Updated: Mar 15th, 2023
- નટ-બોલ્ટની આડમાં પુનાથી મસમોટો દારૂનો જથ્થો બરવાળા સુધી પહોંચી ગયો
- રેફડાના બુટલેગર સુધી દારૂ-બિયર પહોંચે તે પહેલા ક્રાઈમ બ્રાંચે ઓપરેશન પાર પાડયું, દર્શન હોટલ પાસેની ખુલ્લી જગ્યામાં દારૂ ભરેલું આઈસર પાર્ક કર્યું હતું : 23.61 લાખનો મુદ્દામાલ કબજે લઈ ચાર શખ્સ સામે ગુનો દાખલ કરાયો
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર પાસીંગના એક આઈસર વાહનમાં નટ-બોલ્ટની આડમાં વિલાયતી દારૂનો મસમોટો જથ્થો બરવાળા આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે બોટાદ એલસીબી પી.આઈ. ટી.એસ. રીઝવી અને સ્ટાફના માણસોએ વહેલી સવારના સમયે બરવાળા શહેરમાં દર્શન હોટલની પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડી એક ઝાડ પાસે પાર્ક કરાયેલ આઈસર નં.એમએચ.૦૭.૬૬૯૧ને કોર્ડન કરી આઈસરની પાછળ બાંધેલી તાડપત્રી ખોલીને જોતા પ્રથમ લોખંડના નટ-બોલ્ટના ૧૬૮ બોક્સ મળી આવ્યા હતા. જેની પાછળથી વિલાયતી દારૂની ૨૮૮ પેટી અને ૧૨ છુટી બોટલ મળી કુલ ૩૪૬૮ દારૂની બોટલ (કિ.રૂા.૧૦,૪૦,૪૦૦) અને બિયરની ૫૮ પેટી તેમજ બિયરના છુટા ૧૯ ટીન મળી કુલ ૧૪૧૧ ટીન (કિ.રૂ.૧,૪૧,૧૦૦) સહિત કુલ રૂા.૧૧,૮૧,૫૦૦નો વિલાયતી દારૂ અને બિયરનો જથ્થો પોલીસના હાથે લાગ્યો હતો. જે દારૂ-બિયરના મસમોટા જથ્થા સાથે ક્રાઈમ બ્રાંચે આઈસરના ચાલક સૌદાગર ઘૌડીબા વાઘ (રહે, આંબેજ્વાલગા, જિ.ઉસ્માનાબાદ, મહારાષ્ટ્ર) નામના શખ્સને દબોચી લઈ તેના કબજામાંથી દારૂ-બિયર, આઈસર, નટ-બોલ્ટની ૧૬૮ પેટી ઉપરાંત લાકડાના લોખંડના સામાનની પેટી, તાડપત્રી, પાનકાર્ડ-આધારકાર્ડ, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂા.૨૩,૬૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા શખ્સની ક્રાઈમ બ્રાંચે આગવીઢબે પૂછતાછ કરતા આ વિલાયતી દારૂ-બિયરનો મસમોટો જથ્થો તેના મોટાભાઈ શેખર ઘૌડીબા વાઘ (રહે, આંબેજ્વાલગા, જિ.ઉસ્માનાબાદ, મહારાષ્ટ્ર)એ પુનાથી આઈસરમાં ભરી આપી બરવાળા તાલુકાના રેફડા ગામના બુટલેગર શિવકુ જેઠસુરભાઈ કરપડાને પહોંચાડવાનો અને એક વેગેનાર કારમાં શખ્સ દારૂ-બિયર ભરેલા આઈસરનું પાયલોટીંગ કરતો હોવાની કબૂલાત આપી હતી.
જેના આધારે એલસીબીએ સૌદાગર વાઘ, શેખર વાઘ, શિવકુ કરપડા અને પાયલોટીંગ કરનાર કારના ચાલક સામે બરવાળા પોલીસમાં આઈપીસી ૬૫ (ઈ), ૧૧૬-બી, ૯૮ (ર) અને ૮૧ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગર ભાઈ આઈસર ચાલક નાનાભાઈને લોકેશન મોકલતો
પોલીસની આંખમાં ધૂળ નાંખવા માટે બુટલેગરો હવે ટેકનોક્રેટ બની ગયા છે. નટ-બોલ્ટની આડમાં પુનાથી રૂા.૧૧.૮૧ લાખની મસમોટી કિંમતનો દારૂ-બિયર આઈસરમાં લોડ કર્યા બાદ બુટલેગર શેખર વાઘએ તેના નાનાભાઈ સૌદાગર વાઘને રેફડા ગામે દારૂ-બિયર પહોંચાડવાનું કન્સાઈમેન્ટ પહોંચાડવાની જવાબદારી સોંપી હતી. પોલીસને ગંધ ન આવે તે માટે નટ-બોલ્ટના બોક્સની પાછળ લાખો રૂપિયાની કિંમતનો દારૂ-બિયર છુપાવ્યો હતો. તેની સાથે બુટલેગર શેરખ વાઘ આઈસર ચાલક નાનાભાઈને વોટ્સએપમાં લોકેશન મોકલતો હતો અને તેના આધારે જ આઈસર આગળ જતું હતું. તેમજ આઈસર વાહન જે જગ્યાએ હોલ્ટ રાખવાનું હોય ત્યાં સફેદ કલરની વેગેનાર કાર આગળ-પાછળ રહેતી હતી તેવી ઝડપાયેલા શખ્સને કબૂલાત આપી હતી.