Get The App

સોના- ચાંદીના ભાવ ઝડપી તૂટયા પછી આંચકા પચાવી ફરી ઉંચકાયાઃ વૈશ્વિક સોનું 4000 ડોલર પાર કરી ગયું

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
સોના- ચાંદીના ભાવ ઝડપી તૂટયા પછી આંચકા પચાવી ફરી ઉંચકાયાઃ વૈશ્વિક સોનું 4000 ડોલર પાર કરી ગયું 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- હવે લગ્નસરાની માગ પર બજારની નજરઃ ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરારના પોઝીટીવ સંકેતો તથા અમેરિકામાં વ્યાજ દરમાં થયેલા ઘટાડાની બજાર પર જોવા મળેલી બેતરફી અસર

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવમાં ટોચ પરથી શરૂ થયેલી પ્રત્યાઘાતી ઘટાડાની ચાલ આગળ વધી હતી. દેશમાં તહેવારોની મોસમ પુરી થતાં હવે લગ્નસરાની માગ પર બજારના ઝવેરીઓની નજર રહી હતી. દરમિયાન, વિશ્વબજારમાં કિંમતી ધાતુઓમાં ભાવમાં તાજેતરની રેકોર્ડ તેજી પછી ઝડપી ઘટાડો જોવા મળ્યો છે તથા તેના પગલે ઘરઆંગણે આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટમાં તાજેતરમાં ખાસ્સી પીછેહટ જોવા મળી છે. દેશમાં ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં ઝવેરીબજારોમાં તૂટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના જે ઉંચામાં વધી તાજેતરમાં દિવાળી પૂર્વે ૪૩૭૦થી ૪૩૮૦ ડોલર સુધી જતા રહ્યા હતા તે ત્યારબાદ ઝડપી ગબડી નીચામાં ૪૦૦૦ ડોલરની અંદર ઉતરી વધુ ગબડી ૩૮૦૦ ડોલરની સપાટીની પણ અંદર ઉતરી નીચામાં ભાવ ૩૮૮૫થી ૩૮૯૦ ડોલર સુધી જતા રહ્યા હતા. જોકે ત્યારબાદ વિશ્વબજારમાં ભાવ બાઉન્સ બેક થઈ ફરી ૪૦૦૦ ડોલરની સપાટી પાર કરી ૪૦૨૫થી ૪૦૩૦ ડોલર આસપાસ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે પણ ઝવેરીબજારોમાં ભાવ દિવાળી પછી એકધારા દબાણ હેઠળ જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના ઘટી નીચામાં રૂ.૧૨૧૨૦૦ તથા ૯૯૯ના ભાવ નીચામાં રૂ.૧૨૧૫૦૦ સુધી તાજેતરમાં ટ્રેડ થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના નીચામાં રૂ.૧૪૩૦૦૦ સુધી જતા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઉંચેથી ગબડતાં તેની પાછળ ચાંદીના ભાવમાં પણ જોરદાર કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક ચાંદીના ભાવ જે ઉંચામાં દિવાળી પૂર્વે ઔંશના ૫૪ ડોલર પાર કરી ૫૫ ડોલરની નજીક પહોંચી ગયા હતા તે ભાવ ત્યારબાદ ઝડપથી ગબડી નીચામાં ૫૦ ડોલરની અંદર ઉતરી ૪૫.૪૫થી ૪૫.૫૦ ડોલર સુધી જતા રહ્યા હતા તે ભાવ ત્યારબાદ ફરી ઉંચકાઈ ૪૯ ડોલર નજીક ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ગબડી તાજેતરમાં નીચામાં ૯૯૫ના રૂ.૧૧૭૫૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૧૮૦૦૦  સુધી જતા રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ગબડી નીચામાં તાજેતરમાં રૂ.૧૪૨૦૦૦ની અંદર ઉતરી ગયા હતા. મુંબઈ બજારમાં સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી જોકે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. જોકે તાજેતરના નીચા મથાળેથી ઝવેરીબજારો આંચકા પચાવી ધીમી ગતિએ બાઉન્સ બેક થતી પણ દેખાઈ હતી. હવે લગ્નસરાની માગ કેવી રહે છે તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન, વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ તાજેતરમાં ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોની નફારૂપી વેચવાલી શરૂ થઈ હતી. