કાત્રોડી ગામે યુવાનની હત્યા
- મધરાત્રે નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા
- પુત્રની હત્યા વેળાએ માતાનો બાજુમાં જ ખાટલો હતો

ભાવનગર, તા.28 જૂન 2020, રવિવાર
જેસર તાલુકાના કાત્રોડી ગામે મકાનના ફળીયામાં સુતેલ યુવાનની ગત મધરાત્રીના નિદ્રાધીન અવસ્થામાં જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નખાતા ભારે ચકચાર મચી જવા પામી છે. પુત્રના મૃત્યું વેળાએ ઓરમાન માતાનો બાજુમાં જ ખાટલો હતો. ત્યારે ઓરમાન માતા સામે શંકાની સોય સંધાય હતી. રક્ત રંજીત ઘટનાના પગલે ક્રાઇમ બ્રાંચ સહિતનો કાફલો દોડી ગયો હતો.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર જેસર તાલુકાના કાત્રોડી ગામે રહેતા અને ખેતીકામ કરતા ભીમજીભાઇ ભીખાભાઇ નાગર ગત રાત્રીના સુમારે પોતાના રહેણાકી મકાનના ફળીયામાં તેના ઓરમાન માતાનો બાજુમાં ખાટલો ઢાળી સુતો હતો. તે વેળાએ મધરાત્રીના ૨ કલાકના અરસા દરમિયાન યુવાન ભીમજીભાઇને નિદ્રાધીન અવસ્થામાં જ અજાણ્યા શખસોએ તિક્ષ્ણ હથિયારના ૧૪ જેટલા ઘા મારી દઇ કરપીણ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જેસર પો.સ્ટે.ના પી.એસ.આઇ., લોકલ ક્રાઇમ બ્રાંચના તિરૃણસિંહ સરવૈયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળી પી.એમ. અર્થે જેસર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
ઉક્ત રક્તરંજીત ઘટના અનુસંધાને મૃતક યુવાનના દાદાના દિકરા મનસુખભાઇ વીરાભાઇ નાગર (ઉ.વ.૨૯)એ જેસર પોલીસ મથકમાં મૃતક ભીમજીભાઇના ઓરમાન માતા હિરૃબેન ભીખાભાઇ નાગર સામે શંકા દાખવી ફરિયાદ નોંધાવી હતી કે, ગત મોડી રાત્રીના રાત્રીના ૨ કલાકના સુમારે હિરૃબેન તેઓના ઘરે બોલાવવા આવ્યા હતા. તે વેળાએ તેઓ તેમજ તેના સબંધીઓ દોડીને જતા ભીમજીભાઇ મૃત હાલતે ખાટલામાં પડયા હતા. જ્યારે તેની બાજુમાં તેના કાકી હીરૃબેનનો ખાટલો પડયો હતો. તેઓને કોણે છરીના ઘા માર્યા છે. તેમ પુછતા યોગ્ય જવાબ આપેલ ન હતો. તેઓના વિધવા કાકી હીરૃબેને તેના ઓરમાન દિકરા ભીમજીભાઇને જમીન વેચી દેવા બાબતે અણબનાવ બનેલ છે. જેના કારણે છરીના ઘા મારી ભીમજીભાઇની હત્યા કર્યાની શંકા દાખવી હતી. ઉક્ત બનાવ અનુસંધાને જેસર પોલીસે આઇપીસી ૩૦૨ તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
ૅજાણવા મળ્યા મુજબ મૃતક ભીમજીભાઇના શરીરને ૧૪ જેટલા તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. જ્યારે હત્યારાઓ તેની હત્યા કરી ફરાર બન્યા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યાનું જાણવા મળ્યું હતું.

