Get The App

AI ના વપરાશથી બેન્કોની કાર્યક્ષમતા વધશે પરંતુ ખાતેદારોની પ્રાઈવસી ખૂલ્લી પડવાનું જોખમ

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
AI ના વપરાશથી બેન્કોની કાર્યક્ષમતા વધશે પરંતુ ખાતેદારોની પ્રાઈવસી ખૂલ્લી પડવાનું જોખમ 1 - image

- AI કોર્નર

- નવી ટેકનોલોજી દ્વારા પૂરા પડાતા પરિણામોની યોગ્યતા ચકાસવા પારદર્શી યંત્રણા પર ભાર

ફ્રેમવર્ક ફોર રિસ્પોન્સિબલ એન્ડ એથિકલ એનેબલમેન્ટ ઓફ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (ફ્રી-એઆઈ) કમિટિના રિપોર્ટમાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં  એઆઈનો  ઉપયોગ વધારવા  અને નિયમન કરવા એક માળખુ પૂરુ પાડીને દેશના બેન્કિંગ ક્ષેત્રની કામગીરીની  પદ્ધતિમાં  નવા યુગની છડી પુકારી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં એઆઈને કારણે ઊભી થઈ રહેલી તકો પર પ્રકાશ પડાયો છે એટલું જ નહીં પણ દેશની બેન્કો તથા નાણાં સંસ્થાઓ સામે એઆઈને કારણે ઊભા થઈ રહેલા પડકારો તથા જવાબદારીઓની પણ માહિતી પૂરી પાડવાનો પ્રયાસ કરાયો છે. તૈયાર કરાયેલી માર્ગદર્શિકામાં બેન્કિંગ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ કરવા માટે મજબૂત દેખરેખ, સ્પષ્ટ જવાબદારી, નીતિની રચના, જોખમ સંચાલન તથા નીતિમતા  પર ભાર આપવામાં આવ્યો છે. એઆઈના પરિણામોમાં યોગ્યતા તથા વૈવિધ્યતાની ખાતરી રાખવાની યંત્રણા બેસાડવા પર પણ રિપોર્ટમાં ભાર અપાયો છે. સર્વસમાવિષ્ટતાની ખાતરી રહે માટે એલ્ગોરિધમ પૂર્વગ્રહને સક્રિયપણે ટાળવા, તેની નોંધ અને નિરીક્ષણ કરવા બેન્કો પાસે અપેક્ષા રાખવામાં આવી છે. 

આ માર્ગદર્શિકા મારફત બેન્કોને એઆઈનો વપરાશ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરાયો છે. જેથી બેન્કિંગ કામકાજમાં સરળતા લાવી શકાય, ગ્રાહકોના જોડાણમાં વધારો થઈ શકે અને જોખમ સંચાલનને બેન્કો મજબૂત બનાવી શકે. બેન્કો માટેના એઆઈ ટુલ્સ અથવા મોડેલ્સ લોન અરજીને ઝડપથી આગળ વધારી શકે છે અને નિયમનકારી ફરજપાલનને પણ  પાર પાડે છે. સદર માર્ગદર્શિકા બેન્કિંગ કામગીરીમાં નવી દિશા દર્શાવી રહી છે પરંતુ બેન્ક કામકાજમાં કેટલાક મુદ્દા પર સ્પષ્ટતા થવી જરૂરી હોવાનું નાણાંકીય ક્ષેત્રના આગેવાનો માની રહ્યા છે. 

જે બેન્કો દ્વારા એઆઈનો ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યાં આગળ સંબંધિત બેન્ક અને એઆઈ વેન્ડર્સ અથવા કંપની વચ્ચે જવાબદારી નિશ્ચિત કરવામાં આવતી નહીં હોવાનું જોવા મળે છે. આધારરૂપ મજબૂત કોન્ટ્રેકટસની ગેરહાજરી અને નજરચૂકને  પરિણામે ઊભા થનારા વિવાદોનો ઉકેલ લાવવાનું મુશકેલ બની શકે છે એટલું જ નહીં બેન્કો પણ એઆઈના વપરાશમાં મર્યાદા રાખવાનું સલામત માનશે. એઆઈના વપરાશમાં મડાગાંઠને ટાળવી હશે તો બેન્કો અને વેન્ડરો માટે જવાબદારી નિશ્ચિત થાય તે આવશ્યક હોવાનું પણ નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે. આ માટે નિયામકો, બેન્કો અને વેન્ડરો વચ્ચે કરારમાં સહકારભર્યા અભિગમની આવશ્યકતા રહે છે. કોઈપણ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગમાં સફળતા ત્યારે જ મળી શકે છે જ્યારે વિશ્વસ્નિય અને ઊંચી ગુણવત્તાના ડેટા ઉપલબ્ધ હોય છે. પૂરતી માત્રાના ડેટાના અભાવે  બેન્કિંગ ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ અધૂરો રહે છે.  આ ઉપરાંત સતત અપગ્રેડિંગ વ્યવસ્થા પણ એઆઈના વપરાશમાં વધારા માટે આવશ્યક છે.

