- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- વિશ્વબજારમાં સપ્લાય ડેફીસીટ વચ્ચે ચાંદીના ભાવ ઉછળી ઉંચામાં 59 ડોલર નજીક પહોંચી જતાં નવો રેકોર્ડ સર્જાયો
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં તેજી ઝડપી ગતીએ આગળ વધતાં નવા ઉંચા ભાવ દેખાયા હતા જ્યારે સોનાના ભાવ ઘટયા પછી આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં તાજેતરમાં રૂપિયો ગબડી નવા નીચા તળીયે ઉતરી જતાં તથા રૂપિયા સામે ડોલરના ભાવ એકધારા વધી ઉંચામાં ભાવ કરન્સી બજારના ઈતિહાસમાં પ્રથમ વખત રૂ.૯૦ની સપાટી કુદાવી જતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં ખાસ્સી વૃધ્ધિ થઈ છે તથા તેની ઈમ્પેક્ટ ઝવેરીબજારમાં સોના- ચાંદીના ભાવ પર પણ દેખાઈ હતી. રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળી તાજેતરમાં રૂ.૯૦.૩૦ સુધી પહોંચી ગયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવમાં તાજેતરમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વૈશ્વિક સોનાના ઔંશદીઠ ભાવ એક તબક્કે ૪૨૦૦ ડોલરની અંદર જતા રહ્યા પછી આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાઈ ૪૨૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના વાવડ મળ્યા હતા.
દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૧૩૨૦૦૦ની સપાટી આસપાસ બેતરફી ઉછળકુદ બતાવી રહ્યા હતા. સોનાના ભાવ એક તબક્કે રૂ.૧૩૨૦૦૦ની અંદર જતા રહ્યા પછી ફરી વધી રૂ.૧૩૨૦૦૦ની સપાટીની ઉપર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સોનાના ભાવ એક તરફ બેતરફી ઉછળકુદ વચ્ચે અથડાતા રહ્યા હતા ત્યારે બીજી તરફ ચાંદીના ભાવમાં એકધારી તેજી રેકોર્ડ ગતીએ આગળ વધી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૭૧૦૦૦થી વધી ઉંચામાં રૂ.૧૭૫૦૦૦ સુધી પહોંચી ગયા હતા. મુંબઈ બુલીયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર ઉછળતા રહી ઉંચામાં ૧ લાખ ૭૮ હજારની ઉપર ટ્રેડ થતા દેખાયા હતા તથા ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧ લાખ ૨૭ હજારથી ૧ લાખ ૨૮ હજાર વચ્ચે ફરતા રહ્યા હતા. મુંબઈ સોનાના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૬થી ૫૬.૫૦ ડોલર આસપાસ બોલાતા હતા તે ત્યારબાદ ઝડપી ઉછળી ઉંચામાં ભાવ ૫૯ ડોલરની રેકોર્ડ સપાટી નજીક પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં જોવા મળેલી રેકોર્ડ તેજીની અસર દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં જોવા મળી હતી તથા ભાવ ઉછળતા રહી રોજેરોજ નવી ઉંચી સપાટી બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૦૦થી ૧૭૦૦ ડોલર વચ્ચે બેતરફી વધઘટે ફરતા રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૦૦થી ૧૫૦૦ ડોલર વચ્ચે ફરતા જોવા મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં ખાસ્સી તેજી આવતાં તેની અસર ચાંદીના ભાવ પર પણ પડી હતી. વિશ્વબજારમાં કોપરના ભાવ ટનના ઉંચામાં ૧૧ હજાર ડોલરની સપાટી વટાવી ગયાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં તાજેતરમાં બેતરફી ચાલ દેખાઈ હતી તથા તેની પાછળ વૈશ્વિક સોનાના ભાવ પણ બેતરફી ઉછળકુદ બતાવતા તાજેતરમાં જોવા મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૯ તથા ઉંચામાં ૧૦૦ની સપાટી વચ્ચે ફરતો જોવા મળ્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટે છે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડો લેવા આવે છે જ્યારે ડોલર ઈન્ડેક્સ વધે છે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડો સોનું વેંચવા નીકળે છે.
