ભારત સાથે વાટાઘાટોના અનેક રાઉન્ડ બાદ એલન મસ્કે ૨૦૨૫ના જુલાઈમાં મુંબઈમાં શોરુમના ઉદ્દઘાટન સાથે પોતાની વીજ સંચાલિત કારનું ભારતમાં પહેલી વખત લોન્ચિંગ કર્યું હતું. ભારતમાં વીજ સંચાલિત વાહનો માટેની નવી નીતિ ઘડી કઢાઈ છે જે સ્થાનિકમાં આ ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ વધારવા પ્રોત્સાહન પૂરા પાડે છે. આગામી નવા વર્ષમાં ટેસ્લા વધુ મોડેલ ભારતમાં લોન્ચ કરવા યોજના ધરાવે છે. હાલમાં કારને આયાત કરવામાં આવી રહી છે, સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવાની યોજના મળનારા પ્રોત્સાહન પર આધારિત રહેશે. ટેસ્લા ભારતમાં આવી તો ગઈ છે, પરંતુ તેના વિકાસનો આધાર તે આયાત ખર્ચને કેવી રીતે પહોંચી વળે છે તેના પર અને સ્થાનિક સ્તરે ઉત્પાદન શરૂ કરવામાં કેવા લાભો મળી રહેશે તેના પર રહેલો છે.

જીએસટીમાં ધરમૂળથી ફેરબદલ કરી ઊંચા ટેરિફ વચ્ચે ઉદ્યોગોને રાહત આપવાનો પ્રયાસ
૨૦૧૭ના ૧લી જુલાઈથી દેશમાં લાગુ થયેલી ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) પ્રથા બાદ ૨૦૨૫માં પહેલી જ વખત જીએસટી માળખામાં જોરદાર ફેરબદલ જોવા મળ્યા છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને ધ્યાનમાં રાખી દેશમાં ઘરઆંગણે ઉપભોગ વધારી ઉદ્યોગોને ટેકા પૂરો પાડવાના ભાગરૂપ સરકારે જીએસટીમાં ઘટાડો કરી હવે માત્ર બે જ મુખ્ય દર રાખ્યા છે. વર્તમાન વર્ષના ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની રેલીને સંબોધતા વડા પ્રધાને આ મતલબના સંકેત આપ્યા હતા અને જીએસટી કાઉન્સિલ દ્વારા ૩ સપ્ટેમ્બરના જીએસટી દરને વ્યવહારિક બનાવવા નિર્ણય લેવાયો હતો. કાઉન્સિલના નિર્ણયને પગલે દેશમાં ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી માલસામાન તથા સેવા પર જીએસટીના પાંચ ટકા તથા ૧૮ ટકાના બે જ મુખ્ય સ્તર રહ્યા છે. જીએસટીના અમલ બાદ ૨૦૨૫ના એપ્રિલમાં ૨.૩૭ લાખ કરોડની વસૂલી અત્યારસુધીની સૌથી ઊંચી માસિક વસૂલી રહી છે.


