બોટાદ સ્ટેશન પર ધ બર્નિંગ ટ્રેન, અફડાતફડીનો માહોલ
- બોટાદ-ધ્રાંગધ્રાના ડેમુ ટ્રેનના ત્રણેય ડબામાં ભીષણ આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યાં
- રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોથી આગ ન હોલવાતા બોટાદ ફાયર બ્રિગેડના ત્રણ બંબા સાથે 30 જવાનો પહોંચ્યા, 26 હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાઈ
બોટાદ સ્ટેશન પર ધ બર્નિંગ ટ્રેનની ઘટના અંગે મળતી વિગત અનુસાર બોટાદથી ધ્રાંગધ્રા વચ્ચે સાંજે ૫-૪૫ કલાકે ડેમુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ડેમુ ટ્રેન આજે સોમવારે બપોરના સમયે પ્લેટફોર્મ નંબર ૭ના રેલવે ટ્રેક ઉપર ઉભી હતી. ત્યારે બપોરના ૩-૨૫ કલાક આસપાસ અચાનક જ ટ્રેનના ત્રણેય કોચમાં આગ લાગી હતી. જેની જાણ થતાં રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ હાથવગા ફાયર સેફ્ટીના સાધનોથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ જોત જોતમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા ધૂમાડાના ગોટે ગોટ દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
ડેમુ ટ્રેનમાં વિકરાળ આગ લાગ્યા અંગેનો સંદેશો બોટાદ ફાયર સ્ટાફને કરવામાં આવતા ૩-૩૦ કલાકે પ્રથમ એક ગાડી અને બેકઅપ માટે બીજી બે નાની ગાડી (બંબા) સાથે ફાયર બ્રિગેડના ૩૦ જવાનો મારતી ગાડીએ રેલવે સ્ટેશને દોડી ગયા હતા અને એકાદ કલાક જેવી જહેમત બાદ ૨૬,૨૦૦ લીટર જેટલું પાણી છાંટી ત્રણ ડબાવાળી બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. બર્નિંગ ટ્રેનની ઘટનાને લઈ લોકોમાં ભય ફેલાયો હતો. જ્યારે બનાવની જાણ થતાં જ બોટાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ફાયર ઓફિસર, રેલવેના અધિકારીઓ તાબડતોડ દોડી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ટ્રેન ઉપડવાના બેથી અઢી કલાક પહેલા જ ડેમુ ટ્રેન ભડભડ સળગી ઉઠતા વ્યસ્ત રેલવે સ્ટેશન પર હાજર મુસાફરોમાં નાસભાગ મચી હતી.
શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
બોટાદ રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનના ત્રણ ડબામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ટ્રેન પ્લેટફોર્મ નં.૭ના ટ્રેક પર ઉભી હતી. ટ્રેનને ઉપડવામાં હજુ બેથી અઢી કલાક જેટલો સમય બાકી હતો. જેથી ટ્રેનના દરવાજા અને બારી પણ લોક કરીને રાખેલા હતા. સદ્નસીબે આગની દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાની કે ઈજા પહોંચી ન હતી.
આગની જાણકારી મેળવી નિરીક્ષણ કરાઈ રહ્યું છે : ડીઆરએમ
બોટાદ સ્ટેશન પર બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં આજે સોમવારે બપોરે આગની ઘટના બનતા રેલવેના ટેકનિકલ વિભાગ સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તો બીજી તરફ આગની દુર્ઘટના કેવી રીતે બની ? તેની સ્થાનિક અધિકારીઓ પાસેથી જાણકારી મેળવાઈ રહી છે, આગનું ચોક્કસ કારણ શોધવા માટે નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ આદરી દેવામાં આવ્યો હોવાનું ભાવનગર ડીઆરએમ મનોજ ગોયલે વાતચીતમાં જણાવ્યું હતું.
ડેમુ ટ્રેન શરૂ થયાના ત્રીજા જ દિવસે આગ, બીજી ટ્રેન દોડાવાઈ
ભાવનગર રેલવે મંડળ દ્વારા ઉનાળુ વેકેશનને ખાસ ધ્યાનમાં રાખી ૧૫મીથી દોઢ માસ માટે બોટાદ-ગાંધીગ્રામ ઉપરાંત બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ સમર સ્પેશિયલ (ડેમુ ટ્રેન) શરૂ કરવામાં આવી હતી. સમય સ્પેશિયલ ટ્રેન શરૂ થયાને હજુ માંડ બે દિવસ થયા ત્યાં ત્રીજા જ દિવસે ડેમુ ટ્રેનના ત્રણેય ડબામાં આગ લાગી હતી. જેના કારણે રેલવે વિભાગે ટ્રીપ કેન્સલ કરવાના બદલે મુસાફરોની સવલત માટે તાત્કાલિક બીજી ડેમુ ટ્રેન દોડાવી હતી.