Get The App

આરોગ્ય વીમા ખરીદીમાં 38 ટકાનો ઊછાળો

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
આરોગ્ય વીમા ખરીદીમાં 38 ટકાનો ઊછાળો 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- નાના શહેરોમાં વીમો ધરાવનારાઓની સંખ્યા 44.1 ટકાથી વધીને 48.6 ટકા 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ફેરફારોએ સિનિયર સિટીઝન્સની આરોગ્યા સલામતીમાં વધારો કર્યો છે. આરોગ્ય વીમો લેવા ઘણાં માટે કઠિન બની ગયો હતો. કારણ કે આરોગ્ય વીમાના પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી લાગતો હતો. તાજેતરમાં આવેલા અહેવાલ મુજબ ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૫ના આરોગ્ય વીમાના પ્રીમિયમની નાબૂદીને પરિણામે આરોગ્ય વીમો લેનારાઓની સંખ્યામાં ૩૮ ટકાનો વધારો આવ્યો છે.

૨૨મી ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવેલા આંકડાં મુજબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નાબૂદ થયા પછી હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદનારા કુલ લોકોમાંથી ૪૫ ટકા લોકો હવે રૂ. ૧૫ લાખથી રૂ. ૨૫ લાખ વચ્ચેનું કવરેજ પસંદ કરતાં થયા છે. પહેલા તેઓ રૂ. ૧૫ લાખથી ઓછો આરોગ્ય વીમો લેવાનું પસંદ કરતાં હતા. બીજીતરફ ૨૪ ટકા લોકો રૂ. ૧૦થી ૧૫ લાખનું કવરેજ લેવાનું પસંદ કરતાં થયા છે. જોકે માત્ર ૧૮ ટકા લોકો હજુ પણ રૂ. ૧૦ લાખથી ઓછું કવરેજ રાખી રહ્યા છે. આમ સરેરાશ હેલ્થ કવરેજ હવે રૂ.૧૩ લાખથી વધીને રૂ. ૧૮ લાખ થયું છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં વીમા લેનારા વધ્યા છે તેવું નથી. દેશભરના નાના શહેરો અને ગામોમાં પણ આરોગ્ય વીમો લેનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મેટ્રો શહેરથી નાના શહેરોમાં પણ રૂ. ૧૫થી ૨૫ લાખનો વીમો ધરાવનારાઓની સંખ્યા ૪૪.૧ ટકાથી વધીને ૪૮.૬ ટકા થયો છે. ઓછા મૂલ્યની પોલીસી લેનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા ૨૪ ટકાથી વધુ આરોગ્ય વીમા ધારકો ઓછા મૂલ્યની આરોગ્ય વીમા પોલીસી લેતા હતા. હવે ૧૬.૧ ટકા લોકો ઓછા મૂલ્યની પોલીસીને બદલે વધુ મૂલ્યની પોલીસી લેતા થયા છે. આરોગ્ય વીમો લેનારા ૬૧ વર્ષથી વધુ વયના ગ્રાહકોમાં પણ ૧૧.૫ ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાંઓ દર્શાવે છે કે પ્રીમિયમ પરનો ટેક્સનો બોજ ઓછો થતાં સિનિયર સિટીઝન્સમાં આરોગ્ય વિશે જાગૃતિ વધી રહી છે. ૩૬થી ૪૫ વર્ષની વયના વર્ગમાં ૩૯ ટકા અને ૪૬થી ૬૦ વર્ષની ઉંમરવર્ગમાં ૩૮ ટકા લોકોએ વધુ કવરેજવાળી પોલિસી અપગ્રેડ કરી છે.

જી.એસ.ટી. મુક્તિ પછી પહેલા દિવસથી જ વ્યક્તિને થયેલા રોગની બીમારીનું કવરેજ મળે તેવી પોલીસી લેનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે. તેમ જ જૂની પોલીસીના પ્રીમિયમમાં ઉમેરો કરીને વધુ કવરેજ આપતી ઊંચા મૂલ્યની પોલીસી પણ તેઓ લેવા માંડયા છે. તેમ જ ક્રિટીકલ ઇલનેસ એટલે કે ગંભીર માંદગીના કવરેજ લેનારાઓની સંખ્યામાં પણ ૨૦ ટકાનો વધારો થઈ ગયો છે. આરોગ્યની જૂની પોલીસીને રિન્યુ કરાવનારા વધુ સારા કવરેજવાળી પોલીસી લેનારાઓની સંખ્યામાં પણ ૫૦ ટકાનો વધારો થઈ ગયો છે. તેની સાથે સાથે જ એક કરતાં વધુ વર્ષ માટેનો આરોગ્ય વીમો આપવાની માગ પણ વધી રહી છે. પરિણામે આરોગ્ય વીમાને લાંબા ગાળાની સુરક્ષા તરીકે જોનારાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.