સ્ત્રી દરદીની તુલનામાં કોરોના પુરૂષો માટે ખતરનાક, 643 વ્યક્તિ સંક્રમિત
- જિલ્લામાં કાળો કેર વર્તાવતો કોરોના : 25 દિવસમાં 893 લોકો સંક્રમિત
- ૨૫મી જુલાઈ સુધીમાં ૨૫૦ સ્ત્રી કોરોના પોઝિટિવ, ભાવનગર જિલ્લામાં દરરોજના સરેરાશ ૩૫ કેસ
ભાવનગર, તા. 25 જુલાઈ 2020, શનિવાર
ભાવનગર જિલ્લા માટે જુલાઈ માસ કોરોનાની મહામારીમાં જાલીમ રહ્યો છે. જુલાઈના ૨૫ દિવસમાં દરરોજના સરેરાશ ૩૫થી વધુ કેસ મુજબ ૮૯૩ લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે. તેમાં ચિંતાજનક રીતે સ્ત્રી દરદીઓની સામે પુરૂષ દરદીઓની સંખ્યા ત્રણ ગણી જેટલી છે.
ભાવનગર જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. કોરોના પોઝિટિવ કેસના મામલે ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ૨૬ માર્ચથી લઈ ૨૫ જુલાઈ સુધીના ચાર માસના સમયગાળામાં કોરોનાના કેસની સંખ્યા ૧૧૭ ૩ને આંબી ગઈ છે. તેમાં પણ જુલાઈ માસના ૨૫ દિવસમાં જેટલા કેસ આવ્યા છે, તે કુલ કેસના ૭૫ ટકાથી વધુ છે. આ આંકડો જ લોકોની કોરોના મહામારી પ્રત્યે કેટલી ગંભીરતા છે ? તે દર્શાવી રહ્યું છે. સ્ત્રી-પુરૂષની વાત કરીએ તો સ્ત્રી દરદીની તુલનામાં કોરોનાની મહામારી પુરૂષો માટે ખતરનાક છે. ૨૫ દિવસમાં નોંધાયેલા ૮૯૩ કેસમાંથી ૬૪૩ કોરોના સંક્રમિત વ્યક્તિ એકલા પુરૂષો છે. તો સ્ત્રી દરદીની સંખ્યા ૨૫૦ નોંધાયા છે. પુરૂષોમાં કોરોના વાયરસના વધુ ફેલાવાનું મુખ્ય કારણ સામાજિક અંતર, માસ્ક, સેનેટાઈઝરના નિયમનો ભંગ કરવો, બિનજરૂરી ઘર બહાર આંટા-ફેરા કરવા અને ધંધા-વ્યવસાયને કારણે વધુમાં વધુ લોકો સાથે થતો સંપર્ક માનવામાં આવે છે. આ ચોંકાવનારા આંકડો હજુ વધે તે પહેલા કોવિડ-૧૯ને કાબૂમાં કરવા લોકોએ સ્વયં જ જાગૃતિ દાખવી જરૂરી બની છે.