Updated: Apr 5th, 2023
- રાજસ્થાનના મજૂર પરિવારો બ્લોક ફિટીંગના કામ માટે આવ્યા હતા
- કૌટુંબિક સાથે આડા સબંધ હોવાની દાઝ રાખી પેટના ભાગે ત્રિકમના બે ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું, ગણતરીની કલાકોમાં જ હત્યારો પતિ ગિરફ્તાર
બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકાના ગાળા ગામે બ્લોક ફિટીંગનું મજૂરી કામ કરવા આવેલા પરપ્રાંતિય શખ્સે તેની પત્નીને ત્રિકમના બે ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. પત્નીની હત્યા કરી નાસી છુટેલા હત્યારા પતિને પોલીસે ગણતરીની કલાકોમાં જ ગિરફ્તાર કરી પૂછતાછ કરતા પત્નીને આડા સબંધ હોવાની દાઝ રાખી ઢીમ ઢાળી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા તાલુકાના ગાળા ગામે ત્રણ દિવસથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક નાંખવાનું કામ શરૂ કરાયું છે. જેના મજૂરી કામ માટે રાજસ્થાનથી લાલુભાઈ બળદેવભાઈ ડામોર, તેનો નાનોભાઈ ભીમા બળદેવભાઈ ડામોર બન્નેના પરિવાર સાથે ગાળા ગામે આવ્યા હતા. અહીં બન્ને ભાઈના પરિવાર દોલાભાઈ દેહુરભાઈ મારૂના મકાનમાં રહેતા હોય, મધરાત્રિના સમયે ભીમા બળદેવભાઈ ડામોર (રહે, હાલ ગાળા, તા.ગઢડા) નામના શખ્સે તેના પત્ની ભાવનાબેન સાથે બોલાચાલી કરી આવેશમાં આવી જઈ લાકડાના હાથાવાળી લોખંડની ત્રિકમના બે ઘા પેટના ભાગે મારી દેતા મહિલા લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડયાં હતા. પતિએ પત્નીને ત્રિકમના ઘા ઝીંક્યાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યોએ બૂમાબૂમ કરતા મકાનમાલિકના ભત્રીજા લાલાભાઈ મારૂ અને અન્ય ગ્રામજનોએ દોડી જઈ ગંભીર ઈજા પામેલા ભાવનાબેનને ૧૦૮ મારફતે ગઢડા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજપરના તબીબે મહિલાને તપાસી મૃત જાહેર કર્યા બાદ મૃતદેહને ફોરેન્સિક પી.એમ. માટે ભાવનગર સર ટી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યારે પત્નીના ખૂનથી હાથ રંગનાર હત્યારો ભીમા ડામોર સ્થળ પર જ ત્રિકમનો ઘા કરી નાસી જતાં પોલીસે તેને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી હત્યાના કારણ અંગે પૂછપરછ કરતા શખ્સે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, તેની પત્નીને પોતાના કાકાના ભાઈ સાથે આડા સબંધ હોય, જેના કારણે પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું.
ઘટના સંદર્ભે લાલાભાઈ લખુભાઈ મારૂ (ઉ.વ.૨૪, રહે, ગાળા, તા.ગઢડા)એ હત્યારા ભીમા ડામોર સામે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં હથિયાર કબજે લેવામાં આવ્યું છે અને ઝડપાયેલા હત્યારા શખ્સને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ તપાસનીસી અધિકારી ઈન્ચાર્જ પીઆઈ એમ.જી. જાડેજાએ જણાવ્યું હતું.
ચોરની આંશકામાં ગ્રામજનોએ પકડયો
ગાળા ગામે પતિએ પત્નીને કુટુંબી દિયર સાથે લગ્નેત્તર સબંધ હોવાની શંકામાં પેટના ભાગે ત્રિકમના બે મરણતોલ ઘા ઝીંકી દઈ હત્યા કરી નાંખ્યા બાદ હત્યારો શખ્સ ભીમા ડામોર નાસી છુટયો હતો. દરમિયાનમાં આ શખ્સ ગાળા ગામથી સાળીંગપરડા ગામ તરફ ભાગતો હોય, ગ્રામજનોને કોઈ શખ્સ ચોરી કરી ભાગતો હોવાની આશંકા જતાં તેને પકડી પાડી પોલીસને સોંપી દીધો હતો. જો કે, ત્યારબાદ આ શખ્સ ચોર નહીં પરંતુ પત્નીનો હત્યારો હોવાનું બહાર આવ્યું હતું.