Get The App

હવે ચાંદી મોર્ટગેજ મૂકીને લોન મળે તેવી રિઝર્વ બેંકની વ્યવસ્થા

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
હવે ચાંદી મોર્ટગેજ મૂકીને લોન મળે તેવી રિઝર્વ બેંકની વ્યવસ્થા 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- અત્યાર સુધી સોનાના દાગીના ગિરો મૂકીને લોન લેનારાઓ પહેલી એપ્રિલ પછી ચાંદીના દાગીના ગિરો મૂકી લોન મેળવી શકશે

બેન્ક ધિરાણના બિઝનેસમાં છે. પરંતુ ધિરાણ આપતી વખતે ગમે તેટલી કાળજી રાખવામાં આવે તેમ છતાંય કેટલાક ધિરાણો ફસાયેલી મૂડીમાં રૂપાંતરિત થઈ જાય છે. મોટા ધિરાણ લેનારાઓની ફાઈલ ચેક કરવામાં તકેદારી ન રાખનારા બેન્ક અધિકારીઓ નાના નાના ધિરાણ લેનારાઓ પૈસા ભરવાની જ માનસિકતા ન ધરાવતા હોય તે રીતે વાત કરે છે. તેની સામે કરોડોની લોન લઈને ન ભરવાની માનસિકતા ધરાવનારાઓને બેન્ક અધિકારીઓ સલામ ઠોકતા હોવાનું જોવા મળે છે. તેમ છતાંય રિઝર્વ બેન્ક નાના માણસોને જોઈએ ત્યારે ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થા કરવા સક્રિય છે. અત્યાર સુધી સોનું ગિરો મૂકીને ધિરાણ આપવામાં આવતું હતું, હવે ચાંદી ગિરો મૂકીને એટલે કે ચાંદી સામે ધિરાણ આપવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી રહી છે.આ સાથે જ રિઝર્વ બેન્કે સુરક્ષિત લોનની પહોંચ વધારવાની દિશામાં એક મોટું પગલું લીધું છે. ભારતીય રિઝર્વ બેંકે ચાંદી સામે લોન માટે વ્યાપક દિશા-નિર્દેશ જારી કરી દીધા છે. લોન કોલેટરલ નિયમોમાં સોનાની સાથે ચાંદીનો પણ ઔપચારિક રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયો સોના અને ચાંદી સામે લોન આપવાની જાહેરાત કરતાં પરિપત્ર કરી દીધો છે. તેનો અમલ પહેલી એપ્રિલ, ૨૦૨૬ થી અમલમાં આવશે.

નવા માળખા હેઠળ, કોમર્શિયલ-વાણિજ્યિક બેન્કો તથા સહકારી બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ચાંદીના દાગીના અને સિક્કા સામે લોન આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે નિયમનકારી ચિંતાઓને કારણે ચાંદીના દાગીના અથવા સોના અને ચાંદી દ્વારા સમથત નાણાકીય સાધનો પર ધિરાણ આપવામાં આવશે.

ચાંદી પર ધિરાણ લેનારાઓ લોન મેળવવા માટે ૧૦ કિલો ચાંદીના દાગીના અને ૫૦૦ ગ્રામ ચાંદીના સિક્કા સુધી ગીરવે મૂકી શકશે. સોના માટે, દાગીના માટે મર્યાદા ૧ કિલાની છે. તેમ જ સોનાના સિક્કા માટે ૫૦ ગ્રામની મર્યાદા મૂકવામાં આવેલી છે. રિઝર્વ બેન્કે સોના અને ચાંદીની લોન માટે લોન-ટુ-વેલ્યુનો રેશિયો પણ નક્કી કરી દીધો છે. અઢી લાખ સુધીની ચાંદી પર લોન લેનારને ચાંદીના મૂલ્ય પર ૮૫ ટકા, ૨.૫ લાખથી વધુ અને ૫ લાખ સુધીની રકમની લોન ચાંદી પર લેનારને તેણે જમા આપોલી ચાંદીના મૂલ્યના ૮૦ટકા જેટલી લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ જ રીતે રુ. ૫ લાખથી વધુની લોન ચાંદી ગિરો મૂકીને લેનારને ચાંદીના મૂલ્યના ૭૫ ટકા જેટલી લોન આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

લોન લેનારાઓએ ઓડિટ દરમિયાન હાજર રહેવું પડશે.ચાંદી પર લોન લેનરાઓને તેમની પસંદગીની અથવા સ્થાનિક ભાષામાં લોન દસ્તાવેજો તૈયાર કરી આપવાના રહેશે. લોનની રકમ સામે પૂરતું કોલેટરલ મળી રહે તે રીતે ચાંદી પર લોન આપવામાં આવશે. 

તેનું સંચાલન ફક્ત બેન્કના અધિકૃત કર્મચારીઓ જ કરી શકશે.  આશ્ચર્યજનક ઓડિટ અને નિયમિત ચકાસણી ફરજિયાત છે. ચાંદી પર લીધેલી લોન ચૂકવી દેવામાં આવે તેના સાત જ દિવસની અંતર લોન લેનારે ગિરો મૂકેલી ચાાંદી તેને પરત મળી જવી જોઈએ. તેમાં વિલંબ કરનાર બેન્કને દિવસના રૂા. ૫૦૦૦નો દંડ કરવામાં આવશે.