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર વિષયક પોઝીટીવ સમાચાર આવી રહ્યા હતા અને તેના પગલે પણ સોનામાં સેફ હેવન સ્વરૂપની નવી લેવાલી અટક્યાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા તાજેતરમાં વ્યાજના દરમાં પા ટકાનો વધુ ઘટાડો કરાયો છે પરંતુ હવે ત્યાં ડિસેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો કરાશે કે નહિં એ વિશે મતમતાંતરો સપાટીએ આવતાં તેની અસર પણ વિશ્વબજારમાં સોનાના ભાવ પર જોવા મળી હતી. વિશ્વબજારમાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ થતાં તેના પગલે પણ સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. વિશ્વબજારમાં યુએસ ક્રૂડના ભાવ તાજેતરમાં ઘટી બેરલના ૬૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. જોકે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ તાજેતરમાં ઘટયા પછી ફરી ઝડપી વધી આવતાં ઘરઆંગણે ઝવેરીબજારોમાં રૂપિયામાં ઘટાડાની અસર વચ્ચે કિંમતી ધાતુઓમાં નીચા મથાળે બજારને સપોર્ટ મળતો પણ દેખાયો હતો.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના નીચામાં ૧૫૨૫થી ૧૫૩૦ ડોલર થઈ ફરી ૧૬૦૦ ડોલર પાર કરી ગયા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશદીઠ નીચામાં ૧૩૪૫થી ૧૩૫૦ ડોલર થઈ ફરી વધી ઉંચામાં ૧૪૬૦થી ૧૪૬૫ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં સોનાના ભાવમાં ૨૦૨૬ના નવા વર્ષમાં તેજી ધીમી ગતીએ આગળ વધવાની શક્યતા જણાય છે. સોનાના ભાવ જોકે ૨૦૨૫ના વર્તમાન વર્ષમાં આશરે ૫૦ ટકા ઉછળ્યા પછી હવે ૨૦૨૬ના નવા વર્ષમાં આવી તેજીની ગતી નોંધપાત્ર ધીમી પડી જવાની શક્યતા આ જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં ૨૦૨૬માં સોનાના સરેરાશ ભાવ ૩૫૭૦થી ૩૫૮૦ ડોલર આસપાસ  રહેવાની શક્યતા આ સૂત્રો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૨૦૨૬માં ઔંશના સરેરાશ ૪૧ ડોલર આસપાસ રહેવાની શક્યતા બતાવાઈ રહી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ જોકે ૨૦૨૭ના વર્ષમાં સોના- ચાંદીના ભાવમાં નોંધપાત્ર પીછેહટ જોવા મળે એવી શક્યતા જણાય છે. ચાંદીમાં વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોની માગ વધી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, સોનાની કુલ વૈશ્વિક માગ આ વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વધી ૧૩૧૦થી ૧૩૧૫ અને આસપાસ નોંધાઈ છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફ સ્વરૂપની માગ સોનામાં આ ગાળામાં વિશેષ વધી હતી. સોનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની માગ પણ ૨૦૨૫ના વર્તમાન વર્ષમાં સારી રહી છે તથા આવી માગ આ વર્ષે કુલ વૈશ્વિક સ્તરે ૭૫૦થી ૯૦૦ ટન વચ્ચે રહેવાનો અંદાજ વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ આગળ ઉપર સોનાના ભાવ ઔંશના ૪૯૦૦ ડોલર જ્યારે યુબીએસના જણાવ્યા મુજબ ૪૭૦૦ ડોલર થવાની શક્યતા જણાય છે.