Get The App

AI ટેકનોલોજી પાછળ કંપનીઓની દોડ બબલમાં પરિવર્તીત થવાનો શરૂ થયેલો ગણગણાટ

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
AI ટેકનોલોજી પાછળ કંપનીઓની દોડ બબલમાં પરિવર્તીત થવાનો શરૂ થયેલો ગણગણાટ 1 - image

- AI કોર્નર

- ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા કંપનીઓ હાલમાં જંગી ભંડોળ ઠાલવી રહી છે.

વર્તમાન સદીના પ્રારંભમાં વૈશ્વિક સ્તરે ટેલિકોમ સાધનના ઉત્પાદકો ઈન્ટરનેટ ક્રાંતિના લાભકર્તા બની ગયા હતા. આ ઉત્પાદકોના રોકાણકારો આવકમાં વધારો માગી રહ્યા હતા ત્યારે આ ઉત્પાદકોએ પોતાના જ ગ્રાહકો એટલે કે ટેલિકોમ ઓપરેટરોને ફાઈનાન્સિંગ કરવાનું શરૂ કર્યું હતું, જેથી આ ટેલિકોમ ઓપરેટરો સદર ઉત્પાદકો પાસેથી જ ટેલિકોમ સાધનો ખરીદવાનું ચાલુ રાખે. તે વેળાએ કાગળ પર બધુ જ સારુ જણાતુ હતું. વેચાણ વધી રહ્યું હતું. નેટવર્ક વિસ્તરી રહ્યા હતા અને ઈન્ટરનેટ પ્રોવાઈડરો માટે ભાવિ ઉજળુ જણાતું હતું. હકીકતમાં એકની એક મૂડીનું રિસાઈકલિંગ થઈ રહ્યું હતું અને  છેવટે તે ૨૦૦૦ના દાયકામાં  ડોટ.કોમ બબલમાં પરિવર્તીત થયું હતું જેને બજારના ખેલાડીઓ કદાચ હજુ પણ ભૂલ્યા નહીં હોય.

આવી જ સ્થિતિ કંઈક હાલમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રની તથા તેને સંબંધિત કંપનીઓમાં જોવા મળી રહી છે. ભારત સહિત વિશ્વભરના ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ હાલમાં નબળો જોવા મળી રહ્યો છે. ઊંચી સ્પર્ધા અને વ્યાપક મૂડીની આવશ્યકતાને કારણે ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ   માટે કઠીન દિવસો ચાલી રહ્યાનું નિષ્ણાતો માની રહ્યા છે. હાલની એઆઈ તેજીના પરિણામો ડોટકોમ યુગના પરિણામો કરતા પણ ખતરનાક હશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. એઆઈ ક્ષેત્રનું કદ   ઘણું જ ઊંચુ છે. એઆઈની તેજી બાબતે રોકાણકારોને ભૂલભરેલી સલાહો પણ આપવામાં આવી રહી છે. એઆઈ પાછળ કરાતા મૂડીખર્ચ એડવર્ટાઈઝિંગની આવક મારફત ભરપાઈ થઈ રહી છે. એડવર્ટાઈઝિંગનો વેપાર સામાન્ય રીતે સાયકલિકલ પ્રકારનો હોય છે. નિષ્ણાતોની વાત માનીએ તો, એઆઈમાં જંગી મૂડીખર્ચ પરનું વળતર આવનારા દિવસોમાં તબક્કાવાર ઘટતું જવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે અને તે પણ એક-બે કંપની પૂરતુ જ નહીં પરંતુ સંપૂર્ણ ક્ષેત્રમાં આ સ્થિતિ જોવા મળી શકે છે. ડેટા સેન્ટર પાછળના હાલના ખર્ચ   અને જંગી ખર્ચ કરતી એઆઈ સ્ટાર્ટઅપ્સ ધબાઈ નમઃ થઈ જાય તો નવાઈ નહીં તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી રહી છે. 

૨૦૦૦ના દાયકાના પ્રારંભમાં ડોટ.કોમ અને ફાઈબર-ઓપ્ટિક ફિઆસ્કો ઈન્ટરનેટ વેપારને કારણે નહીં પરંતુ કમાણીની સરખામણીએ અપેક્ષાઓ વધુ રહેતા થયો હતો. આવી જ સ્થિતિ આજે એઆઈ ક્ષેત્રમાં જોવા મળી રહી હોવાનું આ ક્ષેત્રના અન્ય એક નિષ્ણાતે મત વ્યકત કર્યો હતો. એઆઈ ક્ષેત્રની કંપનીઓ હાલમાં ઓવરવેલ્યુડ હોવાનું જણાવાઈ રહ્યું છે. 