બેન્કિંગ કામકાજ માં એઆઈના ઉપયોગના લાભોની સાથોસાથ કેટલાક જોખમો પણ જોડાયેલા છે.  એઆઈના વપરાશમાં  સૌથી  મોટો પડકાર સાઈબરસિક્યુરિટી સંદર્ભના ે રહેલો  છે.  આ ઉપરાંત ઓટોમેટેડ ડિસિસન મેકિંગ પ્રક્રિયામાં પારદર્શીતાનો અભાવ રહેતો હોય છે. ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોની વાત માનીએ તો એઆઈના ડેવલપરો આ બાબતે કેટલીક મર્યાદાઓ ધરાવતા હોય છે. બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને લોનના વહીવટમાં  એઆઈના ઉપયોગ દરમિયાન કોઈપણ ભૂલના કિસ્સામાં જવાબદારી એક વિવાદ બની રહે છે. સ્વતંત્ર  કામ કરવાની એઆઈની પ્રકૃત્તિને જોતા કોઈપણ ભૂલના કિસ્સામાં જવાબદારી નિશ્ચિત કરવાનું જટિલ બની શકે છે. સિવાય કે નિયમનકારી માળખા તૈયાર કરાયા હશે તો.  

એઆઈ ટેકનોલોજી પર સીધી રીતે નિયમન કરતો હોય તેવો કોઈ સખત કાયદો  આપણા દેશમાં હાલમાં અસ્તિત્વમાં નથી, પરંતુ એઆઈના ઉપયોગ   તથા તેની રચના માટેની કેટલીક માર્ગદર્શિકા અને માળખા તૈયાર કરવામાં આવી રહ્યા છે ખરા. ભારતમાં એઆઈને લગતા કાનૂનો   બાબતે  હજુપણ અવકાશ  રહેલા છે.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના  સદર રિપોર્ટમાં એઆઈના સલામત ઉપયોગ પર ભાર અપાયો છે પરંતુ સજ્જડ નીતિની ગેરહાજરી જોવાઈ રહી છે. 

એઆઈ દ્વારા પૂરી પડાતી બેન્કિંગ સેવાઓ પર નિયમન રાખવા વિશ્વના અન્ય દેશોની જેમ ભારત પણ હાલના ટેકનોલોજી  ક્ષેત્રના નિયમનકારી ધોરણોને જ કામે લગાડી રહ્યું  છે. આ નિયમનકારી ધોરણોમાં ડેટા પ્રોટેકશન એકટ, આઈટી એકટ તથા બેન્કિંગ ધારા  જેવા ધારાની જોગવાઈઓ તથા નિયમોનો સમાવેશ થાય છે. દેશમાં આજના યુગમાં એઆઈ જેવી ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે ત્યારે ટેકનોલોજીના દૂરુપયોગ અથવા તો ક્ષતિઓ પર અંકૂશ રાખવા સમકાલીન કાયદા પણ તૈયાર  કરવાનો મત પ્રવર્તી રહ્યો છે.   

આરબીઆઈની સદર માર્ગદર્શિકામાં જાહેર માળખાકીય સુવિધા સાથે જોડાયેલા એઆઈ મોડેલ્સની કલ્પના રજૂ કરવામાં આવી છે. જો આ કલ્પના હકીકતમાં ફેરવાશે તો તે એઆઈ ક્ષેત્રમાં એક નવી તક ઊભી કરશે પરંતુ સાથોસાથ તકનિકી ખામીઓ અને પ્રાઈવસી જળવાઈ રહેવાના જોખમ પણ ઊભા કરશે. આવા પ્રકારના મોડેલ્સ બેન્કોની કાર્યક્ષમતામાં વધારો કરાવી શકશે પરંતુ બેન્કોના ગ્રાહકોની માહિતી જ્યારે વિવિધ પ્લેટફોર્મ્સ પર વહેતી થાય તો તેને ખાનગી રાખવાની ખાતરી કોણ રાખશે તેવો પણ નિષ્ણાતો પ્રશ્ન ઊભો કરી રહ્યા છે. જારી કરાનારા ડેટાના રક્ષણનું શું? એવો પણ સવાલ ઊભો થઈ શકે છે.એઆઈના વપરાશને કારણે આવનારા પરિણામોની યોગ્યતાનું માપ  કાઢવા માટે બેન્કો અને આરબીઆઈએ ખાસ  પારદર્શી યંત્રણા ઊભી કરવાની રહેશે તેવો પણ નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે.