આજથી ગોહિલવાડના પ્રાચીન-અર્વાચીન શિવાલયો દિપમાળાથી ઝળહળી ઉઠશે
- ચારેય શ્રાવણીયા સોમવાર, સાતમ આઠમના લોકમેળા બંધ રહેશે
કોરોનાની મહામારી વધતા શ્રાવણ માસની સાદગીભેર ઉજવણીનું આયોજન
ભાવનગર, તા. 20 જુલાઈ 2020, સોમવાર
દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસના આજથી થઈ રહેલા પ્રારંભથી ભાવનગર શહેર ઉપરાંત છોટે કાશી સિહોર તેમજ પાલિતાણા સહિતના જિલ્લાના તાલુકાઓના પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં હર હર મહાદેવનો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે.અને શિવાલયો દિપમાળાથી દીપી ઉઠશે. જો કે, આ વર્ષે શિવભકતોને કોરોનાની માર્ગદર્શિકા મુજબ પૂજન અર્ચન કરવાનું રહેશે.
ભાવનગર શહેર અને છોટે કાશી સિહોરના નવનાથ તેમજ પાલિતાણા શહેરના ભીડભંજન,નાગનાથ, હાટકેશ્વર તેમજ નીલકંઠ મહાદેવ,ભૂતેશ્વર,વીરપુર, લુવારવાવ તેમજ બાર જયોર્તિલીંગ,નાનીમાળ સહિતના જિલ્લાભરના નામી અનામી શિવાલયોમાં કોરોનાને લીધે આજથી પવિત્ર શ્રાવણ માસની સાદગીભેર ઉજવણીનો પ્રારંભ થશે. શિવાલયોમાં ચાર પ્રહરની મહાઆરતી, મહાપુજા, અર્ચન, જળાભિષેક,દુગ્ધાભિષેક, રુદ્રાભિષેક, શિવધૂન,ભજન,કિર્તન, અને સંતવાણી સહિતના કાર્યક્રમોમાં બ્રેક સાથે ઉજવણીનો ઉમંગ જોવા નહિ મળે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ હોય ચાલુ વર્ષે શ્રાવણ માસની ઉજવણીના ઉત્સાહમાં રૃકાવટ આવેલ છે. ચારેય શ્રાવણીયા સોમવાર,નાગપાંચમ,શીતળા સાતમ અને જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળા જોવા મળશે નહિ. શિવાલયોમાં ફરજીયાત માસ્ક, સેનીટાઈઝ,સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું શિવભકતોને ફરજીયાતપણે પાલન કરવાનું રહ્યુ.