For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખાખી ઉપર ખૂનનો દાગ : બોટાદમાં 3 કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો

Updated: May 17th, 2023

Article Content Image

- આઈ.ડી. માંગતા તાલિબાની સજાની જેમ દિવાલ સાથે માથા ભટકાડી ઢોર માર માર્યો

- એકાદ માસ સુધી જીવન-મરણ સામે ઝઝૂમ્યા બાદ અમદાવાદ સિવિલમાં યુવાને દમ તોડયો

ભાવનગર/બોટાદ : બોટાદમાં પોલીસના ગુંડારાજે એક નિર્દોષ યુવાનનો ભોગ લઈ ત્રણ કોન્સ્ટેબલે લોકોની રક્ષા કરતી ખાખી વર્દી ઉપર ખૂનનો કલંકિત દાગ લગાડયાની ઘટનાએ પોલીસ બેડા સાથે સમગ્ર બોટાદ જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે. એક માસ પહેલા યુવાનને કાનૂનના રક્ષકોએ કાયદો હાથમાં લઈ ઓળખકાર્ડ માંગતા તાલિબાની સજાની જેમ પોલીસ મથકની દિવાલ સાથે માથા ભટકાડી-ભટકાડીને ઢોર માર મારતા એકાદ માસ સુધી જીવન-મરણ સામે ઝઝૂમ્યા બાદ યુવાને અમદાવાદ સિવિલમાં દમ તોડી દીધો હતો.

ચકચાર મચાવનારા બનાવ અંગે ઉપલબ્ધ વિગત અનુસાર બોટાદ શહેરના ડમેઘાણીનગર, હરણફુઈ, નવી પોસ્ટ ઓફિસ પાછળ રહેતા કાળુભાઈ ઉસ્માનભાઈ પાધરશી (ઉ.વ.૨૮) ગત તા.૧૪-૪ના રોજ મજૂરકી કામ કરી ઘરે આવી રહ્યા હતા. ત્યારે ઘર પાસે બપોરના ૧-૩૦ કલાકના અરસામાં બોટાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા આલકુ, નિકુલ અને રાહિલ નામના ત્રણ કોન્સ્ટેબલ બે મોટરસાઈકલમાં આવ્યા હતા અને કાળુભાઈને બે અજાણ્યા વ્યક્તિ અંગે પૂછતાછ કરતા તેણે કોઈ હકીકત જાણતો ન હોવાનું જણાવ્યું હતું. જેથી ખાખીનો ખૌફ દેખાડવા પોલીસે યુવક પાસે બાઈકના કાગળ માંગતા તેણે કોણ છો ? અને આઈ.ડી (ઓળખપત્ર) દેખાડવા જણાવતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઈ જઈ કાળુભાઈને માર મારી ઢસડીને બાઈકમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ દિવાલ સાથે બે-ત્રણ વખત જોરથી માથું ભટકાડી ઢોર માર માર્યા બાદ કોરા કોગળો ઉપર સહિ લઈ બાદમાં છોડી મુક્યો હતો.

પોલીસના ઢોર માર મારને કારણે યુવાન કાળુભાઈ પાધરશીને માથામાં દુઃખાવો થતાં પ્રથમ બોટાદ બાદ ભાવનગર અને છેલ્લે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં ગત તા.૧૪-૫ના રોજ હોસ્પિટલ બિછાને મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ એક માસથી દિકરાના ન્યાય માટે લડતા મૃતકના પિતા ઉસ્માનભાઈ ઈબ્રાહિમભાઈ પાધરશી (ઉ.વ.૫૨, રહે, મેઘાણીનગર, હરણફુઈ, નવી પોસ્ટ ઓફિસ પાછળ, બોટાદ)ની બોટાદ પોલીસે મોડી રાત્રે ૧૨-૧૫ કલાકે ફરિયાદ લઈ ખાખી વર્દીની આડમાં ગુંડાગીરી કરી યુવાનની હત્યા કરનારા ત્રણેય કોન્સ્ટેબલ આલકુ, નિકુલ અને રાહિલ સામે આઈપીસી ૩૦૨, ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઈ એસ.આર. ખરાડીએ હાથ ધરી છે.

ભાવનગર સિવિલના ડોક્ટરની ભૂંડી ભૂમિકા

બોટાદમાં યુવાનને ઢોર માર મારવામાં આવ્યા બાદ ઉલ્ટી અને માથામાં દુઃખાવો શરૂ થતા ૧૭મીએ પ્રથમ બોટાદની વડોદરિયા હોસ્પિટલમાં દાખલ કરી એમ.આર.આઈ. કરતા ગંભીર ઈજા હોવાનું ખુલ્યું હતું. જેથી ઈજાગ્રસ્ત કાળુભાઈને વધુ સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા. બોટાદ બાદ ભાવનગર હોસ્પિટલમાં તબીબે એમ.એલ.સી તરીકે કેસ નોંધી પોલીસને જાણ કરતા ૧૮મીએ બોટાદ પોલીસમાંથી જેની સામે યુવાને માર માર્યાની ફરિયાદ કરી હતી તે કોન્સ્ટેબલ આલકુ અને અન્ય પોલીસ સ્ટાફ નિવેદન નોંધવા તો આવ્યા પરંતુ ડોક્ટર સાથે એક-દોઢ કલાક બેસી મેણાંપીપણાંથી તબીબે તબિયત ખરાબ હોવાથી નિવેદન નોંધાવી શકે તેમ ન હોવાનું ખોટું સારવાર અને વિક્ટીમ સ્થિતિ અંગેનું બનાવટી પ્રમાણપત્ર લખી આપી ડોક્ટરે પણ ભૂંડી ભૂમિકા ભજવી હતી. ઈજાગ્રસ્ત યુવક નિવેદન આપવાની સ્થિતિમાં હોવા છતાં તેનું નિવેદન લાવામાં ન આવ્યું હોવાનું તેના પિતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

મગજના ઓપરેશન બાદ બોલવાનું બંધ કર્યું

માથામાં ગંભીર ઈજા પામેલા કાળુભાઈ પાધરશી નામનો ૨૮ વર્ષીય યુવાન બાદ ૧૯મી સુધી બોલતો-ચાલતો હતો. ૨૫મીએ સર ટી.હોસ્પિટલના ડોક્ટરે ન્યુરો સર્જન ના હોવાનું કહીં અમદાવાદ લઈ જવા કહેતા તેને ભાવનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જ્યાં મગજનું મોટું ઓપરેશન કરાયા બાદ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો અને ત્યાં 

સાહેબ મને આટલો બધો કેમ માર માર્યો...

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે યુવાનને લવાયો ત્યારે બોટાદ પોલીસનો સ્ટાફ તેનું નિવેદન નોંધવા આવ્યો હતો. જેમાં માર મારનાર એક કોન્સ્ટેબલ આલકુ પણ સાથે હોય, યુવાન કાળુભાઈએ તેને જોઈ કહેલ કે, સાહેબ મને આટલો બધો કેમ માર માર્યો, મેં તો ખાલી તમારી પાસે આઈ.ડી કાર્ડ માગ્યું એટલો જ મારો વાંક ને...? 

પિતા શોધવા ગયા તો પહેલા કસ્ટડીમાં ન હોવાનું કહેવામાં આવેલું

૧૪મી એપ્રિલે બોટાદમાં યુવાન મજૂરી કામ કરીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે તેને ઢસડી બાઈકમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા અંગેની જાણ ઉસ્માનભાઈને તેના સાળા ફિરોઝભાઈએ કરી હતી. જેથી બન્ને સાળો બનેવી દિકરાને શોધવા માટે બોટાદ પોલીસ મથકમાં ગયા ત્યારે યુવાન પોલીસ કસ્ટડીમાં ન હોવાનું કહેવામાં આવ્યું હતું. જેથી એલસીબી શાખાએ જઈ તપાસ કરતા ત્યાં પણ દિકરો ન હોય, બપોરે ૩ કલાકે ફરી બોટાદ પોલીસ સ્ટેશને આવતા કોન્સ્ટેબલ આલકુએ તમારો દિકરો કાળુ ઉપરના રૂમમાં છે, હમણાં નીચે લાવશે તેમ જણાવ્યું હતું.

પોલીસે પોલીસને બચાવવા મદદ કરતા હાઈકોર્ટના દ્વાર ખખડાવેલા

પુત્રને ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવ્યા હોવાની રાવ સાથે તેના પિતા અને મુસ્લિમ સમાજના આગેવાનોએ એસ.પી. સહિતનાઓએ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ પોલીસને જ બચાવવા માંગતી હોય તેમ તેઓનું સાંભળવામાં આવ્યું ન હતું. જેથી ઉસ્માનભાઈ પાધરસીએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન નં.૬૦૦૧/૨૦૨૩ દાખલ કરી હતી. જેના આધારે હાઈકોર્ટે બોટાદ એસપીને બનાવને લગતા સીસીટીવી ફૂટેજ સુરક્ષિત કરવા હુકમ કર્યો હતો.

Gujarat