Get The App

આભેથી આવ્યો મોંઘેરો મેઘ : અડધી કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ

- ભાવનગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધૂંઆધાર ઈનિંગ

- અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ, વરસાદ બાદ ઉઘાડ નીકળ્યો ઃ સિહોર, પાલિતાણા અને ઘોઘામાં મેઘાએ હાજરી નોંધાવી

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
આભેથી આવ્યો મોંઘેરો મેઘ : અડધી કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ 1 - image


ભાવનગર, તા. 22 જુલાઈ 2020, બુધવાર

ભાવનગર શહેરમાં ઘણાં લાંબા સમય બાદ આભેથી મોંઘેરો મેઘો મનમુકીને આવ્યો હતો. સમીસાંજે આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસી જતાં અડધો કલાકની અંદર જ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર ઉપરાંત સિહોર, પાલિતાણા અને ઘોઘામાં પણ મેઘાએ હાજરી નોંધાવી હતી.

ભાવનગરમાં મેઘરાજાએ મનમુકીને વરસવામાં લાંબો વિરામ લીધો હતો. આ વિરામ આજે શ્રાવણ માસના બીજા દિવસે પૂર્ણ થયો હોય તેમ દિવસ દરમિયાન સૂર્યનારાયણ દેવની હાજરી બાદ સાંજના પાંચ વાગ્યા પછી વાતાવરણ પલટાયું હતું. મેઘરાજા જાણે ધૂંઆધાર ઈનિંગ ખેલવા આવ્યા હોય તેમ વરસાદી માહોલ બંધાયા બાદ સાંજના સાડા પાંચ વાગ્યા બાદ એકાએક ધોધમાર વરસાદ વરસવાનું શરૃ થયું હતું. પવન અને વીજળીના કડાકા સાથે અડધો કલાક જેટલો દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. ધોધમાર વરસાદને પગલે શહેરના નિચાણવાળા તેમજ અન્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રોડ-રસ્તાઓની સાથે લોકોના ઘરમાં પણ પાણી ભરાયા હતા. વરસાદના વિરામ બાદ ઉઘાડ નીકળતા સૂર્યનારાયણના ફરી દર્શન થયા હતા. તડકા વચ્ચે પણ છાંટા વરસ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભાવનગરમાં ૪૨ મિ.મી. ઉપરાંત સિહોરમાં ૬, પાલિતાણામાં ૪ અને ઘોઘામાં ૩ મિ.મી. મેઘમહેર વરસી હતી. 

Tags :