક્સ તાજેતરમાં ઘટી નવા નીચા તળીયે ઉતરી ગયાના સમાચાર પણ મળ્યા હતા. અમેરિકામાં સરકારી શટડાઉનના પગલે ત્યાં તાજેતરમાં અર્થતંત્રને પણ મોટો ફટકો પડયો છે. 

આવા માહોલમાં અમેરિકામાં હવે ડિસેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા બળવત્તર બની છે. આની અસર હવે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા સોનાના ભાવ પર મિશ્ર જોવા મળશે એવી ગણતરી વિશ્વબજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વમાં તાજેતરમાં વધુ ૫.૬૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે તથા બે સપ્તાહમાં આવો ઘટાડો ૧૨.૫૨ અબજ ડોલરનો થયો છે. 

આવા રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વમાં પણ ૩.૮૦ અબજ ડોલરનો ઘટાડો થયાનું જાણકારો જણાવી રહ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે તાજેતરમાં વેપાર કરાર થયા પછી હવે ભારત તથા અમેરિકા વચ્ચે થનારા વેપાર કરાર પર પણ બજારની નજર રહી હતી.

 દરમિયાન, ફ્રાંસમાં એક મકાનમાં ગાર્ડનમાં સ્વીમિંગ પુલમાં ખોદકામ કરતી વખતે આશરે ૮ લાખ ડોલરના મુલ્યનું ગોલ્ડ મળી આવ્યાના સમાચાર વહેતા થતાં વિશ્વના ગોલ્ડ માર્કેટમાં આ કિસ્સાની ખાસ્સી ચર્ચા સંભળાઈ હતી. દરમિયાન, આ વર્ષે સોનાના ભાવમાં જે મોટી તેજી આવી છે એ તેજીએ વૈશ્વિક સ્તરે ૧૯૭૯ પછીનો નવો વાર્ષિક રેકોર્ડ બનાવ્યો છે. દરમિયાન, ચીલીમાં ગોલ્ડની નવી ખાણોમાં સોનાનું ઉત્પાદન ૨૪થી ૨૫ ટકા વધવાની શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં હવે સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુ ટૂંકમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે તેના પર બજારની નજર રહી હતી.