- એન્ટેના - વિવેક મહેતા
- રેડીમેડ ગારમેન્ટ, કોસ્મેટિક્સની મેન્યુફેક્ચરર્સની ક્વોલિટીને જોતાં આયાત અટકાવાશે તો સ્થાનિક ઉદ્યોગો વધુ વિકસશે
આત્મ નિર્ભર ભારતને તથા સ્વદેશી ઉદ્યોગને વેગ આપવા માટે ભારતમાં બનતી વસ્તુઓની આયાત સીમિત કરી દેવાના પગલાં ભારત સરકારે લેવા જોઈએ. ભારત જે વસ્તુઓના ઉત્પાદનની ક્વોલિટીમાં અને ભાવમાં હરીફાઈ કરી શકે તેમ હોય તે પ્રોડક્ટ્સની આયાત સીમિત કરી દેવી જોઈએ. તેનાથી સ્વદેશી પ્રોડક્ટ્સને પ્રોત્સાહન મળશે. સ્થાનિક સ્તરે રોજગારી નિર્માણ થશે અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળશે. નાના અને મધ્યમ ઉદ્યોગોના કામકાજને પણ વેગ મળશે.
ભારતમાં તૈયાર વસ્ત્રો, કોસ્મેટિક્સ-સૌંદર્યપ્રસાધનો, જોડાં, સ્ટેશનરી, પેન, ચશ્મા અને રમકડાંની દેશના મેન્યુફેક્ચરર્સની ક્વોલિટીને જોતાં અન્ય દેશમાંથી તેની થતી આયાત પર રોક લગાવી દેવી જોઈએ. તેમાંની ઘણી વસ્તુઓ ભારતના જ નાના અને મધ્યમ ઉદ્યોગો તૈયાર કરી રહ્યા છે. કુટિર ઉદ્યોગના એકમો તૈયાર કરી રહ્યા છે. તેમ જ અન્ય ભારતીય ઔદ્યોગિક એકમો પણ તેનું ઉત્પાદન કરી રહ્યા છે.
ભારતમાં બનતા ઉત્પાદનોને સામે વિદેશી પ્રોડક્ટ્સ આવતા હોવાથી સ્થાનિક ઉત્પાદકોના પ્રોડક્ટ્સ બજાર ગુમાવી દે છે. ક્વોલિટી કરતાંય વિદેશી પ્રોડક્ટ્સ માટેના સ્થાનિક લોકોના ક્રેઝને કારણે ભારતીય ઉત્પાદનોના બજાર તૂટી જાય છે. આ પરિસ્થિતને બદલવા માટે સરકારે આયાતને નિયંત્રિત કરતી નીતિ તૈયાર કરવી જોઈએ. ભારત પાસે પૂરતી ઉત્પાદન ક્ષમતા હોય અને ક્વોલિટી પ્રોડક્ટ્સ તૈયાર થતાં હોય તેવા કિસ્સાઓણાં રક્ષણાત્મક નીતિ અપનાવવી જરૂરી છે. આ કેટેગરીમાં આવતા પ્રોડક્ટ્સની આયાત માટેના લાઈસન્સ ધીમે ધીમે કેન્સલ કરી દઈને તેની આયાતને સીમિત કરવી જોઈએ.
વિદેશના નિકાસકારોની ક્વોલિટી સામે હરીફાઈ કરી શકાય તે માટે રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા નક્કી કરી આપતી સસ્થા ઊભી કરવી જોઈએ. તેની મદદથી સ્થાનિક ઉત્પાદકો પ્રોડક્ટ્સની ક્વોલિટી અને ડિઝાઈનમાં સુધારો કરી શકવા જોઈએ. તેમ જ પેકેજિંગમાં પણ સુધારા કરવા માટે સૂચનો કરી શકે છે. જોકે અત્યારે બીઆઈએસ અને ક્યૂસીઆઈ સક્રિય છે જ. છતાં આપણા દેશમાં તૈયાર થતાં ઉત્પાદનો માટે અલગથી સ્વદેશી માટે માર્કો તૈયાર કરવો જોઈએ.
સ્થાનિક સ્તરના ક્વોલિટી ઉત્પાદકોને નાણાંકીય પ્રોત્સાહન આપવા જરૂરી છે. તેમ જ તેમને ટ્રેડ ફેરમાં ભાગ લેવા જવા માટે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમના પ્રોડક્ટ્સને ઓએનડીસી અને જેઈએમના ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રમોટ પણ કરવા જોઈએ. તેની સાથે બાય ઇન્ડિયન અને બિલ્ડ ઇન્ડિયાનો કેમ્પેઈન પણ ચાલુ કરવો જોઈએ. દેશના નાગરિકોને દેશના જ ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પ્રેરવા જોઈએ.
સરકાર તરફથી પ્રસ્તુત પગલાં લેવામાં આવશે તો તેને પરિણામે સ્થાનિક સ્તરે ઉત્પાદન વધશે. આયાત પરની નિર્ભરતા ઘટશે. ભારતીય ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થશે. સ્વદેશી ઉત્પાદનોમાંનો ગ્રાહકોનો વિશ્વાસ બુલંદ બનશે. તેમ જ આત્મનિર્ભર ભારતનો વિચાર સાકાર થશે.


