For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતના વિકાસમાં રોડા નાખનાર જમાતને વિદાય આપો : વડાપ્રધાન

Updated: Nov 20th, 2022

Article Content Image

- બોટાદ ખાતે ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ વિકાસની વાતો કરી 

- પહેલાના સમયમાં પાણી સમસ્યાના કારણે દિકરીને બંદુકે દેજો પણ ધંધુકે ના દેતા તેમ કહેવાતુ : આ ચૂંટણીમાં વિપક્ષના ડબ્બા ડુલ થશે : મોદી 

ભાવનગર/બોટાદ : ગુજરાતના વિકાસમાં રોડા નાખનાર જમાતને વિદાય આપો તેમ આજે રવિવારે બોટાદ ખાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું. બોટાદ ખાતે વડાપ્રધાનની ચૂંટણી સભા યોજાઈ હતી. વડાપ્રધાને અન્ય પાર્ટીને આડેહાથ લીધી હતી અને વિકાસની વાતો કરી હતી. ભાજપે વિકાસને પ્રાથમિકતા આપી તેથી બધી પાર્ટીઓએ હવે વિકાસની વાતો કરવી પડી રહી છે તેમ જણાવ્યુ હતું. 

બોટાદ ખાતે આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, પહેલાની સરકારોમાં ગોટાળા થતા, જ્ઞાતીવાદની વાતો થતી હતી પરંતુ ભાજપ સરકાર ગુજરાતમાં આવ્યા બાદ વિકાસની વાતો થાય છે. ભાજપે વિકાસને પ્રાથમિકતા આપી છે. બહારથી આવતા રાજકીય લોકો ગુજરાતને બદનામ કરે છે અને નકારાત્મકતાનુ વાતાવરણ ઉભુ કરે છે, તેઓને પોતાના ઘર ભરવા છે. ગુજરાતના વિકાસમાં રોડા નાખનાર આખી જમાતને વિદાય કરો. ગુજરાતમાં ભાજપ સરકારે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ વગેરે સુવિધામાં વધારો કર્યો છે. પહેલાની સરકારમાં સુવિધાનો અભાવ હતો. 

વડાપ્રધાને વધુમાં જણાવ્યુ હતુ કે, બોટાદ, સૌરાષ્ટ્ર, અમદાવાદ વગેરે જિલ્લાના વલ્લભીપુર, ધંધુકા, ધોલેરા, ભાવનગર વગેરેમાં આગામી સમયમાં ઉદ્યોગ ક્ષેત્ર ધમધમતા હશે. જે ગુજરાતમાં સાયકલ બનતી ના હતી ત્યાં હવે વિમાન બનશે. ર૦ વર્ષ પહેલા પ્રાથમિક જરૂરીયાતના ફાંફા હતાં. ભાજપ સરકારમાં લઘુ ઉદ્યોગનુ પ્રમાણ વધ્યુ, મેડીકલ કોલેજ, ડેન્ટલ કોલેજમાં વધારો થયો, એમબીબીએસની સીટો વધી. કનેકટીવીટી વધી અને હજુ આગામી દિવસોમાં વધશે. ગુજરાતમાં હવે શસ્ત્રો પણ બનશે. વધુ વોટીંગ કરી ગુજરાતના જુના રેકોર્ડ તોડી નાખો અને ભાજપના ઉમેદવારોને વિજ્યી બનાવો તેમ વડાપ્રધાને જણાવ્યુ હતું. આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં. 

Gujarat