Botad

બોટાદ હીરા ચોરીનો ભેદ ઉકેલાયો: પિતા, પુત્રી અને જમાઈ 1885 કેરેટ હીરા સાથે બાવળાથી ઝડપાયા

By GS Team
17 Aug 20263 mins read
TukuTouch Logo
બોટાદના હીરા બજારમાં 16મી ઓગસ્ટે દુકાનમાંથી 1885 કેરેટ કાચા હીરાની ચોરી થઈ હતી. બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા. સીસીટીવી અને રિક્ષાચાલકોની પૂછપરછના આધારે પોલીસે બાવળા રેલવે સ્ટેશન પરથી બચ્ચુ સાડમિયા, તેની પુત્રી સપના અને જમાઈ વીનાને ચોરી કરેલા હીરા સાથે પકડી પાડ્યા. પોલીસે 43,17,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ હીરા ચોરીનો ભેદ ઉકેલાયો: પિતા, પુત્રી અને જમાઈ 1885 કેરેટ હીરા સાથે બાવળાથી ઝડપાયા

Botad Diamond Theft Case: બોટાદના હીરા બજારમાં 16મી ઓગસ્ટના રોજ દુકાનમાંથી કરોડો રૂપિયાની કિંમતના 1885 કેરેટ કાચા હીરાની ચોરી થવાની ઘટનામાં બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સીસીટીવી, નેત્રમ કેમેરા અને રિક્ષા ચાલકોની પૂછપરછના આધારે પોલીસે આરોપીઓનું પગેરું મળ્યું હતું. આરોપી ટ્રેન મારફતે અમદાવાદ તરફ ભાગી રહ્યા છે, આ માહિતીના આધારે પોલીસે બાવળા રેલવે સ્ટેશન પર નાકાબંદી કરીને બચ્ચુ સાડમિયા, તેમની પુત્રી સપના અને જમાઈ વીનાને ચોરી કરેલા હીરા સાથે ધરપકડ કરી હતી.

બપોરના સમયે આરોપીઓ દુકાનમાં ઘૂસી કરી હતી ચોરી

પોલીસના જણાવ્યાનુસાર, 16મી ઓગસ્ટના રોજ બપોરે હીરા બજારમાં જ્યારે લેવેજ બંધ હતી અને વેપારીઓ જમવા ગયા હતા, ત્યારે અશોક અને રસિકની ભાગીદારીવાળી દુકાનમાં 3 અજાણ્યા શખસો ગેરકાયદે રીતે પાછળના દરવાજેથી અંદર ઘૂસી ગયા હતા. તેઓ દુકાનમાંથી હીરાનો કાચો માલ ચોરીને ભાગી ગયા હતા. જ્યારે માલિકો પરત આવ્યા ત્યારે તેને ખબર પડી કે 1885 કેરેટથી વધુ હીરા ગાયબ છે અને તેણે તરત જ પોલીસને આ અંગે જાણ કરી હતી. તાત્કાલિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી અને બજારના તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું.

CCTV અને રિક્ષાચાલકોની પૂછપરછથી મળ્યો સુરાગ

સીસીટીવી કેમેરામાં તેના પહેરવેશ અને ચાલવાની રીત જોઈને નેત્રમ પ્રોજેક્ટના કેમેરાની મદદથી ક્લિયર પિક્ચરથી મળી કે, આરોપીઓ એક રિક્ષામાં બેસીને આગળ ગયા છે. રિક્ષાચાલકને શોધી કાઢ્યો, જેણે જણાવ્યું કે આરોપીઓને એક જગ્યાએ ઉતાર્યા હતા જ્યાં અન્ય 10થી 20 રિક્ષાઓ ઊભી રહે છે. ત્યાંથી અન્ય રિક્ષાચાલકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક રિક્ષાવાળો તેને બોટાદ રેલવે સ્ટેશન સુધી મૂકી આવ્યો હતો. બોટાદ રેલવે સ્ટેશન પર આરપીએફ ટીમે સાથે મળીને સીસીટીવી તપાસ્યા હતા. જેમાં સામે આવ્યું કે, આરોપીઓ અમદાવાદ તરફ જતી ટ્રેનમાં બેસીને રવાના થયા છે.

બાવળા રેલવે સ્ટેશન પર નાકાબંદી અને ગોલ્ડન અવરમાં ધરપકડ

આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરીને બધી વિગતો અને શંકાસ્પદોના ફોટા મોકલી આપ્યા. પોલીસ અલગ-અલગ ટીમે ટ્રેનની દરેક બોગી અને રેલવે સ્ટેશનની અંદર-બહાર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બસ સ્ટેન્ડ પર પણ નાકાબંદી કરવામાં આવી હતી. આ દરમિયાન સમય ગુમાવ્યા વગર આરપીએફ અને સ્ટેશનના કેમેરાની મદદથી બાવળા રેલવે સ્ટેશનની બહારના ભાગેથી 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં બચ્ચુ સાડમિયા તેની પુત્રી સપના અને જમાઈ વીના જીલિયા સામેલ છે. બચ્ચુ સામે મોરબી જિલ્લામાં અગાઉ 4 ગુના અને સપના સામે જેતપુર તથા કાલાવડમાં 2 ગુના નોંધાયેલા છે. આ ગેંગનો ઈરાદો બોટાદમાં ઘરફોડ ચોરી કરવાનો હતો, પરંતુ તે દિવસે મોકો મળતા તેણે આ દુકાનને નિશાન બનાવી હતી. બાવળા પોલીસ દ્વારા તેમની પાસેથી 100 ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે, જેની કિંમત 43,17,000 રૂપિયા છે અને તેમાં કુલ 1885 કેરેટ ડાયમંડ છે.