ઠાસરામાં બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ
- કેટલાક વેપારીઓ પાલિકાની અપીલને ઘોળી પી ગયા
- કોરોનાનું સંક્રમણ અન્ય વિસ્તારોમાં ફેલાતું અટકાવવા કેટલાકે સ્વયંભૂ રીતે દુકાનો બંધ કરી તો કેટલાકે દુકાનો ખુલ્લી રાખી
નડિયાદ, તા.26 જુલાઈ 2020, રવિવાર
ઠાસરા પાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.જો કે શહેરના કેટલાક દુકાનદારો પાલિકાની જાહેર અપીલને ધોળીને પી ગયા છે.બપોર બાદ પણ દુકાનો ખુલ્લી રાખી વેપાર- ધંધો કરતા નજરે પડયા હતા.જેથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો.
ઠાસરા પાલિકા દ્વારા કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા માટે આજ થી સમયમાં ફેરફાર કર્યો હતો.જેમાં પાલિકા વિસ્તારમાં આવેલ દુકાનો સવારના ૭.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી રાખવા જણાવ્યુ હતુ.શહેરના દિવ્ય જ્યોત સોસાયટીમાં એક કોરોના પોઝીટીવ કેસ નોધાતા તંત્ર હરકતમાં આવ્યુ છે.અને નોવેલ કોરોના વાયરનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પાલિકા વિસ્તારમાં સમયમાં ફેરફાર કર્યો છે.જેમાં પાલિકા વિસ્તારમાં આવેલ દુકાનો, શાકમાર્કેટ, શાકભાજીની લારીઓ, પાથરાણા વાળા તેમજ અન્ય ચીજવસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ અને ફેરીયાઓને આજથી બીજો હુકમ ન થાય ત્યા સુધી સવારના ૭.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે.
જો કે પાલિકા દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવા છતા શહેરના કેટલાક વિસ્તારમાં વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી પાલિકાની જાહેર અપીલને ધોળીને પી ગયા છે. જેમાં શહેરના હોળી ચકલાથી લક્ષ્મી સુપર માર્કેટ,પ્રિતિ ચેમ્બર્સ સુધીની દુકાનો ખુલ્લી જોવા મળી હતી.જેમાં વેપારીઓ પાલિકા હુકમને ધોળીને પી ગયા હતા.જ્યારે શહેરની લારીઓવાળા, દુકાનદારોએ સ્વૈચ્છીક બપોરના ૨.૩૦ બાદ દુકાનો બંધ રાખી હતી.