જુલાઈ જુલ્મી : કોવિડ-૧૯ દરદીની સંખ્યામાં બંપર ઉછાળો, 1123 કેસ
- જૂનના અંત સુધીમાં 280 કેસ હતા, અનલોક-૨ પૂરૂ થતાં 1403 થયા
- દર ૧૦ દિવસે ૩૫૦ થી ૪૨૫ કેસ નોંધાયા, રોજના સરેરાશ ૩૬ પોઝિટિવ દરદીનો ઉમેરો
ભાવનગર, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર
ભાવનગર જિલ્લા માટે જુલાઈ માસના અનલોક-૨.૦માં કોરોનાની મહામારી જુલ્મી બની હતી. એક જ માસમાં કોરોના પોઝિટિવના અધધ... ૧૪૦૩ કેસ સામે આવ્યા છે. તેમ છતાં લોકોમાં મહામારી પ્રત્યેની ગંભીરતા વધવાની બદલે ઘટી રહી છે. હવે અનલોક-૩.૦ની આજથી શરૂઆત થઈ ગઈ છે, તેની સાથે રાત્રિ કરફ્યુ પણ હટાવી દેવાયો છે, ત્યારે ઓગસ્ટમાં જુલાઈનો રેકોર્ડ તૂટે તો નવાઈ નહીં!
જુલાઈ માસમાં કોવિડ-૧૯ દરદીની સંખ્યામાં બંપર ઉછાળો આવ્યો છે. ૩૦મી જૂન સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવના માત્ર ૨૮૦ દરદી જ હતા. તેમાં દૈનિકની સરેરાશ ૩૬ અને દર ૧૦ દિવસે ૩૫૦ થી ૪૨૫ કોરોના પોઝિટિવના કેસનો ઉમેરો થતા ૩૧મી જુલાઈ સુધીને અનલોક-૨.૦ પૂરૂ થતાં આ સંખ્યા ૧૪૦૩એ પહોંચી ગઈ છે. એટલે કે, ૩૧ દિવસમાં કોરોનાના ૧૧૨૩ કેસ નોંધાયા છે. ૧લી જુલાઈએ કોવિડ-૧૯ના ૨૯૫ કેસ થયા હતા. જે ૧૦મી જુલાઈએ ૫૪૯, ૨૦મી જુલાઈએ ૯૭૮ અને ૩૧મી જુલાઈએ ૧૪૦૩ થઈ ગયા છે અને ઓગસ્ટ માસના પ્રારંભે પણ કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. અનલોકના ચરણમાં કોરોના પણ અનલોક થઈ ચુક્યો છે, ત્યારે સ્વયં જાગૃતિ નહીં આવે તો મહામારીને રોકવી મુશ્કેલ બની જશે. હવે કોરોનાને મહાત આપતા એક-એક વ્યક્તિએ કોરોના વોરિયર્સ બનવું જરૂરી બન્યું છે.
લોકડાઉનમાં120 પોઝિટિવ, અનલોકમાં 1283
કોરોનાને કારણે માર્ચ મહિનાના અંતમાં લોકડાઉન અપાયું હતું. લોકડાઉનના ૬૪ દિવસ એટલે કે મે મહિનાની ૩૦મી તારીખ સુધીમાં ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દરદીની સંખ્યા માત્ર ૧૨૦ હતી. ત્યારબાદ ૧લી જૂનથી અનલોકનો તબક્કો શરૂ થયો અને આ અનલોકના બે માસમાં ભાવનગર જિલ્લાની અંદર કોરોનાના ૧૨૮૩ કેસ સામે નોંધાઈ ચુક્યા છે.