Get The App

આવકવેરાના રિફંડની સ્થિતિનો અંદાજ મેળવવા ટ્રેકર સિસ્ટમ શરૂ કરો

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
આવકવેરાના રિફંડની સ્થિતિનો અંદાજ મેળવવા ટ્રેકર સિસ્ટમ શરૂ કરો 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- ટ્રેકરની મદદથી કરદાતાને અંદાજ મળશે કે તેના રિટર્નનું સ્ટેટસ અને રિફંડ કેટલે પહોંચ્યું છે 

આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યા પછી રિફંડ ક્યારે મળશે તેનો ઓનલાઈન અંદાજ મળી રહે તે માટે રિફંડ ટ્રેકરની સિસ્ટમ ચાલુ કરવાની માગણી કરવામાં આવી છે. રિફંડ ટ્રેકરને કારણે આવકવેરાના રિફંડની પ્રક્રિયાનો દરેક રિટર્ન ફાઈલ કરનારને અંદાજ મળશે. તેનું રિફંડ ક્યાં પહોંચ્યું છે તેનો ખ્યાલ જે તે કરદાતાને મળી જશે.પરિણામે આવકવેરાના રિફંડની સમગ્ર પ્રક્રિયા પારદર્શક બની જશે.

આવકવેરા ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ વિગતો મુજબ નવેમ્બર ૨૬ ૨૦૨૫ સુધીમાં કૂલ મળીને ૮.૨૧ કરોડ રિટર્ન ફાઈલ થયેલા છે. તેમાંથી ૮.૧ કરોડ રિટર્નની ચકાસણી થઈ ગઈ છે. પરંતુ માત્ર ૬.૯૮ કરોડ રિટર્નને પ્રોસેસ કરવામાં આવેલા છે. હજી ૧.૧૧ કરોડ કરદાતાઓ તેમના આવકવેરાના રિટર્નનું શું થયું તે જાણતા નથી. પરિણામે તેમના રિફંડનું સ્ટેસ શું છે તેનો અંદાજ પણ તેમને નથી. તેથી જ આગામી બજેટમાં રિફંડ ટ્રેકરની જોગવાઈ કરવાનો નિર્ણય લેવાની માગણી મૂકવામાં આવી છે. ભારત સરકારે આવકવેરાની વેબસાઈટના ડેશબોર્ડ પર રિયલ ટાઈમ રિફંડ ટ્રેકર મૂકવું જોઈએ.

કરદાતાઓને રિફંડ મેળવવામાં ઘણી તકલીફ પડી રહી છે. રિફંડના નાણાં ક્યારે આવશે તેનો અંદાજ કરદાતાને મળતો નથી. તેથી તે સતત તેના બેન્ક એકાઉન્ટમાં આવકવેરાનું રિફંડ આવ્યું કે નહિ તેની તપાસ કરતો રહે છે. તેમ જ તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પછી ટેક્સ કન્સલ્ટન્ટને રિફંડની સતત પૂછપરછ કરતો રહે છે. પગારદાર કર્મચારીઓ કે પછી નાના વેપારીઓ કાગડોળે આવકવેરાના રિફંડની રાહ જોતાં રહે છે. સિનિયર સિટીઝન્સ પણ તેમની વ્યાજની આવકમાંથી કપાઈ ગયેલા ટીડીએસના નાણાંનું રિફંડ આવવાની કાગડોળે રાહ જોતાં હોય છે. આમ રિફંડ મેળવવા માટે તેમણે દિવસોના દિવસો કે પછી મહિનાઓ સુધી રાહ જોવી પડે છે.

જોકે આવકવેરાનું જે તે વર્ષનું રિટર્ન ક્યારે ફાઈલ કર્યું તેના પર પણ રિફંડ મળવાની શક્યતા રહેલી છે. આવકવેરાના કયા ફોર્મમાં કરદાતાએ રિટર્ન ફાઈલ કર્યું છે તેના પર પણ રિફંડનો આધાર રહેલો છે. રિફંડની રકમ કેટલી છે તેના પર પણ તે રિફંડ ક્યારે છૂટશે તેનો આધાર રહેલો છે. અલબત્ત કરદાતાઓને સમયસર રિફંડ મળે તે માટેના પ્રયાસો સરકાર છેલ્લા થોડા વર્ષથી કરી રહી છે. છતાંય વિલંબ તો થઈ જ રહ્યો છે.

આ ગાળામાં ખરેખર શું થઈ રહ્યું છે તેનો લેશમાત્ર અંદાજ કરદાતાને હોતો જ નથી. સ્પીડ પોસ્ટમાં જેમ પાર્સલને ટ્રેક કરી શકાય તે રીતે જ આવકવેરાના રિટર્નનું સ્ટેટસ જાણી શકાય અને તેને આધારે રિફંડ ક્યારે મળશે તેનો અંદાજ મેળવી શકાય તેવી વ્યવસ્થા હોવી જરૂરી છે.

આ ટ્રેકર પર કરદાતાને જાણવા મળવું જોઈએ કે તેના રિટર્નની આકારણી થઈ ચૂકી છે. તેનું રિફંડ પ્રોસેસમાં છે. તેમ જ રિફંડની રકમ અંગેની ચકાસણી ચાલી રહી છે. તેમ જ રિફંડની રકમ બેન્કમાં મોકલી દેવામાં આવી છે. આ ત્રણમાંથી એક પણ સ્થિતિ ન હોય અને તેમનું રિફંડ હોલ્ડ પર રાખવામાં આવ્યું હોય તો તેની જાણકારી પણ કરદાતાને મળી જવી જોઈએ. આ પ્રકારના મેસેજ મળવા જોઈએ.