પશુને શણગારીને સરઘસરૂપે કુરબાની આપવા પર પ્રતિબંધ
- બકરી ઈદના તહેવારની ઉજવણી સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
- કોવિડ-૧૯ મહામારીના પગલે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ, સોશિયલ ડિસ્ટન્સની જાળવણી સાથે માસ્ક પહેરવું ફરજીયાત
ભાવનગર. તા. 31 જુલાઈ 2020, શુક્રવાર
આજે મુસ્લિમ ધર્મના બકરી ઈદ (ઈદ-ઉલ-અઝા)ના તહેવાર પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે. જાહેર કે ખાનગી સ્થળે, ગલી કે મહોલ્લામાં દેખાય તે રીતે જાનવરોની કતલથી અન્ય ધર્મ-સમુદાયના લોકોની લાગણી દુભાવાથી સુલેહશાંતિનો ભંગ થવાની સંભાવના છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં કે જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં. કોવિડ-૧૯ની મહામારી ચાલતી હોઈ તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહશે તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. જાહેર જગ્યામાં કોઈપણ વ્યક્તિએ થૂંકવા પર પ્રતિબંધ રહેશે. વધુમાં, ભારત સરકાર તથા ગુજરાત સરકારના કોવિડ-૧૯ અટકાવવા માટેના વખતોવખતના હુકમોથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓને તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.આ જાહેરનામું તા.૩૧/૦૭થી તા.૦૫/૦૮ સુધી ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ હેઠળ શિક્ષાને પાત્ર થશે.