દરમિયાન, વિશ્વબજારમાં અમેરિકામાં આ મહિને યોજાનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર બજારની નજર રહી છે. આ મિટિંગમાં ત્યાં વ્યાજના દરમાં વધુ ઘટાડો કરવામાં આવશે એવી શક્યતા વૈશ્વિક તજજ્ઞાો બતાવી રહ્યા હતા અને તેના પગલે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા સોનાના ભાવ પર ઈમ્પેક્ટ આવતી રહી છે. ચાંદીના ભાવમાં આ વર્ષે ૨૦૨૫માં આશરે ૧૦૦ ટકાની વૃધ્ધિ જોવા મળી છે. સરકારી બોન્ડ તથા કરન્સીઝના બદલે ઈન્વેસ્ટરો ચાંદી તરફ વળ્યાની ચર્ચા પણ વિશ્વબજારમાં સંભળાઈ રહી હતી. વૈશ્વિક સ્તરે ચાંદીમાં માંગ કરતા સપ્લાય ઓછી જેવી સપ્લાય ડેફીસીટની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષથી એકધારી જોવા મળી છે. તાજેતરમાં ચાંદીના ભાવમાં જે વિકલી વૃધ્ધિ નોંધાઈ છે તે મે- ૨૦૨૪ પછીના ગાળાની સૌથી મોટી વિકલી વૃધ્ધિ મનાઈ રહી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
ચાંદીમાં ઈન્વેસ્ટરોની માગ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ સારી રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ચાંદીમાં વૈશ્વિક સ્તરે સપ્લાય ડેફીસીટ વધી આશરે ૬૮થી ૬૯ કરોડ ઔંશ સુધી પહોંચી છે. આવી સપ્લાય ડેફીસીટ દસ મહિનાની માઈન્સ સપ્લાયની સમકક્ષ રહી છે. દરમિયાન, ચાંદીની ઈન્ડસ્ટ્રીલ ડિમાન્ડ વધી ૬૮થી ૬૯ કરોડ ઔંશ સુધી પહોંચી છે. સોલાર પેનલ્સમાં ચાંદીની માગ વધી છે. ચાંદીની જે કુલ ઔદ્યોગિક માગ રહે છે એ પૈકી સોલાર પેનલ્સમાં માગ આશરે ૧૪થી ૧૫ ટકા જેટલી રહી છે. આ ટકાવારી અગાઉ ૪થી ૫ ટકા રહેતી હોય તે હવે વધી છે. ટોપકોન ઓપ્ટીકલ ઈક્વીપમેન્ટ સેલમાં ચાંદીનો વપરાશ વધ્યો છે. અમેરિકામાં ચાંદીનું ઉત્પાદન વૈશ્વિક કુલ ઉત્પાદનના માત્ર પાંચ ટકા જેટલું થાય છે તથા ત્યાં મેકસીકો, પેરુ તથા ચીલીથી આવતી ચાંદીનો વપરાશ વધ્યો છે અને આવી ચાંદીનો મોટાભાગનો જથ્થો ચીનમાં રિફાઈન્ડ કરવામાં આવે છે. ચાંદીનો જથ્થો ઘટે તો અમેરિકામાં ગ્રીડ, મિલીટરી, એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર વિ. વિવિધ ક્ષેત્રોમાં અવળી અસર પડવાની શક્યતા રહી છે. આવા સંજોગોમાં અમેરિકાની નિતીના ઘડવૈયાઓએ ચાંદીને અપગ્રેડ કરી સિમ્પલ કોમોડિટીઝના બદલે સ્ટ્રેટેજીક નેશનલ એસેટ તરીકે અપગ્રેડ કરી હોવાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા. બ્રિટનમાં બુલીયન માર્કેટ એસોસીએશનના વોલ્ટમાં ચાંદીનો જથ્થો નોંધપાત્ર ઘટયાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા.


