Get The App

બોટાદ યાર્ડમાં નવા કપાસની 2 દિવસમાં રેકોર્ડબ્રેક 2.50 લાખ મણથી વધુ આવક

Updated: Oct 26th, 2024

GS TEAM

Google News
Google News
બોટાદ યાર્ડમાં નવા કપાસની 2 દિવસમાં  રેકોર્ડબ્રેક 2.50 લાખ મણથી વધુ આવક 1 - image


- મબલખ આવકના કારણે યાર્ડની બાજૂમાં કપાસ સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા કરાઈ 

- યાર્ડમાં કપાસ વેચવા બોટાદ ઉપરાંત ભાવનગર, અમરેલી, અમદાવાદ જિલ્લાના ખેડૂતોનો ધસારો : યાર્ડની બન્ને બાજુ વાહનોની લાંબી કતાર 

બોટાદ : બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનમાં નવા કપાસની સરેરાશ દૈનિક ૧.૧૫ લાખ મણ આવકની સામે છેલ્લા બે દિવસમાં અંદાજે ૨.૫૦ લાખ મણ રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. નવા કપાસની માતબર આવકના પગલે યાર્ડના હોદ્દેદારોેએ કપાસ માટે નજીકમાં ખાસ વ્યવસ્થા કરી હતી. બીજી તરફ, મોડી સાંજ સુધી યાર્ડમાં તોલ (વજન)ની કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

ખુલ્લી હરરાજી, ખરો તોલ અને રોકડ વિનિમયના પગલે ભાવનગર, સુરેન્દ્રનગર, લીમડી, વીછીયા, ગઢડા, અમરેલી, રાજકોટ, જસદણ અને અમદાવાદ જિલ્લાના કેટલાક તાલુકા મથકોમાંથી ખેડૂતો અંદાજે ૧૯૦૦થી વધુ નાના-મોટા વાહનો ભરીને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા આવ્યા છે. જેના કારણે બોટાદના યાર્ડને જોડતાં  માર્ગની બન્ને બાજુ વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. હાલ કપાસની સિઝનના કારણે અહીં દૈનિક સરેરાશ ૧.૧૫ લાખ મણ નવા કપાસની આવકન નોધાઈ રહી છે. જેના કારણે  સવારથી લઈને મોડી સાંજ સુધી યાર્ડમાં તોલની કામગીરી પુરજોશમાં ધમધમી રહી છે. દરમિયાન ગતરોજ ગુરૂવારે એક જ દિવસમાં યાર્ડમાં ૧.૨૦ લાખ મણથી વધુ નવા કપાસની આવક નોંધાઈ હતી. જે સિઝનની સૌથી વધુ રેકોર્ડેબ્રેક આવક હોવાનું યાર્ડના પ્રમુખ મનહરભાઈ માતરિયા અને સેક્રેટરી અનકભાઈ મોભેે વિગત આપતાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, રોકોર્ડબ્રેક આવકના કારણે યાર્ડમાં વ્હેલી સવારથી જ તોલ(વજન)ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે મોડી સાંજ સુધી શરૂ રહી હતી.તો,નવા કપાસની રેકોર્ડબ્રેક આવકે ૨૪ કલાકમાં જ વધુ એક નવો જ વિક્રમ સર્જ્યો હતો અને આજે સાંજ સુધીમાં યાર્ડમાં અંદાજે ૧.૩૦ લાખ મણથી વધુ નવા કપાસની આવક થઈ હોવાનું તેમણે વિગતો આપતાં ઉમેર્યું હતું. નવા કપાસની સતત આવકના કારણે યાર્ડ દ્વારા નજીકના સ્થળે કપાસના સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અને હરાજી થતી હોવાનું તેમણે ઉમેર્યું હતું.જયારે, ખુલ્લી હરરાજીના કારણે ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા હોવાનું અને  ગુરૂવારે ઉંચામાં ઉંચી રૂા ૧૬૦૦ ની બોલી બોલાઈ  હોવાનું જાણવા મળેલ છે.

આ ઉપરાંત, યાર્ડમાં કપાસ જ નહિ દૂર દૂરના શહેરોમાંથી  તલ, ઘંઉ,જુવાર, બાજરી, મગફળી, રાઈ, મેથી અને વરીયાળી સહિતના પાક પણ જંગી જથ્થામાં વેચાણ માટે આવી રહ્યા છે. જેની પણ કપાસની સાથે સમાંતર વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવા મળેલ છે.

Tags :