જનરેટિવ એઆઈ સંબંધિત મૂડીખર્ચમાં જંગી વધારાને લઈને અનેક સ્તરેથી પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે અને આ ખર્ચ પ્રમાણે વળતર પ્રાપ્ત થશે કે કેમ તેવી શંકા કરવામાં આવી રહી છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે, અમેરિકામાં ઈનફરમેશન પ્રોસેસિંગ ઈક્વિપમેન્ટ અને સોફટવેરમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટ બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીના ૪.૪૦ ટકા રહ્યું હતું, જે ૨૦૦૦ની સાલમાં થયેલા ૪.૬૦ ટકાથી સહેજ ઓછું છે. જો કે આ ખર્ચમાં એવા ખર્ચનો પણ સમાવેશ થાય છે જેને એઆઈ સાથે સીધો સંબંધ નથી. ૨૦૨૫ની સાલમાં એઆઈ ડેટા સેન્ટર પાછળનું ઈન્વેસ્ટમેન્ટ ૩૮૭ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણાં રાખવામાં આવી રહી છે જે ૨૦૨૩ની સરખામણીએ ૦.૩ ટકા અને ૨૦૨૪ની સરખામણીએ ૦.૮૦ ટકા વધુ છે. અમેરિકાની ટોચની ટેક કંપનીઓ મૂડીખર્ચ પાછળ અબજો ડોલરનો ખર્ચ કરી રહી છે. 

ટેકનોલોજી કંપનીઓના મૂલ્યાંકનમાં તાજેતરના સમયમાં જોવા મળી રહેલા ઉછાળા એઆઈને આભારી છે. એઆઈની શોધ કોની માટે પોઝિટિવ અને કોની માટે નેગેટિવ છે એ તો  ભવિષ્યમાં જ જાણી શકાશે પરંતુ હાલમાં તો તે ટેકનોલોજી કંપનીઓ માટે પોઝિટિવ સાબિત થઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે એક અબજ ડોલરથી ૫૦ અબજ ડોલરના મૂલ્યાંકન સાથેની અને એઆઈ સાથે સંકળાયેલી ૧૦ સ્ટાર્ટઅપ્સે ૧૦ અબજ ડોલરનું ભંડોળ ઊભુ કરવામાં નજીકના ભૂતકાળમાં સફળતા મેળવી હતી. આ સ્ટાર્ટઅપ્સને કારણે પરંપરાગત ટેક ઉદ્યોગો સામે સ્પર્ધા ઊભી થઈ છે. 

 ભારત સહિત વિશ્વભરમાં એઆઈ ટેકનોલોજીને લોન્ચ કરવા અને ઊભરી રહેલી નવી તકને ઝડપી લેવા મોટી ટેક કંપનીઓ વચ્ચે  મોટી સ્પર્ધા  ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ટેક કંપનીઓ જેમ કે માઈક્રોસોફટ, ગુગલ, એમેઝોન વગેરે ભારત જેવા વિશાળ દેશમાં માર્કેટ શેર હસ્તગત  કરવા એઆઈ સોલ્યુસન્સ અથવા ટુલ્સ લોન્ચ કરવા યોજના ધરાવે છે. હાલમાં જ આવેલા એક અહેવાલ પ્રમાણે ગુગલ ભારતમાં વિશ્વનું સૌથી મોટું એઆઈ હબ બનાવવા રૂપિયા ૧.૩૩ લાખ કરોડનું રોકાણ કરવા યોજના ધરાવે છે. એઆઈની બુમનો લાભ ઉઠાવવા એમેઝોને પણ દેશમાં નવા રોકાણ કરવાની જાહેરાત કરી છે. 

ટેક કંપનીઓ  ઉપરાંત  સ્ટાર્ટઅપ્સ દ્વારા ભારતમાં  પગદંડો  જમાવવા ચાલતી હરિફાઈને જોતા વિશ્વમાં ભારત એઆઈ ટેકનોલોજી ક્ષેત્ર માટે આકર્ષક મથક બની રહેવાની શકયતા જોવાઈ રહી છે. ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોની હાજરી તથા વિવિધ ક્ષેત્રો દ્વારા એઆઈ સંચાલિત સોલ્યુશન્સ માટે વધતી માગને કારણે  ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. પોતાના કલાયન્ટસને એઆઈ સોલ્યુશન્સ પૂરા પાડવા કંપનીઓ ભારતમાં જંગી ઈન્વેસ્ટમેન્ટ કરી રહી છે. 

એઆઈ ટેકનોલોજી પૂરી પાડનારી  કંપનીઓ વચ્ચે સ્પર્ધા મુખ્યત્વે  ચેટબોટસ અને નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ, વર્ચ્યુલ આસિસ્ટન્ટસ,  શિક્ષણ અને આરોગ્યસંભાળ સોલ્યુશન્સ   સહિતના સેગમેન્ટમાં જોવા મળી રહી છે. સમાજમાં પરિવર્તન લાવવાની એઆઈની ક્ષમતા સામે શંકા થઈ નથી રહી પરંતુ આ પરિવર્તન માટે જરૂરી ભંડોળની ખેંચ અને  બિનતંદૂરસ્ત સ્પર્ધા એઆઈ ટેકનોલોજી કંપનીઓ માટે પડકારરૂપ બનતા વાર નહીં લાગે તેવો પણ મત પ્રવર્તી રહ્યો છે.