Updated: Mar 14th, 2023
- કલેકટરે શુભેચ્છા આપી કેન્દ્ર નિરીક્ષણ કર્યું
- તમામ પરીક્ષા કેન્દ્રો પર સંચાલકોએ પરીક્ષાર્થીઓનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું
આજથી ધો. ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે પરીક્ષાને લઈને બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે વિદ્યાર્થીઓના આ ઉત્સાહને વધુ વેગ આપવા અને મનોબળને વધારવા જિલ્લાના તમામ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રો ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી પુષ્પગુચ્છ તથા પેન આપી આવકાર્યા હતા.
બોટાદ જિલ્લા કલેકટર બી.એ. શાહે ગઢડા રોડ પર એમ.ડી. શેઠ વિદ્યાલય ખાતેના બોર્ડની પરીક્ષાનાં કેન્દ્રની મુલાકાત લીધી હતી. કલેકટરએ પરીક્ષા કેન્દ્રમાં જરૂરી સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. સાથો સાથે તેમણે પરીક્ષા કેન્દ્ર ખાતે સીસીટીવી મનોનીટરીંગ ચકાસ્યું હતું. પરીક્ષાઓનો આજે બોટાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીના કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ પ્રતમ દિવસે સવારે ધો. ૧૦માં આજનાં ગુજરાતી વિષયમાં નોંધાયેલા કુલ ૮૨૭૮ વિદ્યાર્થીઓ પૈકી ૮૧૮૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૯૩ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતા. તેવી જ રીતે અંગ્રેજી વિષયમાં નોંધાયેલા ૨૩૯ વિદ્યાર્થીઓ પૈકી ૨૩૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૧ વિદ્યાર્થીની ગેરહાજરી નોંધાઈ હતી.
આજે બપોરે લેવાયેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વો વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ ૨૧૦૮ વિદ્યાર્થીઓ પૈકી ૨૦૯૭ની હાજરી અને ૧૧ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી જ્યારે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ ૮૯૫ વિદ્યાર્થીઓ પૈકી ૮૯૨ વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી હતી અને તેમાં ૦૩ વિદ્યાર્થીની ગેરહાજરી નોંધાઈ હતી.