વિરોધ વધતા કમિશનર ઝુકયા, માસ્કનો રૂ. 200 જ દંડ લેવાશે
- મંગળવારે રાત્રીના મનપાના કમિશનરે રૂ. 500 ના દંડની જાહેરાત કરી હતી
- સોશીયલ મીડિયા પર લોકોએ વિરોધ નોંધાવતા અંતે દંડની રકમ ઘટાડવાનો નિર્ણય કરવો પડયો
ભાવનગર, તા. 22 જુલાઈ 2020, બુધવાર
ભાવનગરના લોકોના વિરોધ સામે મહાપાલિકાના કમિશનરે ઝુકવુ પડયુ છે અને માસ્કના દંડની રકમ ઘટાડવા નિર્ણય કરવો પડયો હતો. ગઈકાલે મંગળવારે રાત્રીના સમયે મહાપાલિકાના કમિશનરે માસ્કનો દંડ વધારી દીધો હતો તેથી આજે બુધવારે સોશીયલ મીડિયામાં ખુબ જ વિરોધ થયો હતો. કેટલાક રાજકીય લોકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ થતા ભાવનગર મહાપાલિકાના કમિશનરે માસ્કની રકમનો જુનો દંડ યથાવત રાખવા નિર્ણય કરવો પડયો હતો.
આડેધડ નિર્ણય કરતા મહાપાલિકાના કમિશનર સામે લોકોમાં રોષ, ભાવનગર મેટ્રો સિટી નથી તે ધ્યાન રાખવુ જરૂરી
કોરોનાના કેસ વધતા ભાવનગર શહેરમાં માસ્ક નહી પહેરનાર પાસેથી આજે બુધવારથી રૂ. પ૦૦નો દંડ વસુલવામાં આવશે તેવો પરીપત્ર ગઈકાલે મંગળવારે રાત્રીના ૧૦.૧પ કલાકે મહાપાલિકાના કમિશનરે ગાંધીએ જાહેર કર્યો હતો. અત્યાર સુધી માસ્ક નહી પહેરનારને રૂ. ર૦૦નો દંડ કરવામાં આવતો હતો. આ દંડની રકમમાં રૂ. ૩૦૦નો વધારો કરવામાં આવ્યો હતો. ભાવનગર મહાપાલિકાના કમિશનરે માસ્કનો રૂ. પ૦૦નો દંડ કરતા આજે સોશીયલ મીડિયા પર ખુબ જ વિરોધ થયો હતો અને કેટલાક કોંગ્રેસ અગ્રણી-કાર્યકરોએ પણ સોશીયલ મીડિયા પર પોસ્ટ મુકી વિરોધ નોંધાવ્યો હતો. માસ્કના દંડની રકમનો વિરોધ વધતા આજે બુધવારે ભાવનગર મહાપાલિકા કમિશનરે અચાનક જુનો રૂ. ર૦૦નો દંડ યથાવત રાખવા પત્ર કર્યો હતો અને રૂ. પ૦૦નો દંડ રદ કર્યો છે તેવી જાહેરાત કરી હતી.
ભાવનગર નાનુ શહેર છે. અમદાવાદ અને સુરતની જેમ મેટ્રો સિટી નથી. આ વાતનુ ભાવનગર મહાપાલિકાના કમિશનરે ધ્યાનમાં રાખી નિર્ણય કરવો જોઈએ પરંતુ ભાવનગર મહાપાલિકાના કમિશનર નિર્ણય લેતા સમયે કદાચ આ વાત ભૂલી જતા હશે તેથી આડેધડ નિર્ણય લઈ લેતા હોય છે અને જયારે વિરોધ થાય ત્યારે નિર્ણય પાછો ખેંચવાનો વારો આવતો હોય છે, જે ગંભીર બાબત છે. કોરોના મહામારીના પગલે મંદી-મોંઘવારી વચ્ચે લોકો પીસાય રહ્યા છે અને રૂ. ર૦૦નો દંડ પણ લોકો પોસાય તેમ નથી ત્યારે રૂ. પ૦૦નો દંડ કરી કમિશનરે ખરાબ નિર્ણય કર્યો હતો પરંતુ હાલ તેઓએ નિર્ણય બદલ્યો તે સારી વાત છે.
કોરોનાના દર્દીની માહિતી છુપાવતા લોકોનો વિરોધ
ભાવનગર શહેર અને જિલ્લામાં પહેલા કોરોનાના દર્દીના નામ, સરનામા, હિસ્ટ્રી વગેરે માહિતી જાહેર કરવામાં આવતી હતી તેથી લોકો સાવચેત રહેતા હતા પરંતુ હવે દર્દીની માહિતી ભાવનગર મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવતી નથી અને માહિતી છુપાવવામાં આવી રહી છે તેથી લોકોમાં વિરોધ શરૂ થઈ ગયો છે. સોશીયલ મીડિયા પર લોકો મહાપાલિકા કમિશનરના નિર્ણયની ટીકા કરી રહ્યા છે ત્યારે દર્દીના નામ સહિતની માહિતી લોકહિતમાં જાહેર કરવી જરૂરી બની રહે છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દર્દીના ગામની માહિતી જાહેર કરવામાં આવે છે, શહેરમાં તો વિસ્તાર પણ જાહેર કરવામાં આવતા નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે. આ નિર્ણય ભાવનગર મહાપાલિકાના કમિશનર બદલશે કે નહી ? તે જોવુ જ રહ્યું.