Get The App

દેશમાં લગ્નસરાની મોસમ વચ્ચે સોના- ચાંદીના ભાવ ફરી ઉછળતાં ઝવેરીઓ મુંઝવણમાં મુકાયા

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
દેશમાં લગ્નસરાની મોસમ વચ્ચે સોના- ચાંદીના ભાવ ફરી ઉછળતાં ઝવેરીઓ મુંઝવણમાં મુકાયા 1 - image

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- સોનું ઉંચામાં રૂ.૧ લાખ ૩૦ હજાર જ્યારે ચાંદી ઉંચામાં રૂ.૧ લાખ ૭૦ હજાર ઉપર ગઈઃ વૈશ્વિક તેજીનો રેલો ભારતના બજારોમાં પણ આવ્યોઃ સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટસમાં હોલ્ડીંગમાં ઝડપી વૃધ્ધિ

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી તેજીના પંથે ચડતાં ભાવમાં તીવ્ર પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો હતો. 

ઝવેરીબજારોના સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઝડપી ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં લગ્નસરા વચ્ચે સોના- ચાંદીના ભાવમાં ઝડપી તેજી આવતાં બજારમાં આવતી મોસમી માગ પર પણ અસર જોવા મળી હતી. 

વિશ્વબજારમાં સોનાના ભાવ જે  ઘટી ઔંશના તાજેતરમાં ૪૧૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા તે ત્યારબાદ ફરી વધી ૪૧૦૦ ડોલરની સપાટી નવેસરથી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ તાજેતરમાં ૧૦ ગ્રામના આશરે રૂ.૨૫૦૦ ઉછળી ઉંચામાં ભાવ એક તબક્કે રૂ.૧ લાખ ૩૦ હજારની સપાટીને આંબી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ તાજેતરમાં રૂ.૧ લાખ ૫૭ હજારના મથાળેથી સ્પ્રિંગની જેમ ઉછળી ઉંચામાં ભાવ રૂ.૧ લાખ ૬૩ હજારની સપાટી વટાવી ભાવ રૂ.૧ લાખ ૬૩૫૦૦ સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ચાંદીના ભાવ તાજેતરમાં ઝડપી તેજીના માહોલ વચ્ચે ત્રણ દિવસના ટૂંકા ગાળામાં આશરે રૂ.૭૫૦૦ વધી જતાં બજારના ખેલાડીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં તાજેતરમાં સોનાના ભાવ જીએસટી વગર ઉછળી ઉંચામાં રૂ.૧ લાખ ૨૬ હજારના મથાળે પહોંચ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ તાજેતરમાં વધી જીએસટી વગર રૂ.૧ લાખ ૬૨ હજારના સપાટી વટાવી ઉંચામાં ભાવ રૂ.૧ લાખ ૬૨૬૦૦થી ૧ લાખ ૬૨૭૦૦ સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. 

મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ જોકે આ ભાવથી ત્રણ ટકા ઉંચા બોલાઈ રહ્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, દરીયાપારના સમાચાર મુજબ વિશ્વબજારમાં તાજેતરમાં સોનાના ભાવ ઔંશના ૪૦૬૫થી ૪૦૬૬ ડોલરવાળા ઝડપી વધી ઉંચામાં ભાવ ૪૧૦૦ની સપાટી વટાવી ઉંચામાં ભાવ ૪૧૭૦થી ૪૧૭૫ ડોલર સુધી પહોંચી ગયા હતા. 

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૫૦ ડોલર આસપાસની સપાટીથી ઝડપી વધી પ્રથમ તબક્કે ૫૧ ડોલર તથા ત્યારબાદ ૫૨ ડોલર પણ પાર કરી ઉંચામાં ભાવ સડસડાટ ૫૩ ડોલરની સપાટી પણ વટાવી ૫૪ ડોલર નજીક પહોંચી ઉંચામાં ચાંદીના વૈશ્વિક ભાવ ૫૩.૯૦થી ૫૩.૯૫ ડોલર સુધી ઉછળ્યા હતા. 

વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં ટૂંકા ગાળામાં આવી ઝડપી તેજી  લાંબા સમય પછી જોવા મળી હતી અને તેની અસર દેશના ઝવેરીબજારોમાં પણ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના તાજેતરમાં ૧૫૨૦થી ૧૫૨૫ ડોલરવાળી વધી ઉંચકાઈ ઉંચામાં ભાવ ૧૬૦૦ ડોલરની સપાટી કુદાવી ૧૬૪૫થી ૧૬૫૦ ડોલર સુધી પહોંચ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશદીઠ ૧૩૮૦થી ૧૩૮૫ ડોલરવાળા ઉંચામાં ૧૪૦૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૧૪૩૫થી ૧૪૪૦ ડોલર સુધી ક્વોટ થયા હતા.

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સની પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં તાજેતરમાં ઘટયા મથાળે ફંડો ફરી દાખલ થયા હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ જે વધી ૧૦૦ની ઉપર ગયો હતો તે ફરી ઘટી ૧૦૦ની અંદર ઉતર્યાના વાવડ મળ્યા હતા. 

અમેરિકામાં જોબમાર્કેટ તથા રિટેલ સેલ અને કન્ઝયુમર કોન્ફીડન્સના આંકડા અપેક્ષાથી નબળા આવતાં ત્યાં હવે ડિસેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવી શક્યતા વધતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ફરી દબાણ હેઠળ જોવા મળ્યો હતો. આના પગલે વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળતાં ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમ ઉપરાંત ક્રૂડતેલના ભાવ પણ વધી આવ્યા હતા. 

જોકે રશિયા તથા યુક્રેન વચ્ચે યુધ્ધ વિરામની વાતો ઉપરાંત ઓપેકની મિટિંગ પર બજાર વચ્ચે ક્રૂડતેલના ભાવમાં તેજી ધીમી રહી હતી. બ્રેન્ટક્રૂડના ભાવ વધી બેરલના ઉંચામાં ૬૩ ડોલર ઉપર ગયા હતા. 

અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૯ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલીયમ ઈન્સ્ટીટયુટે જણાવતાં તેજીને સપોર્ટ મળ્યો હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા.

 દરમિયાન, સિલ્વર એક્સચેન્જ ટ્રેડ પ્રોડકટસ (ઈટીપીઝ)માં ભારતીય રોકાણકારોનું હોલ્ડીંગ ૨૦૨૨ પછીના ગાળામાં વાર્ષિક ધોરણે સરેરાશ ૨૦૦ ટકા વધતું જોવા મળ્યું હોવાનું ન્યુયોર્ક સ્થિત સિલ્વર ઈન્સ્ટીટયુટના સૂત્રોએ જણાવ્યું હતું. આવું હોલ્ડીંગ ૨૦૨૨ પછીના ગાળામાં આશરે ૧૭થી ૧૮ ગણું વધી ગયું છે.

 ૨૦૨૪ના અંત પછી આવા હોલ્ડીંગની વૃધ્ધિમાં વિશેષ ગતી આવતાં સિલ્વર હોલ્ડીંગ ઝડપી ૫૦થી ૫૧ ટકા વધી ૫૮૦ લાખ ઔંશ (આશરે ૧૮૦૦ ટન) સુધી પહોંચ્યું હોવાના વાવડ મળ્યા હતા. સિલ્વરમાં ફિઝીકલ ઈન્વેસ્ટમેન્ટમાં ભારતનું સ્થાન વધી હવે વૈશ્વિક સ્તરે બીજા ક્રમાંકે આવી ગયું છે. પ્રથમ નંબરે અમેરિકા રહ્યું છે. અમેરિકા તથા ભારત પછી જર્મની તથા ઓસ્ટ્રેલીયાનો નંબર આ સંદર્ભમાં આવે છે.